ડોલર સામે રૂપિયાની નબળી હાલત પર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન ચર્ચામાં
Raghuram Rajan on Indian Rupee: છેલ્લા કેટલાક સમયથી ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડી રહ્યો છે. રૂપિયામાં થયેલા ઘટાડાથી લોકો ચિંતિત છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે આ ઘટાડાને લઈને વધુ પડતી ચિંતા કરવાની જરૂર નથી.
ડોલર ઘણી કરન્સી સામે મજબૂત થઈ રહ્યો છે
રઘુરામ રાજને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'હંમેશા રૂપિયા-ડોલર એક્સચેન્જ રેટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ડોલર ઘણી કરન્સી સામે મજબૂત થઈ રહ્યો છે. હવે એવામાં યુરોને જ જોઈ લો. ગયા વર્ષની શરૂઆતમાં એક ડોલર 91 સેન્ટ્સ ખરીદી શકતો હતો, હવે તે 98 સેન્ટ્સ ખરીદી શકે છે. ડોલર સામે યુરોમાં લગભગ 6-7%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય રૂપિયા સાથે પણ એવું જ થયું, તે 83 થી 86 થઈ ગયો.'
આ જ કારણે રઘુરામ રાજનને ચિંતા નથી
ડોલર સામે રૂપિયો નબળો પડતા આવનાર પરિણામ વિષે વાત કરતા રાજને જણાવ્યું કે, 'ડોલરમાં મજબૂતાઈ આંશિક રીતે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા સંભવિત નવા ટેરિફના કારણે છે, જેના પરિણામે યુએસ વેપાર ખાધમાં ઘટાડો થશે. અમેરિકા માટે વ્યાપાર ખાધ ઘટાડવાનો અર્થ ડોલરનું મજબૂતીકરણ છે. હાલના સમયે, ડોલર એસેટ્સની કેટલીક સંભવિત સલામત ખરીદી પણ જોવામાં આવી રહી છે. તેથી આ બધાને જોતાં હું બહુ ચિંતિત નથી.'
ડોલર સામે રૂપિયો નબળો પડતા નિકાસમાં ફાયદો
RBIના ભૂતપૂર્વ ગવર્નરે જણાવ્યું હતું કે રૂપિયો ખરેખર નોંધપાત્ર રીતે ઘટ્યો નથી અને કેટલાક વધારાના અવમૂલ્યન ભારતીય નિકાસ માટે ઉપયોગી થઈ શકે છે. મંગળવારે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 86.64 પર પહોંચી ગયો હતો અને હાલમાં તે 86.58 પર છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત બાદ ડોલર મજબૂત થઈ રહ્યો છે અને આ મજબૂતાઈ માત્ર રૂપિયાને જ નહિ પરંતુ ઘણી મોટી કરન્સીને પણ કમજોર કરી રહી છે.
આ પણ વાંચો: નબળા રૂપિયાને કારણે મોંઘવારી વધશે, આયાત માટે વધુ ચૂકવણી કરવી પડશે
સૌથી વધુ સ્થિર કરન્સીમાં રૂપિયો સામેલ
ઘટાડા છતાં, રૂપિયો વિશ્વની સૌથી સ્થિર કરન્સીમાંની એક છે. થોડા સમય પહેલા SBIના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ડોલર સામે રૂપિયો લગભગ 3% ઘટ્યો છે, પરંતુ તેની સ્થિતિ ઘણા દેશોની કરન્સી કરતા સારી છે. દરમિયાન, ભારતીય રિઝર્વ બેંક રૂપિયાના ઘટાડાને રોકવાના પ્રયાસો કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, રૂપિયાની સ્થિતિ સુધારવા માટે RBI સરકારી બેંકો દ્વારા ડોલરનું વેચાણ કરી રહી છે.