શેરબજારમાં રોકાણકારોના 30 લાખ કરોડ ડૂબ્યા, મોદી-શાહે લોકોને ગેરમાર્ગે દોર્યા, રાહુલની તપાસની માંગ
Rahul Gandhi Demand Probe on Stock Market: રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અને પરિણામોના દિવસે શેરબજારમાં મોટી ઉથલપાથલ મામલે તપાસની માંગ કરી છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં તપાસની માગ કરી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શેરમાર્કેટમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું. એક્ઝિટ પોલના પગલે 3 જૂને શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, બાદમાં 4 જૂને મોટો કડાકો નોંધાતાં લોકોના 30 લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા હતા. આ મામલે રાહુલ ગાંધીએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા તપાસ હાથ ધરવા માંગ કરી છે.
વધુમાં રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલ એજન્સીઓની એનડીએ સરકાર સાથે મિલિભગત હોવાનો દાવો પણ કર્યો હતો. ભાજપ અને એક્ઝિટ પોલ એજન્સી વચ્ચે કનેક્શન હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
સરકારે શેરમાર્કેટ અંગે લોકોમાં ભ્રમ ફેલાવ્યો
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, સરકારે શેરમાર્કેટ અંગે લોકોમાં ભ્રમ ફેલાવ્યો છે. ભાજપના બે દિગ્ગજો અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન લોકોને શેરબજારમાં રોકાણ કરવા સલાહ આપી હતી. જેમાં મોદીએ કહ્યું હતું કે, સૌ કોઈ શેરબજારમાં રોકાણ કરી લે, 4 જૂન બાદ શેરબજાર તેજીથી દોડશે, જેને ઓપરેટર્સ પણ હેન્ડલ કરી શકશે નહીં.
3 જૂને શેરબજારમાં આકર્ષક ઉછાળો નોંધાવી 4 જૂને કડડભૂસ થયુ હતું. જેમાં રોકાણકારોએ 31 લાખ કરોડથી વધુ મૂડી ગુમાવી હતી. શેરબજારના કડાકામાં સૌથી વધુ નુકસાન રિટેલ રોકાણકારોને થયું છે. જેની તપાસ થવી જરૂરી છે. સંયુક્ત સંસદીય સમિતિ આ મામલે તપાસ કરી લોકો સમક્ષ તથ્ય રજૂ કરે તેવી માંગ કરી છે.
ઉલ્લેખનીય છે, એક્ઝિટ પોલમાં એનડીએ સરકારને 350થી 400 બેઠકો મળવાનો અનુમાન જાહેર થતાં સોમવારે બજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 2507 પોઈન્ટ ઉછળ્યો હતો. સાથે રોકાણકારોની મૂડી પણ રૂ. 13.73 લાખ કરોડ વધી હતી. જો કે, બીજા દિવસે 4 જૂને લોકસભા ચૂંટણી પરિણામોમાં એક્ઝિટ પોલ ખોટો ઠરતાં તેમજ એનડીએને 300 બેઠકો આવવાનું પણ મુશ્કેલ થતાં શેરબજારમાં ઈન્ટ્રા ડે 6300 પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોના 31 લાખ કરોડ ધોવાયા હતાં.
રાહુલ ગાંધીએ સરકારને આ સવાલો કર્યા :
1. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ વ્યક્તિગત ધોરણે શેરબજારમાં રોકાણ ધરાવતા 5 કરોડ પરિવારોને વધુ રોકાણ કરવાની સલાહ કેમ આપી ? શેરમાર્કેટમાં રોકાણ કરવાની સલાહ આપવાની સત્તા તેમની પાસે છે? શું કાયદા પ્રમાણે તેઓ આ સલાહ-સૂચન આપી શકે ?
2. શેરબજારમાં ધાંધલબાજીના આરોપો અને સેબીની તપાસ હેઠળના બે બિઝનેસ ગ્રૂપના બે મીડિયા સમૂહોને જ કેમ આ બંને ઈન્ટરવ્યૂ આપવામાં આવ્યા ?
3. ભાજપ અને નકલી એક્ઝિટ પોલ એજન્સીઓ તથા બોગસ વિદેશી રોકાણકારો વચ્ચે શું કનેક્શન છે જેમણે એક જ દિવસ અગાઉ રોકાણ કરીને બીજા દિવસે કરોડો અબજોની કમાણી કરી અને તેમાં પણ 5 કરોડ પરિવારોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો ?