લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત
- સરકાર એકંદર ૧૩.૨૨ લાખ ટન તુવેર દાળ ખરીદશે
મુંબઈ : પ્રાઈસ સપોર્ટ સિસ્ટમ (પીએસએસ) હેઠળ સરકારે વર્તમાન મોસમમાં અત્યારસુધી ૩.૪૦ લાખ ટન તુવેર દાળની ખરીદી કરી છે. લઘુત્તમ ટેકાના ભાવ પ્રમાણે આ ખરીદી કરવામાં આવી રહી હોવાનું કૃષિ મંત્રાલય દ્વારા જણાવાયું હતું.
દેશના નવ રાજ્યોમાંથી એકંદર ૧૩.૨૨ લાખ ટન તુવેર દાળ ખરીદ કરવા સરકારે મંજુરી આપી છે. ભાવમાં ઉછાળાના કિસ્સામાં ખુલ્લા બજારમાં વેચાણ માટે સરકારે તુવેર દાળનો ૧૦ લાખ ટન બફર સ્ટોક જાળવવાનો નિર્ણય કર્યો છે.
૧૩ એપ્રિલ સુધીમાં ૩.૪૦ લાખ ટનની ખરીદી પૂરી થઈ હોવાનું કૃષિ મંત્રાલયના ડેટા જણાવે છે. ૧.૩૦ લાખ ટન સાથે સૌથી વધુ ખરીદી કર્ણાટકમાંથી થઈ છે. વર્તમાન મોસમ માટે કેન્દ્ર સરકારે તુવેર દાળનો લઘુત્તમ ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૭૫૫૦ નિશ્ચિત કર્યો છે.
કર્ણાટક ઉપરાંત, આન્ધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા તથા ઉત્તર પ્રદેશમાંથી દાળની ખરીદી થઈ રહી છે. તુવેર દાળ ઉપરાંત સરકારે ૧૭૦૦૦ ટન ચણાની પણ ખરીદી પૂરી કરી છે.
આ ખરીદી મુખ્યત્વે તેલંગણા તથા મધ્ય પ્રદેશ ખાતેથી કરવામાં આવી છે. ચણાના ખુલ્લા બજારમાં ભાવ ટેકાના ભાવ કરતા ઊંચા બોલાતા હોવાથી સરકાર દ્વારા તેની ખરીદી ધીમી ગતિએ થઈ રહી છે.
ચણા માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૬૫૦ ટેકાનો ભાવ નિશ્ચિત કરાયો છે અને ૨૭ હજાર ટનની ખરીદીનો ટાર્ગેટ નિશ્ચિત કરાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સરકારી એજન્સીઓ મારફત મસુર તથા લીલા ચણાની પણ ખરીદી કરવામાં આવી રહી છે.દરમિયાન ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં ૮૩.૫૮ લાખ ટન સાથે વાર્ષિક ધોરણે ૯૨ ટકા વધારો થયો છે.