Get The App

રાજકીય સન્માન સાથે રતન ટાટા પંચમહાભૂતમાં વિલીન

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
રાજકીય સન્માન સાથે રતન ટાટા પંચમહાભૂતમાં વિલીન 1 - image


- આમ્હાલા દેવા ચે દર્શન કરુ દ્યા (અમને અમારા ભગવાનના દર્શન કરવા દો)ની આજીજી સાથે અનેક સામાન્ય લોકોએ સ્મશાનભૂમિ ખાતે ભીડ જમાવી

- રતન ટાટાને તેમની ઈચ્છા મુજબ પારસી પરંપરાથી અલગ ચીલો ચાતરીને અગ્નિદાહ અપાયો

મુંબઈ : ભારતીય ઉદ્યોગ જગતના મુઠ્ઠી ઊંચેરા સખાવતી ઉદ્યોગપતી અને ટાટા જૂથના વડા રતન ટાટાનો પાર્થીવ દેહ આજે ''ભારત-રતન'' અમર રહે... ભારત માતા કી જય... એવાં ગગનભેદી નારા સાથે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. વરલીના વિદ્યુત સ્મશાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અને મહાનુભાવો કરતાં આમ આદમીઓની પ્રચંડ ભીડ સાથે અંતિમ-સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રતન નવલ ટાટાએ ૮૬ વર્ષની જૈફ વયે ગઈ મોડી રાત્રે દક્ષિણ મુંબઈની બ્રીચ-કેન્ડી હોસ્પિટલમાં અંતિમ-શ્વાસ લીધા હતા. ત્યાર પછી આજે સવારે સદ્ગતના નશ્વર દેહને નરીમાન પોઈન્ટના એનસીપીએમાં અંતિમ-દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે શ્વેત ફુલોથી શણગારવામાં આવેલા વાહનમાં તેમની સ્મશાનયાત્રા નીકળી હતી ને વરલી સ્મશાનભૂમિ પહોંચી હતી.

સાદગી અને સેવાવૃત્તિની જીવંત મૂર્તિ સમા રતન ટાટાના રાષ્ટ્રધ્વજ ઓઢાડેલા નશ્વર દેહને પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસ તરફથી ૨૧ ગન સેલ્યુટ આપવામાં આવી હતી અને ત્યારબાદ બ્યુગલ પર અંતિમ વિદાયની ધૂન વગાડવામાં આવતા વાતાવરણમાં શોકની છાયા ફરી વળી હતી ત્યાર પછી પારસી ધર્મગુરુ દ્વારા જરથોસ્તી ધર્મની પ્રાર્થના કરવામાં આવ્યા પછી વિદ્યુત દાહિનીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.સામાન્ય રીતે  પારસી પરંપરા પ્રમાણે મૃતદેહને ટાવર ઓફ સાયલન્સ ખાતે મૂકી દેવામાં આવે છે. તેથી વિપરીત રીતે સ્વ. રતન ટાટાની ઈચ્છા પ્રમાણે જ વરલી ખાતે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

દેશના પનોતા પુત્રના અંતિમ દર્શન માટે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કેન્દ્રના પ્રધાન પિયુષ ગોયલ, અનેક રાજકીય મહાનુભવો, ઉદ્યોગપતિઓ,  ટાટા ખાનદાનના સભ્યો ઉપસ્થિત થયા હતા. સ્મશાનભૂમિની અંદર માત્ર ૨૦૦ વીઆઈપીઓ અને સગા-સંબંધીઓને પ્રવેશ આપ્યો હતો.

વરલીમાં અંતિમ-સંસ્કાર  થવાના હોવાથી મુખ્ય રસ્તાનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. સ્મશાનભૂમીના બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સ્મશાનભૂમિની બહાર લોકોની એટલી બધી ભીડ જામી હતી અને જોરજોરથી પોલીસને આજીજી કરતા હતા કે આમ્હાલા દેવા ચે દર્શન કરૂ દ્યા  (અમને અમારા ભગવાનના દર્શન કરવા દો) આખરે મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લું મૂકવામાં આવતા જાણે ડેમના દરવાજા ખુલ્લા મૂકાયા પછી પાણીનો ઘસમસતો પ્રવાહ શરૂ થઈ જાય એવો ધસારો થયો હતો. આ બધાને સ્મશાનની સામેના ગાર્ડનમાં ઊભા રાખી દેવામાં આવ્યા હતા. ત્યાંથી તેમણે એમના ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ પછી ભીડને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ  બની જતા એક જૂથને દૂર જ અટકાવવામાં આવતા થોડી નારાજી વ્યાપી હતી.

રાજકારણીઓ અને કોર્પોરેટ જગતના અગ્રણીઓ સહિત વિવિધ ક્ષેત્રોના હજારોની સંખ્યામાં  લોકો આજે સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોમગ આર્ટ્સ (એન.સી.પી.એ)ખાતે ઉમટી પડયા હતા.જેમની ઓળખ ઉદ્યોગના ટોચના આઇકોન હોવા ઉપરાંત પણ વધી ગઈ હતી.

બુધવારે રાત્રે  ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા રતન ટાટાના મૃતદેહને તેમના કોલાબાના ઘરે લઈ જવાયાબાદ થી તેમના પાથવદેહના અંતિમદર્શન માટે આજે નજીકમાં આવેલા નેશનલ સેન્ટર ફોર પર્ફોમગ આર્ટસ (એન સી પી એ)માં સફેદ ફૂલોથી શણગારીને લાવવામાં આવ્યો હતો.

કોલાબાના તેમના નિવાસસ્થાનેથી એનસીપીએ ખાતે મૃતદેહને અંતિમ દર્શને લઈ જવા માટે ગાડી નીકળી ત્યારે મુંબઈ પોલીસનાં બેન્ડે ખાસ વિદાયધૂનની સૂરાવલિઓ સાથે પ્રયાણ કરતાં સમગ્ર વાતાવરણ ભારે ગમગીન બની ગયું  હતું. 

એનસીપીએ ખાતે ત્રિરંગામાં વીંટાળેલા તેમના પાર્થિવ દેહને એક પેટીમાં મૂકવામાં આવ્યો હતો. શરદ પવાર, સુપ્રિયા સૂળે, રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે   કુમાર મંગલમ બિરલા, દીપક પારેખ, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસ, આમિર ખાન, સહિતની અનેક હસ્તીઓ અંતિમ દર્શને ઉમટી હતી. વિશેષ વાત એ હતી કે તેમને અંજલિ આપવા તથા અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉમટી પડયા હતા. મુંબઈના ડબ્બાવાળા, ટાટા જૂથની સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ, ટાટા જૂથમાં કામ કરી ચૂકેલા નિવૃત્ત લોકો અને ટાટા જૂથની હોસ્પિટલોમાં સારવાર લઈ સાજા થઈ ચૂકેલા લોકો પણ તેમને અંજલિ આપવા માટે ખાસ આવ્યા હતા. 

ક્રિકેટ સચિન તેંડુલકર આજે તેમનો પાર્થિવ દેહ એનસીપીએ ખાતે લવાય તે પહેલાં જ તેમના કોલાબા ખાતેના ઘરે પહોંચ્યો હતો. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગઈ રાતે હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા અને આજે તેમનાં પત્ની નીતા અંબાણી સાથે એનસીપીએ ખાતે પણ આવ્યા હતા. 

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત ઉચ્ચ નેતાઓ, અધિકારીઓ તમામ એનસીપીએ ખાતે  હાજર હતા. 

દિવસભર ભારે ધસારાના કારણે મરીન ડ્રાઈવ તથા નરીમાન પોઈન્ટના કેટલાક ભાગોમાં ટ્રાફિક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા . મહારાષ્ટ્ર સરકારે આજે એક દિવસનો શોક જાહેર કર્યો હતો.


Google NewsGoogle News