કેન્દ્ર સરકારની 5 બેન્કોમાં હિસ્સો વેચવાની તૈયારી, શેરમાં બોલાયો મોટો કડાકો
PSU Bank Stock: કેન્દ્ર સરકારે પાંચ સરકારી બેન્કોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત હિસ્સો વેચી દેવાની જાહેરાતથી શેર્સ તૂટ્યા હતા. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર સહિત પાંચ બેન્કોના શેર આજે 9 ટકા સુધી તૂટ્યા હતા. કેન્દ્ર સરકારે આ પાંચ બેન્કોમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ મારફત રૂ. 10000 કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફંડ એકત્ર કરવાની કવાયત ચોથા ત્રિમાસિકથી શરૂ થશે.
સરકાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રના શેર્સ ક્યુઆઈપી મારફત વેચી રૂ. 10000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ને ઓફર ફોર સેલ મારફત આ લેન્ડર્સમાં હિસ્સો વેચવાનો ઓર્ડર મળ્યો છે. સરકાર ઓગસ્ટ, 2026 સુધી આ પીએસયુ બેન્કમાં 25 ટકા હોલ્ડિંગ નિશ્ચિત કરવાના માપદંડ પૂર્ણ કરવાની કવાયતના ભાગરૂપે હિસ્સો વેચશે.
પાંચ બેન્કોના શેર્સ કડડભૂસ
કેન્દ્ર સરકાર દ્વારા ક્યુઆઈપી મારફત ડિસઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરાતાં પાંચ બેન્કોના શેર્સ આજે કડડભૂસ થયા હતા. સમાચાર લખાયા ત્યાં સુધીમાં પંજાબ એન્ડ સિંધ બેન્ક 5 ટકા, યુકો બેન્ક 7.30 ટકા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા 8.45 ટકા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક 8.11 ટકા, બેન્ક ઓફ મહારાષ્ટ્રા 3.47 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે યોજાશે બેઠક
નાણા મંત્રાલય જન સુરક્ષા અને મુદ્રા યોજના સહિત જુદી-જુદી નાણાકીય યોજનાઓની પ્રગત્તિની સમીક્ષા કરવા આજે સરકારી બેન્કોના હેડ સાથે બેઠક કરશે. આ બેઠકનું નેતૃત્વ નાણા સચિવ એમ નાગરાજૂ કરશે. જેમાં ખાનગી સેક્ટરની બેન્કોના પ્રતિનિધિ પણ ભાગ લેશે. સચિવના નેતૃત્વ હેઠળ આયોજિત બેઠકમાં પીએમ સ્વનિધિ યોજનાઓ સહિત વિવિધ ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન સ્કીમ પર ચર્ચા કરશે.