મિનિમમ બેલેન્સ પેનલ્ટીના નામે સરકારી બેંકોએ જનતાનું ખિસ્સું કાપ્યું: પાંચ વર્ષમાં રૂ. 8500 કરોડની કમાણી કરી

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Bank Minimum Balance Penalty

Bank Minimum Balance Penalty: દેશના દરેક નાગરિક પાસે પોતાના ઓળખપત્રથી લઈને દરેક નાગરિક પાસે પોતાનું બેંક એકાઉન્ટ હોવાનો નિર્ધાર મોદી સરકારે કર્યો હતો. 2014થી સમગ્ર દેશ બેંકિંગ સિસ્ટમ સાથે જોડાય તે માટે મોદી સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જોકે બેંક ખાતાઓમાં અમુક નિશ્ચિત રકમ રાખવી પણ ફરજિયાત કરવામાં આવી છે. બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ સરકારી ક્ષેત્રની બેંકોએ ગ્રાહકો પાસેથી મસમોટો દંડ વસૂલ્યો છે. 

જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં મિનિમમ બેલેન્સ પેનલ્ટી પેટે રૂ. 8500 કરોડની કમાણી કરી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ નાણાંકીય વર્ષ 2020થી જ મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલવાનું બંધ કરી દીધું છે તેમ છતા AMB પેનલ્ટી પેટે જનતાના ખિસ્સા પર રૂ. 8500 કરોડની કાતરનો આંકડો ખરેખર મોટો છે. 

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં 38 ટકાનો વધારો થયો છે. PSBએ વર્ષ 2020થી 2024 દરમિયાન ન્યૂનતમ બેલેન્સ પેનલ્ટી તરીકે રૂ. 8500 કરોડ વસૂલ્યા છે. 

માહિતી અનુસાર 11 સરકારી બેંકોમાંથી છ બેંકોએ લઘુત્તમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ જાળવી ન રાખવા બદલ વસૂલાત કરી હતી, જ્યારે ચાર બેંકોમાં લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ ન જાળવવા પર ગ્રાહકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. બેંક ગ્રાહકો માટે આ મિનિમમ બેલેન્સ પેનલ્ટી શહેરો અને ગામડાઓમાં બદલાય છે. ઉદાહરણ તરીકે, પંજાબ નેશનલ બેંકના શહેરી ગ્રાહકો માટે બચત ખાતામાં લઘુત્તમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ રૂ. 2000 છે. અર્ધશહેરી વિસ્તારો માટે રૂ. 1000 અને ગામડાઓ માટે રૂ. 500 છે. જો મિનિમમ બેલેન્સ ન હોય તો શહેરોમાં રૂ. 250, અર્ધશહેરીમાં રૂ. 150 અને ગામડાઓમાં રૂ. 100 સુધીની પેનલ્ટી વસૂલાય છે.

મિનિમમ બેલેન્સ પેનલ્ટીના નામે સરકારી બેંકોએ જનતાનું ખિસ્સું કાપ્યું: પાંચ વર્ષમાં રૂ. 8500 કરોડની કમાણી કરી 2 - image

ચૌધરીએ કહ્યું કે, બેંકોએ ખાતા ખોલતી વખતે ગ્રાહકોને ન્યૂનતમ બેલેન્સ વિશે જાણ અવશ્ય કરવી જોઈએ. જો ગ્રાહક લઘુત્તમ બેલેન્સ જાળવી ન રાખે તો બેંકોએ ગ્રાહકને પેનલ્ટી વિશે પણ જાણ કરવી જોઈએ. 

કઈ બેંકે ગ્રાહકોને સૌથી વધુ ખંખેર્યા :

SBIએ 2019-20માં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. 640 કરોડની કમાણી કરી હતી પરંતુ પછીના વર્ષેથી બેંકે આ પ્રથા બંધ કરી દીધી. 2023-24માં પંજાબ નેશનલ બેંકે આ દંડથી રૂ. 633 કરોડની કમાણી કરી, બેન્ક ઓફ બરોડાએ રૂ. 387 કરોડ, ઇન્ડિયન બેન્કે રૂ. 369 કરોડ, કેનેરા બેન્કે રૂ. 284 કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 194 કરોડની કમાણી કરી હતી.

વધુ વાંચો : ITR Deadline: જો 31 જુલાઈ સુધી રિટર્ન ન ભરી શકો તો તમારી પાસે છે આ વિકલ્પ, બેથી ત્રણ મહિનાનો મળશે સમય


Google NewsGoogle News