રિટેલ રોકાણકારોની સમજ બહાર કંઈક રંધાઈ રહ્યું છે, એક લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા
રિટેલ રોકાણકારોની સમજ બહાર બજારમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે
Image: FreePik |
Promotors Sell Holdings Of 1 Lakh crore Rupees: ભારતીય શેરમાર્કેટની એકતરફી તેજીને કારણે મોટા રોકાણકારો, દિગ્ગજ સંસ્થાઓ, રેટિંગ એજન્સીઓ સહિતના એક્સપર્ટ ઓપિનિયન આપતા માંધાતાઓ સાવચેતીભર્યું વલણ અપનાવવા અને વધારે ઘેલમાં આવીને બજારમાં ન કૂદી પડવા સલાહ આપતા નજરે પડી રહ્યા છે. બજારમાં વેલ્યુશન ખૂબ ઊંચા છે અને આ ભાવ અનેક કંપનીઓના શેરમાં સંભવિત ફરી ક્યારેય નહિ જોવા મળે, જેવી સલાહો છતાં રિટેલ રોકાણકારો બજારમાં પ્રત્યક્ષ મસમોટું રોકાણ કરવા દરેક ઘટાડે ઉતરી પડે છે.
પ્રમોટર્સ દ્વારા મોટાપાયે વેચાણ
બજારમાં કોઈ એક કંપનીમાં ખાનાખરાબી હોય કે સાર્વત્રિક વેચવાલી; દરેક ઘટાડાને પચાવી પાડીને શાર્પ રિકવરી છેલ્લા બે-ચાર વર્ષમાં જોવા મળી રહી છે પરંતુ આંકડાઓ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કંપનીઓના સ્થાપકો જેને પ્રમોટરો પણ કહેવાય છે કે તેઓ પોતાની કંપનીમાંથી જ મોટાપાયે રોકડી કરી રહ્યા છે. માત્ર આઇપીઓ જ નહિ પરંતુ સેકન્ડરી બજારમાંથી પણ પ્રમોટરોએ હજારો કરોડો રૂપિયા એનકેશ કર્યાના રિપોર્ટ છે છતાં રિટેલ રોકાણકારોને ગમે તે ભાવે શેર ખરીદીને ઊંચા આસમાનના જ સફર કરવી છે.
OFS અને બ્લોક ડીલથી હિસ્સો વેચ્યો
અહેવાલ અનુસાર પ્રમોટર્સે આ વર્ષે અત્યાર સુધીમાં આશરે રૂ. 1 લાખ કરોડના શેરનું વેચાણ કર્યું છે. પ્રાઇમ ડેટાબેઝના આંકડા અનુસાર ૨૫૦થી વધુ કંપનીઓના પ્રમોટર્સે આ વર્ષે અત્યાર સુધીમાં બલ્ક અને બ્લોક ડીલ દ્વારા આશરે રૂ. 97,000 કરોડનો હિસ્સો વેચ્યો છે. આ સમયગાળા દરમિયાન, લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોએ પણ ઓફર ફોર સેલ(ઓએફએસ) થકી રૂ. 7300 કરોડ આસપાસનો હિસ્સો વેચ્યો છે. આ સિવાય વેદાંતાનો હિન્દુસ્તાન ઝિંકમાં 1.51 ટકા ઇક્વિટી વેચવા માટે લગભગ રૂ. 3100 કરોડનો ઓએફએસ ચાલુ જ છે.
વોરન બફે પાસે 277 અબજ ડોલરની રોકડ
પ્રમોટરો દ્વારા ભારે ભરખમ સેલિંગ કંપનીના સ્થાપકો કે સૌથી મોટા રોકાણકારોમાં કંપનીના વેલ્યુએશન પ્રત્યે ઓછી થયેલ વિશ્વસનીયતા અથવા જે-તે કંપની કરતા અન્યત્ર કરેલ રોકાણ વધુ સારું રિટર્ન આપવાની અપેક્ષાનું પ્રતિબિંબ છે. માત્ર ભારતીય ટોચની કંપનીઓના પ્રમોટરો જ નહિ પરંતુ વિશ્વના અગ્રણી રોકાણકાર વોરેન બફે પણ 277 અબજ ડૉલરની અત્યાર સુધીની સર્વાધિક રોકડ હાથ પર લઈને બેઠા છે. વર્ષના બીજા ક્વાર્ટરમાં બર્કશાયર હેથવેની રોકડ, રોકડ સમકક્ષ અને ટૂંકા ગાળાની સિક્યોરિટીમાં 88 અબજ ડૉલરનો વધારો થતાં તે 277 અબજ ડૉલરના સર્વકાલીન સ્તરે પહોંચી ગઈ છે. બજાર નિષ્ણાંતોનો એક મત એ છે કે પ્રમોટરો અને મોટા સંસ્થાગત રોકાણકારોનું વેચાણ તથા અન્ય દિગ્ગજ રોકાણકારોની ચાલ સંકેત આપે છે કે શેરબજારો વિક્રમી ટોચે પહોંચી ગયા છે અને તેજી કરતા મંદીનું જોર વધુ છે.
આ પણ વાંચોઃ દેશમાં અનેક લોકોની 50% આવક ખાણીપીણી પાછળ ખર્ચાઈ જાય છે, જેને અવગણી ના શકાય: RBI ગવર્નર
વોડાફોન-આઇટીસી, ઇન્ડિગોના પ્રમોટર્સ દ્વારા સેલિંગ
આ વર્ષે ભારતીય બજારમાં પ્રમોટર દ્વારા સૌથી મોટો સ્ટેક સેલ બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોન દ્વારા ઇન્ડસ ટાવર્સમાં રૂ. 15300 કરોડનો છે. આ સિવાય કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલ સહિત દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના પ્રમોટર્સે રૂ. 10150 કરોડના શેર વેચ્યા છે. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે રૂ. 9300 કરોડના ટીસીએસના શેર વેચ્યા છે. આ સિવાય એમ્ફેસિસ, વેદાંતા, ભારતી એરટેલ, વર્લ્ફૂલ ઑફ ઇન્ડિયા, સમવર્ધન મધરસન, હિંદુસ્તાન ઝિંક, સિપ્લા, એનએચપીસી અને ટીમકેન ઇન્ડિયામાં પણ મોટા હિસ્સાનું વેચાણ જોવા મળ્યું છે. જો આઇપીઓ રૂટ દ્વારા ઓએફએસને પણ તેમાં સામેલ કરવામાં આવે તો આ યાદી લાંબી થઈ જશે.
બ્રિટિશ અમેરિકન ટોબેકોએ માર્ચમાં આઇટીસીમાં 3.5 ટકા હિસ્સો રૂ. 17400 કરોડમાં વેચ્યો હતો. આઇટીસીમાં કોઈ પ્રમોટર નથી. તેવી જ રીતે સોફ્ટબૅન્કે પણ પેટીએમ સાથેનો કારોબારી સંબંધ પૂર્ણ કર્યો હતો અને પ્રમોટર્સ અને સ્થાપકોએ તમામ હિસ્સો વેચી દીધો છે. બજારમાં તેજીનો લાભ લઈને પીઈ, વીસી ફંડો તેમનો હિસ્સો સંપૂર્ણ અથવા આંશિક રીતે વેચીને લિસ્ટેડ કંપનીઓમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો છે.
સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદી વધી
સ્થાનિક સંસ્થાઓએ આ વર્ષે કુલ રૂ. 3.9 લાખ કરોડની ઇક્વિટી ખરીદી છે. સંસ્થાકીય રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રિટેલ રોકાણકારો તરફથી મજબૂત નાણાપ્રવાહે સામેપક્ષે સાનુકૂળ માહોલ જાળવી રાખ્યો છે. રિટેલ રોકાણકારો બજારમાં પ્રત્યક્ષ અને મ્યુચ્યુઅલ ફંડ થકી પરોક્ષ રીતે બજારમાં અવિરત નાણાંપ્રવાહ ઠાલવી રહ્યા છે. આમ મોટા દિગ્ગજની એક્ઝિટ કંઈક તો સૂચવે છે જે નાના રોકાણકારોની સમજ બહાર છે. એકમત એ પણ છે કે બજારમાં લિક્વિડિટીમાં થયેલા વધારાનો લાભ લઈને પ્રમોટરોએ હિસ્સો વેચી દીધો છે અને તકવાદી બન્યા છે. સામે પક્ષે અન્ય નાના-મોટા રોકાણકારોને હિસ્સો આપીને કંપનીમાં સ્વાગત કર્યું છે અને વેલ્યુ અનલોકિંગની તક આપી છે.