દિલ્હી, પંજાબ તથા હરિયાણાના અંદાજે 34 લાખ MSMEના ઉત્પાદન પર અસર
- ઉત્પાદન તથા પૂરવઠા સાંકળ ખોરવાઈ ગયાનો ઉદ્યોગોનો દાવો
- ઉત્તર ભારતમાં હવાના પ્રદૂષણથી કર્મચારીઓની કાર્યશક્તિ ઘટી
મુંબઈ : ઉત્તર ભારતમાં હવાના ભારે પ્રદૂષણને પરિણામે ફેકટરીઓમાં કામકાજ પર અસર પડી છે અને પૂરવઠા સાંકળ તથા કર્મચારીઓની કાર્યશક્તિ ઘટી ગઈ છે. હવાના પ્રદૂષણને કારણે પંજાબ, દિલ્હી તથા હરિયાણા વિસ્તારના અંદાજે ૩૪ લાખ માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ના ઉત્પાદન પર અસર પડી હોવાનું ઉદ્યોગ સંસ્થા પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (પીએચડીસીસીઆઈ)એ જણાવ્યું હતું.
કામકાજ પર પડેલી અસરને ધ્યાનમાં રાખી કંપનીઓએ સ્થિતિને હળવી કરવાના પગલાં લેવાની ફરજ પડી છે. આ ત્રણ રાજ્યોમાં એમએસએમઈ સાથે અંદાજે ૭૦ લાખ કર્મચારીઓ સંકળાયેલા છે.
દિલ્હી સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંને પરિણામે પરિવહન સેવા ખોરવાઈ ગઈ છેએટલું જ નહીં બાંધકામ પ્રવૃત્તિ પણ અટકી પડી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર ખલેલ પડતા ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે અને પૂરવઠા સાંકળ ખોરવાઈ ગઈ છે, પીએચડીસીસીઆઈના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
પ્રદૂષિત હવાને કારણે કર્મચારીઓના આરોગ્ય પર પણ અસર પડી રહી છે, તેને કારણે પણ માલસામાનના ઉત્પાદન પર અસર જોવા મળી રહી છે.
પ્રતિકૂળ અસરને હળવી કરવા વિવિધ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતનો ઉત્તર વિસ્તાર ખાસ કરીને દિલ્હી-એનસીઆર છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવાની સમશ્યાનો સામનો કરી રહ્યો છે.
સમશ્યાને હળવી કરવા કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી સરકાર સાથે મળી પગલાં લઈ રહી છે એમ કન્ફેડરેશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં એમએસએમઈનું મહત્વનું યોગદાન રહે છે.