જાણો રતન ટાટાની કેટલી છે સંપત્તિ? હંમેશા કમાણીનો મોટો હિસ્સો દાન કરી દેતા હતા
Ratan Tata Net Worth: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે બુધવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ તેમના ઉદાર કાર્યો અને દૂરદર્શિતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા હતા. 9 ઑકટોબર 2024ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. એવામાં જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે.
1991થી 2012 સુધી ટાટા ગ્રૂપની કમાન સાંભળી
રતન ટાટાની ગણતરી સૌથી સફળ ઉદ્યોગપતિઓની યાદીમાં થાય છે અને તેમના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. 1991માં રતન ટાટાએ ટાટા ગ્રૂપની કમાન સંભાળી હતી અને 2012 સુધી કંપનીના ચેરમેન રહ્યા હતા.
રતન ટાટા આટલી સંપત્તિ છોડી ગયા છે
ટાટા ગ્રૂપનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. ટાટા ગ્રૂપ ઘરના રસોડામાં વપરાતી વસ્તુથી લઈને આકશમાં ઉડતાં પ્લેન સુધીના દરેક સાથે સંકળાયેલો બિઝનેસ કરે છે. આ ગ્રૂપમાં 100થી વધુ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ છે અને તેમનું કુલ ટર્નઓવર લગભગ $300 બિલિયન છે. જો રતન ટાટાની નેટવર્થની વાત કરીએ તો તેમની પાસે લગભગ 3800 કરોડ રૂપિયાની અંદાજિત સંપત્તિ છે
આવકનો મોટો હિસ્સો આપે છે દાનમાં
રતન ટાટાની સંપત્તિનો આ આંકડો તેમના વર્લ્ડવાઇડ બિઝનેસને જોતાં ઓછો લાગી શકે છે. રતન ટાટા તેમની ઉદારતા અને પરોપકાર માટે જાણીતા હતા. તેઓ પોતાની આવકનો મોટો હિસ્સો ટાટા ટ્રસ્ટને દાનમાં આપતા હતા. આ દાન ટાટા ટ્રસ્ટ હોલ્ડિંગ કંપની હેઠળની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી કુલ કમાણીમાંથી 66% યોગદાન આપે છે.
2004માં આવેલી સુનામીથી લઈને કોરોના મહામારી સુધી દરેક સંકટ કે કુદરતી આપત્તિ સમયે રતન ટાટા હંમેશા મદદ કરવા આગળ રહ્યા છે. તેઓ માત્ર સામાજિક કાર્ય માટે જ નહીં પરંતુ આર્થિક મુશ્કેલીઓથી પીડાતા વિદ્યાર્થીઓને મદદ કરવામાં પણ હંમેશા અગ્રેસર રહેતા હતા અને વિધાર્થીઓને સ્કોલરશિપ દ્વારા મદદ પૂરી પાડતા હતા.