રતન ટાટાએ 20 જ દિવસમાં એવા કામ કર્યા, જે કરવામાં સરકારને વર્ષો લાગી ગયા
Image: Facebook
Ratan Tata Success Story: 26 નવેમ્બર 2008ની અશુભ સાંજ... 600 રૂમ અને 44 સ્યુટવાળી ભારતની પહેલી લક્ઝરી હોટલ તાજ મહેલ પેલેસ પર પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓએ હુમલો કરી દીધો. તાજ અને તેની આસપાસ ફાયરિંગના અવાજ સંભળાઈ રહ્યા હતા. આ માહોલમાં એક 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિ તાજ હોટલના ગેટ પર કારમાંથી ઉતરે છે. સુરક્ષા કર્મચારી તેમને અંદર જવાથી રોકે છે કેમ કે તેઓ જાણે છે કે આ શખ્સ જ આ હોટલના માલિક છે અને સુરક્ષાની દૃષ્ટિએ તે વ્યક્તિનું અંદર જવું યોગ્ય નહોતું. ત્યારે તે વ્યક્તિ કહે છે, 'એક પણ આતંકી જીવિત બચવો જોઈએ નહીં અને જરૂર પડે તો આખી પ્રોપર્ટી જ બોમ્બથી ઉડાવી દો.' જેણે પણ આ સાંભળ્યું તમામ સ્તબ્ધ રહી ગયા. શું તમે જાણો છો કે હજારો કરોડની પોતાની જ પ્રોપર્ટીને ઉડાવી દેવાની વાત કરનાર આ શખ્સ કોણ હતા. તે હતા રતન ટાટા. દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ, જેની કિંમત ગયા વર્ષે 28 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી. તેઓ તેના ચેરમેન હતા પરંતુ આજે તેઓ આપણી વચ્ચે નથી. દરમિયાન હવે તેમને લઈને ઘણી વાતો સાંભળવામાં આવી રહી છે.
શરુઆત તે મુંબઈ હુમલાથી કરીએ છીએ જેની વાત આપણે કરી હતી. તમામ અવરોધો છતાં રતન ટાટા તાજ હોટલની અંદર ગયા અને ત્યાં ત્રણ દિવસ અને 3 રાત સુધી રોકાયા. આ દરમિયાન તેમણે ધ્યાન રાખ્યું કે તમામ સુરક્ષિત રહે. આ હુમલા બાદ જે તેમણે કર્યું તેના વિશે કહેવામાં આવે છે કે આ માત્ર રતન ટાટા જ કરી શકતા હતા. હુમલાના 20 દિવસની અંદર જ તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું. આ ટ્રસ્ટે આ 20 દિવસોમાં હુમલામાં માર્યા ગયેલા દરેક કર્મચારીના પરિવારને 36 લાખથી લઈને 85 લાખ રૂપિયા સુધીનું વળતર આપ્યું. એટલું જ નહીં રતન ટાટાએ આતંકી હુમલાના પીડિતોના 46 બાળકોના અભ્યાસની સમગ્ર જવાબદારી ઉઠાવી. રતન ટાટાએ ન માત્ર તાજ હોટલના કર્મચારીઓની પરંતુ આતંકી હુમલાના પીડિત રેલવે કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓ જેવા બીજા લોકોને પણ વળતર આપ્યું. આમાંથી તમામને 6 મહિના સુધી 10 હજાર રૂપિયા મહિનાની મદદ આપવામાં આવી. તમને આશ્ચર્ય થશે કે આ પ્રકારના કામ કરવામાં આપણી સરકારોને વર્ષો થઈ ગયા. હજુ પણ ઘણા પીડિત વળતરની રાહ જોઈ રહ્યા છે પરંતુ રતન ટાટાએ આ કામ લગભગ 3 અઠવાડિયામાં પૂરું કરી દીધું હતું.
જ્યારે ટાટા કંપનીમાં રતન ટાટાને મળી હતી નોકરી
રતન ટાટાનો જન્મ 28 સપ્ટેમ્બર 1937એ ગુજરાતના સુરતમાં નવલ ટાટાના ઘરે થયો હતો. તેમના પિતાએ બે લગ્ન કર્યા હતા. તેમની બીજી માતાના પુત્રનું નામ નોએલ ટાટા છે. અમેરિકામાં આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરીંગમાં ડિગ્રી લીધા બાદ તેમણે અમેરિકામાં જ નોકરી કરવાનું નક્કી કર્યું પરંતુ ત્યારે તેમના દાદી લેડી નવઝબાઈએ તેમને પાછા ભારત આવવા કહ્યું. મજબૂરીમાં તેઓ ભારત પરત ફર્યા પરંતુ અહીં આવીને તેમણે IBM કંપનીમાં નોકરી જોઈન કરી લીધી. તેમની પહેલી નોકરી વિશે તેમના પરિવારને ખબર નહોતી. થોડા સમય બાદ જ્યારે જે. આર. ડી ટાટાને તેમની નોકરી વિશે ખબર પડી તો તેઓ ખૂબ નારાજ થયા. તેમણે તાત્કાલિક રતન ટાટાને ફોન કરીને પોતાનો બાયોડેટા શેર કરવા માટે કહ્યું, પરંતુ ત્યારે રતન ટાટાની પાસે પોતાનો બાયોડેટા નહોતો. તેમણે પોતે જ IBMના જ ટાઇપરાઇટર પર પોતાનો બાયોડેટા ટાઇપ કર્યો અને JRDને મોકલી દીધો. જે બાદ 1962માં તેમને ટાટા કંપનીમાં નોકરી મળી. જ્યાં તેમણે 1965 સુધી એક સામાન્ય કર્મચારી તરીકે કામ કર્યું.
રતન ટાટાએ ફોર્ડથી પોતાના અપમાનનો બદલો લેવા માટે તેની ફેમસ બ્રાન્ડ લેન્ડ રોવર અને જગુઆરને હસ્તગત કરી હતી, પરંતુ આ માત્ર અર્ધસત્ય છે. ઇન્ટરનેટમાં એવી વાત પ્રચલિત છે કે વર્ષ 1999માં રતન ટાટા જ્યારે ફોર્ડના માલિકને મળવા અમેરિકા ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું 'તમને કારનો બિઝનેસ કરતાં આવડતું નથી.' તે બાદ તેઓ 9 વર્ષ સુધી આ અપમાન વિશે વિચારતા રહ્યા અને પછી જ્યારે ફોર્ડની નાદાર થવાની સ્થિતિ આવી તો તેમણે તેની સૌથી મોંઘી બ્રાન્ડ લેન્ડરોવર અને જગુઆરને હસ્તગત કરી લીધી પરંતુ આ સાચું નથી. હકીકત કંઈક બીજી હતી. વર્ષ 1999માં પર્સનલ વ્હીકલ સેક્શનમાં ટાટાને ખૂબ નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે અમુક લોકોએ રતન ટાટાને સલાહ આપી હતી કે તેઓ પેસેન્જર કાર સેગમેન્ટને વેચી દે. આ સંબંધિત વાતચીત માટે રતન ટાટા અને તેમના અધિકારી પ્રવીણ અમેરિકા ડેટ્રાયટ ગયા હતા. આ વાતચીતમાં ફોર્ડના ચેરમેને તેમને કહ્યું કે તમારે કાર મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં આવવું જોઈતું નહોતું. અંતે વાત રૂપિયાને લઈને અટકી ગઈ. ટાટા આ બાદ પાછા આવ્યા. તે બાદ ટાટાએ ધીમે-ધીમે આ માર્કેટમાં પકડ બનાવી. આ દરમિયાન વર્ષ 2007માં ફોર્ડ મોટર્સને પોતાના 100 વર્ષોના ઇતિહાસમાં સૌથી મોટું નુકસાન થયું. નાદારીની સ્થિતિ આવી ગઈ. આ સમાચારમાં રતન ટાટાને તક દેખાઈ. તેમણે અમેરિકામાં પોતાના પ્રતિનિધિ મોકલીને સર્વે કરાવ્યો. એક વર્ષ સુધી ચાલેલા આ સર્વેમાં એ પરિણામ નીકળ્યું કે લેન્ડરોવર અને જગુઆર બ્રાન્ડનું માર્કેટ હજુ પણ અકબંધ છે પરંતુ અમેરિકામાં મંદીના કારણે લોકો આની ખરીદી કરી રહ્યા નથી. આ માહિતી બાદ રતન ટાટાએ આ બન્ને બ્રાન્ડને ખરીદવાનો નિર્ણય કર્યો. તેમણે અનુમાન લગાવ્યું કે મંદી ખતમ થયા બાદ આ કારોનું વેચાણ વધશે. બાદમાં આ અનુમાન સાચું સાબિત થયું. જ્યારે આ ડીલ થઈ ત્યારે ફોર્ડના ચેરમેને કહ્યું, 'તમે આને ખરીદીને અમારી પર ઉપકાર કરી રહ્યા છો.' ટાટા ત્યારે એવી કંપની બની ગઈ હતી જે 1 લાખ અને 1 કરોડની કાર એક સાથે વેચી રહી હતી.
રતન ટાટાએ સ્ટીલ બનાવનારી કંપની કોરસને હસ્તગત કરી હતી
આ દરમિયાન રતન ટાટાએ વધુ એક મોટો નિર્ણય કર્યો. તેમણે પોતાના કરતાં લગભગ 5 ગણું વધુ સ્ટીલ બનાવનારી કંપની કોરસને હસ્તગત કરી. જ્યારે તેમણે આ નિર્ણય લીધો તો તેમની ખૂબ ટીકા થઈ. વર્ષ 2007માં જ્યારે આ ડીલ થઈ તો ટાટાએ આ માટે 12 બિલિયન ડૉલરની રકમ ચૂકવી હતી. આ મોટી રકમ હતી. તે સમયે ભારત તરફથી વિદેશમાં આ સૌથી મોટું હસ્તગત હતું. આ માટે ટાટાને વિવિધ બૅન્ક પાસેથી લોન લેવી પડી હતી પરંતુ બાદમાં રતન ટાટાનો જ નિર્ણય સાચો સાબિત થયો. હવે ટાટા સ્ટીલ દુનિયાની દસ મોટી સ્ટીલ નિર્માતા કંપનીઓ પૈકીની એક થઈ ચૂકી છે.