કોણ છે રતન ટાટાના ઉત્તરાધિકારી નોએલ ટાટા? રસપ્રદ છે પરિવારનો વંશવેલો
Who Is Noel Tata New chairman of TATA Trusts: 9 ઓક્ટોબર, 2024ના રોજ 86 વર્ષની વયે દેહાંત પામેલ રતન ટાટા પછી ‘ટાટા ટ્રસ્ટ’નું સુકાન નોએલ ટાટાને સોંપવામાં આવ્યું છે. તેઓ સર્વસંમતિથી ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન ચૂંટાયા છે. રતન ટાટાના લગ્ન થયા ન હોવાથી તેમણે ટાટા ટ્રસ્ટમાં કોઈ ઉત્તરાધિકારીનું નામ આપ્યું ન હતું. તેથી એમના પછી ટાટા ગ્રુપનું સંચાલન નોએલ ટાટાના હાથમાં આવ્યું છે. 100 દેશોમાં ફેલાયેલા 39 લાખ કરોડ રૂપિયાના વિશાળ બિઝનેસ સામ્રાજ્યનું નેતૃત્વ કરવા જઈ રહેલા નોએલ ટાટા કોણ છે, ચાલો જાણીએ.
રતન ટાટા અને નોએલ ટાટા વચ્ચેનો સંબંધ
નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. 67 વર્ષીય નોએલ ટાટાના પિતા નવલ ટાટા અને માતા સિમોન ડુનોયર છે. સિમોન નવલ ટાટાના બીજાં પત્ની છે. એમના પહેલા પત્ની હતાં સૂની કોમિસ્સેરિએટ. એ બંનેના દીકરા તે રતન ટાટા અને જીમ્મી ટાટા. આમ, નોએલ ટાટા અને રતન ટાટાના પિતા એક જ છે, પણ માતા અલગઅલગ હોવાથી બંને સંબંધે સાવકા ભાઈ થાય છે.
આ પણ વાંચોઃ રતન ટાટાના ઉત્તરાધિકારીનું નામ જાહેર, સાવકા ભાઈ નોએલ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન
બંને ભાઈઓ વચ્ચે મતભેદ હતા?
ભૂતકાળમાં નોએલ ટાટાને ટાટા સન્સના અધ્યક્ષપદ માટે સંભવિત ઉમેદવાર ગણવામાં આવ્યા હતા, પરંતુ 2012માં એમને બદલે એમના સાળા સાયરસ મિસ્ત્રીને એ પદ મળ્યું હતું. 2016માં વિવાદ સર્જાતા સાયરસ મિસ્ત્રીને બહારનો રસ્તો દેખાડી દેવાયો અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના તત્કાલીન વડા એન. ચંદ્રશેખરનને ટાટા સન્સનું ચેરમેનપદ મળ્યું. નોએલ ટાટાની અવગણના પાછળનું કારણ એમના અને રતન ટાટા વચ્ચેના મતભેદોને ગણાવાતું રહ્યું હતું. જોકે, થોડા સમય અગાઉ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની ચર્ચા ચાલી હતી.
ટાટા ગ્રુપમાં નોએલ ટાટાની ભૂમિકા
નોએલ ટાટા વર્ષ 2014 થી ટાટા ગ્રુપના સાહસ ‘ટ્રેન્ટ લિમિટેડ’ના ચેરમેન છે. ટ્રેન્ટ લિમિટેડ એ વેસ્ટસાઇડ અને ઝુડિયો જેવી ફૅશન અને લાઇફસ્ટાઇલ ચેઇન સ્ટોર્સના વ્યવસાયનું નિયમન કરતી કંપની છે. 1998માં એક સ્ટોરથી શરૂ થયેલી આ સફર આજે 70 0થી વધુ સ્ટોર્સ સુધી વિસ્તરી છે. 2010 થી 2021 સુધી નોએલ ‘ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડ’નું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન એની આવક 500 મિલિયન ડોલરથી વધીને 3 બિલિયન ડોલર થઈ ગઈ હતી.
નોએલ ટાટાનો અભ્યાસ અને પરિવાર
નોએલ ટાટાએ યુકેની ‘સસેક્સ યુનિવર્સિટી’માંથી સ્નાતક ડિગ્રી મેળવી છે અને બિઝનેસ સ્કૂલ ‘ઈન્સીડ’ (INSEAD) ખાતે ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (આઈઈપી) પૂર્ણ કર્યો છે. તેમણે પલોનજી મિસ્ત્રીની પુત્રી આલુ મિસ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે- લેહ, માયા અને નેવિલ.
ટાટા પરિવારનો વંશવેલો
ટાટા પરિવારના રસપ્રદ વંશવેલા પર એક નજર નાંખીએ.
નુસરવાનજી ટાટા (1822-1886)
તેઓ રતન ટાટાના દાદાના દાદા હતા. ટાટા પરિવારમાં તેઓ પહેલા માણસ હતા જેમણે પરિવારનું પારંપરિક પૂજારી-કામ છોડીને નિકાસ-વ્યાપાર કરવાનું સાહસ ખેડ્યું હતું.
જમશેદજી ટાટા (1839-1904)
નુસરવાનજી ટાટાના આ પુત્ર એટલે રતન ટાટાના પરદાદા. ટાટા ગ્રુપની સ્થાપના કરનાર જમશેદજીને ભારતીય ઉદ્યોગના જનક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ટાટા સ્ટીલ, ટાટા પાવર અને મુંબઈની વિખ્યાત તાજમહેલ હોટેલનો પાયો નાંખ્યો હતો. તેમણે જમશેદપુર શહેરની સ્થાપના પણ કરી હતી.
દોરાબજી ટાટા (1859-1932)
જમશેદજીના સૌથી મોટા આ પુત્રએ જમશેદજીના અવસાન પછી ટાટા ગ્રુપને સંભાળ્યું હતું. પિતાના અધૂરા પ્રોજેક્ટ આ દીકરાએ પૂરા કર્યા હતા.
રતનજી ટાટા (1871-1918)
જમશેદજી ટાટાના નાના પુત્ર તે રતનજી ટાટા. તેમણે ટાટા ગ્રુપના કપાસ અને કપડા ક્ષેત્રના વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના પત્ની નવજબાઈ શેઠ ટાટા સન્સના પહેલા મહિલા ડિરેક્ટર હતાં.
નવલ ટાટા (1904-1989)
રતનજી ટાટા નિઃસંતાન હોવાથી તેમણે નવલ ટાટાને દત્તક લીધા હતા. પારિવારિક વ્યવસાયમાં ચાવીરૂપ ભજવનાર નવલ ટાટા પંદર વર્ષ સુધી ભારતીય હૉકી ફેડરેશનના પ્રમુખપદે પણ રહ્યા હતા.
રતન નવલ ટાટા (1937-2024)
નવલ ટાટાના પહેલા પત્ની સૂની કોમિસ્સેરિએટ થકી જન્મેલું ‘રતન’ તે રતન ટાટા. ટાટા ગ્રુપના આ સૌથી લોકપ્રિય લીડરે પારિવારિક વ્યવસાયનું અભૂતપૂર્વ વિસ્તરણ કર્યું. તેમણે જેગુઆર, લેન્ડરોવર અને ટેટલી જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડોના હસ્તાંતરણનું નેતૃત્વ પણ કર્યું. તેમણે ખરા અર્થમાં ટાટા ગ્રુપને વૈશ્વિક સ્તરે ચમકાવી દીધું.
નોએલ ટાટા (જન્મ 1957)
નવલ ટાટાના બીજા પત્ની સિમોન ડુનોયરના પુત્ર તે નોએલ ટાટા, જેમના હાથમાં હવે ટાટા ગ્રુપની જવાબદારી આવી છે.
ટાટા પરિવારનો એક બીજો ફાંટો જમશેદજી ટાટાના માતૃપક્ષે પણ ખીલે છે. એ તરફના જાણીતા નામો પર એક નજર નાંખીએ.
જે.આર.ડી. ટાટા (1904-1993)
જમશેદજીના માતા જીવણબાઈ ટાટાના ભાઈ હતા સોરાબ કાવસજી. કાવસજીએ દત્તક લીધેલ દીકરો તે દાદાભાઈ ટાટા. દાદાભાઈના દીકરા હતા રતનજી દાદાભાઈ ટાટા અને એમના પુત્ર તે જે.આર.ડી. ટાટા. એ હિસાબે જોઈએ તો જે.આર.ડી. ટાટા અને રતન ટાટા દૂરના સંબંધી થાય. જે.આર.ડી. ટાટા 50 થી વધુ વર્ષ (1938-1991) સુધી ટાટા જૂથના પ્રમુખ રહ્યા હતા. તેમણે ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી, જે બાદમાં એર ઈન્ડિયા બની ગઈ હતી. ટાટા ગ્રુપને બહુરાષ્ટ્રીય જૂથ બનાવવામાં જે.આર.ડી. ટાટાની વિશેષ ભૂમિકા રહી છે.
જે.આર.ડી. ટાટાના બહેન સીલા પેટીટના લગ્ન થયા હતા દિનશા માણેકજી પેટીટ સાથે. દિનશા પેટીટના બહેન હતાં રતનબાઈ પેટીટ જેમણે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા સાથે સંસાર માંડ્યો હતો.