Get The App

ભારતની રિઝર્વ બેન્કે ઓક્ટોબરમાં 27 ટન સોનું ખરીદ્યું : આ વર્ષે કુલ ખરીદી 77 ટન કરાઈ

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ભારતની રિઝર્વ બેન્કે ઓક્ટોબરમાં 27 ટન સોનું ખરીદ્યું : આ વર્ષે કુલ ખરીદી 77 ટન કરાઈ 1 - image


- વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ સોનું ખરીદવા ધસારો કર્યો

- તૂર્કી, પોલેન્ડ, કઝાખસ્તાને પણ સોનાની ખરીદીમાં કરેલી વૃધ્ધિ

મુંબઈ : સોનામાં વૈશ્વિક સ્તરે તાજેતરના ઉંચા ભાવથી  આવેલા ઘટાડામાં વિવિધ ફંડો ઉપરાંત વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોનામાં વધતી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વિવિધ દેશો વચ્ચે યુધ્ધના માહોલમાં સેફ હેવન સ્વરૂપમાં સોના માટે માગ વધી હોવાના નિર્દેશો મળ્યા છે. અમુક દેશો ડોલરનું પ્રભુત્વ ઘટાડવા પણ સોનાની ખરીદી કરતા જોવા મળ્યા છે.

ભારતની રિઝર્વ બેન્કે ઓક્ટોબરમાં૨૭ ટન સોનું ખરીદ્યું છે તથા આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં રિઝર્વ બેન્ક દ્વારા ૭૭ ટન સોનું ખરીદવામાં આવ્યું છે. ૨૦૨૩ની સરખામણીએ આ વર્ષે આવી ખરીદી પાંચ ગણી વધુ થઈ છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ઓક્ટોબરમાં કુલ ૬૦ ટન સોનાની ખરીદી કરતાં આ વર્ષમાં મંથલી આવી ખરીદીમાં નવો રેકોર્ડ સર્જાયો છે.

તૂર્કીના સમાચાર મુજબ ત્યાંની સરકાર હસ્તકની સેન્ટ્રલ બેન્ક દ્વારા ઓક્ટોબરમાં ૧૭ ટન સોનું વિશ્વબજારમાંથી ખરીદવામાં આવ્યું છે. તૂર્કીની સરકાર છેલ્લા ૧૭ મહિનાથી દર મહિને સોનાની ખરીદી સતત કરવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૨૩થી ગણતાં ઓક્ટોબરમાં આવી મંથલી ખરીદી સૌથી મોટી કરાઈ છે. આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં તૂર્કીએ ૭૨ ટન સોનું ખરીદ્યું છે.

બીજા ત્રિમાસિક તથા ત્રીજા ત્રિમાસિક દરમિયાન ખરીદવામાં આવેલા સોના કરતાં એકલા ઓક્ટોબર મહિનામાં સોનાની ખરીદી વધુ થયાના વાવડ મળ્યા હતા. તૂર્કી ઉપરાંત પોલેન્ડની સરકારી નેશનલ બેન્કે ઓક્ટોબરમાં ૮ ટન સોનું ખરીદતાં સતત ૭મા મહિને પોલેન્ડની ખરીદી જળવાઈ રહી છે. આ વર્ષે પોલેન્ડની આવી ખરીદી ૬૯ ટન સોનાની નોંધાઈ છે. આવી ખરીદી હજી ચાલુ રહેશે એવા સંકેતો પોલેન્ડની સરકારે આપ્યા છે. કઝાખસ્તાનની સરકારી બેન્કે ઓક્ટોબરમાં પાંચ ટન સોનું ખરીદ્યું છે. કઝાખસ્તાન પાંચ મહિનાથી સોનું વેંચી રહ્યું હતું તે ઓક્ટોબરમાં સોનું ખરીદવા નિકળ્યું હતું. ઘાનાની સરકારી બેન્કે પણ સોનું ખરીદ્યું છે તથા તેનું ગોલ્ડ રિઝર્વ વધી ૨૮ ટન થયું છે.


Google NewsGoogle News