દેશમાં રક્ષાબંધન પર્વે થશે 12 હજાર કરોડનો વેપાર, માર્કેટમાંથી ચાઈનીઝ રાખડીઓ ગાયબ
CAIT Report on Rakshabandhan: શ્રાવણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમાંથી રક્ષાબંધન પણ એક છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધીને લાંબા આયુષ્યની કામના કરે છે. આ તહેવાર માટે સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. આ વર્ષો વેપારીઓએ મેક ઇન ઇન્ડિયા રાખીઓને સમર્થન આપતાં ચાઇના બનાવટની રાખીઓ બજારમાંથી ગાયબ છે. લોકોનો ઉત્સાહ જોઇ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે રક્ષાબંધન પર માર્કેટમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાનું વેપાર થઇ શકે છે.
ગયા વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો હતો
વેપારીઓના સર્વોચ્ચ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ જણાવ્યું છે કે આ વર્ષે રાખડીના તહેવાર પર દેશભરના બજારોમાં ભારે ભીડ છે. રાખડીઓની માંગને ધ્યાનમાં રાખીને આ વર્ષે 12 હજાર કરોડ રૂપિયાનો વેપાર થઈ શકે છે. ગયા વર્ષે આ આંકડો 10 હજાર કરોડ રૂપિયાની આસપાસ હતો. સીએઆઇટી અનુસાર, એવો અંદાજ છે કે રક્ષાબંધનથી શરૂ કરીને 15મી નવેમ્બરે તુલસી વિવાહના દિવસ સુધી તહેવારોની સીઝન દરમિયાન બજારોમાં રૂ. 4 લાખ કરોડથી વધુનું ટર્નઓવર થશે.
આ પણ વાંચોઃ ચાંદીપુરા બાદ ઝીકા વાયરસે વધારી સરકારની મુશ્કેલી, બેંગલુરુમાં પાંચ કેસ નોંધાતા એલર્ટ
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 કલાકે શરૂ થશે અને 19મી ઓગસ્ટના રોજ રાત્રે 11:55 કલાકે સમાપ્ત થશે. પરંતુ, આ દિવસે ભદ્રાનો સમય કેવો રહેશે, ચાલો જાણીએ?
- જ્યોતિષના મતે ભદ્રા 19 ઓગસ્ટે બપોરે 2:21 કલાકે લાગી જશે
- ભદ્ર પૂંછ ત્યાં સવારે 09:51 થી 10:53 સુધી રહેશે
- ભદ્રમુખ સવારે 10:53 થી બપોરે 12:37 સુધી રહેશે
- આ પછી બપોરે 1.30 કલાકે ભદ્રા સમાપ્ત થશે
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા ખૂબ જ અશુભ સમય માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. 19 ઓગસ્ટે બપોરે 1.30 વાગ્યા પછી જ રાખડી બાંધી શકાશે.
રાખડી બાંધવાનો શુભ સમય
19મી ઓગસ્ટે રાખડી બાંધવાનો સૌથી ખાસ સમય બપોરે 1:43 થી 4:20 સુધીનો રહેશે, તે સમયે તમે રાખડી બાંધી શકો છો. તમને રાખડી બાંધવા માટે કુલ 2 કલાક 37 મિનિટનો સમય મળશે, જે સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ સિવાય તમે પ્રદોષ કાળમાં સાંજે તમારા ભાઈના કાંડા પર રાખડી પણ બાંધી શકો છો. આ દિવસે પ્રદોષ કાલ સાંજે 06:56 થી 09:07 સુધી રહેશે.
ભદ્રા દરમિયાન રાખડી કેમ ન બાંધવી જોઈએ?
ભદ્રા દરમિયાન રાખડી ન બાંધવી જોઇએ આ પાછળ પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે, લંકાપતિ રાવણની બહેને ભદ્રા કાળમાં પોતાના કાંડા પર રાખડી બાંધી હતી અને એક વર્ષમાં તેનો નાશ થયો હતો. કહેવાય છે કે, ભદ્રા શનિદેવની બહેન હતી. ભદ્રા શનિદેવની જેમ ખતરનાક માનવામાં આવે છે. ભદ્રાને ભગવાન બ્રહ્મા તરફથી શ્રાપ મળ્યો હતો કે, ભદ્રામાં જે કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો કરશે તેનું પરિણામ અશુભ આવશે. તેથી ભદ્રામાં પોતાના ભાઈઓને રાખડી ન બાંધવી જોઈએ, નહીંતર આ અશુભ પ્રભાવ પાડે છે, જે ભાઈઓના જીવનમાં ખતરો બની શકે છે.
રક્ષાબંધન પૂજનવિધિ
રાખડી બાંધતા પહેલા બહેન અને ભાઈ બંનેએ વ્રત રાખવું જોઈએ. આ દિવસે સૌથી પહેલા એક થાળી લો. થાળીમાં રોલી, ચંદન, અક્ષત, દહીં, રક્ષાસૂત્ર અને મીઠાઈઓ રાખો, ઘીનો દીવો પણ રાખો.
સૌ પ્રથમ ભગવાનને રક્ષા સૂત્ર અને પૂજાની થાળી અર્પણ કરો. આ પછી ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસો. તે પછી પહેલા ભાઈને તિલક કરો અને પછી રક્ષાસૂત્ર બાંધો અને પછી ભાઈની આરતી કરો, તેને મીઠાઈ ખવડાવો અને ભાઈની સુખાકારી માટે પ્રાર્થના કરો.
રાખડી બાંધતી વખતે ભાઈ કે બહેનનું માથું ખુલ્લુ હોવુ જોઈએ નહીં. રક્ષા સૂત્ર બાંધ્યા પછી તમારા માતા-પિતા અને ગુરુના આશીર્વાદ લો અને તમારી ક્ષમતા મુજબ તમારી બહેનને ભેટ આપો. એવી વસ્તુઓ ભેટ તરીકે આપો જે બંને માટે શુભ હોય, કાળા કપડા કે મસાલેદાર કે ખારું ખોરાક ન આપો.
રાખડી કેવી હોવી જોઇએ ?
રાખડી ત્રણ દોરાની હોવી જોઈએ - લાલ, પીળો અને સફેદ. જો રક્ષા સૂત્રમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ રહેશે.
રક્ષાબંધન પર આ મંત્રનો જાપ કરો
હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરતી વખતે રાખડી બાંધવાથી ભાઈ-બહેન વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે. રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરો.
'યેન બદ્ધો બલિરાજા, દાનવેન્દ્રો મહાબલઃ
તેનત્વામ પ્રતિ બદ્ધનામિ રક્ષે, માચલ-માચલઃ'