Get The App

પ્રાઈવેટ સેક્ટરમાં જોરદાર નફો છતાં કર્મચારીઓનો પગાર કેમ નથી વધતો? સરકાર પણ ચિંતિત

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
Salary Hike


Private Employees Salary Hike: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના તાજેતરમાં જાહેર થયેલા જીડીપીના આંકડાઓએ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. આ ત્રિમાસિકમાં જીડીપી માત્ર 5.4 ટકા હતો. આ મામલે નીતિ ઘડવૈયાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા ચાર વર્ષમાં કંપનીઓના નફામાં ચાર ગણો વધારો થયો હોવા છતાં કર્મચારીઓના પગારમાં નોંધનીય વધારો થયો નથી.

ખાનગી કર્મચારીઓના પગારને લઈને કોર્પોરેટ બોર્ડરૂમ અને મુખ્ય આર્થિક મંત્રાલયો વચ્ચે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા એટલા માટે છે કારણ કે FICCI અને Quess Corp Limited દ્વારા સરકાર માટે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ખાનગી કંપનીઓના નફા અને કર્મચારીઓના પગાર અંગે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

ખાનગી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?

FICCI અને Quess Corpના અહેવાલમાં જાણવા મળ્યું છે કે 2019 અને 2023 દરમિયાન છ ક્ષેત્રો એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (EMPI) કંપનીઓ માટે ચક્રવૃદ્ધિ પગાર વૃદ્ધિ દર 0.8 ટકા હતો, જ્યારે FMCG કંપનીઓમાં પગાર વૃદ્ધિ દર માત્ર 5.4 ટકા હતો.

મોંઘવારી સામે પગાર નજીવો

પગારદારોની સ્થિતિ સતત કથળી રહી છે. ખાસ કરીને ખાનગી કંપનીઓમાં કામ કરતાં પગારદારોને મોંઘવારીના બોજા સામે પૂરતુ આર્થિક રક્ષણ મળી રહ્યું નથી. સરકારી કર્મચારીઓને મોંઘવારીના આધારે ભથ્થામાં વધારાનો લાભ મળે છે, જ્યારે કોર્પોરેટ કંપનીઓ મબલક નફો કરતી હોવા છતાં ખર્ચ અને આર્થિક સ્થિતિનું બહાનું બનાવી કર્મચારીઓના પગારમાં કોઈ ખાસ વૃદ્ધિ કરતી નથી.

આ પણ વાંચોઃ VIDEO |  વિમાન રન-વેની જગ્યાએ રસ્તા પર ઊતરી ગયું, બે ટુકડાં થઈ ગયા, ચારને ઈજા

ઉદ્યોગ જગત પર ફોકસ કરી સુધારાની જરૂર

મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કોર્પોરેટ કોન્ફરન્સમાં તેમના બે સંબોધનમાં FICCI-QUES રિપોર્ટનો ઉલ્લેખ કર્યો અને સૂચવ્યું કે સરકારે ભારતીય ઉદ્યોગ જગત તરફ ફોકસ કરવાની જરૂર છે, તેમાં થઈ રહેલા શોષણને પણ ધ્યાનમાં લેતાં મોટા ફેરફારો કરવાની જરૂર છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં ઓછા વપરાશનું એક કારણ નબળું આવક સ્તર છે. કોવિડ પછીની માંગ સાથે વપરાશમાં વધારો થયો છે, પરંતુ ધીમી પગાર વૃદ્ધિના કારણે આર્થિક ગતિવિધિઓ પર અસર થઈ રહી છે.

મોંઘવારી 5 ટકા અને પગાર 2થી 3 ટકા વધ્યો

2019-23 દરમિયાન BFI એટલે કે બેન્કિંગ, નાણાકીય સેવાઓ, વીમા ક્ષેત્રોમાં કામ કરતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં 2.8 ટકાનો વધારો થયો છે. આ સિવાય રિટેલમાં 3.7 ટકા; આઇટીમાં 4 ટકા; અને લોજિસ્ટિક્સમાં 4.2 ટકાનો વધારો થયો છે, જે 5-વર્ષના ફુગાવાના ડેટાના સંદર્ભમાં નકારાત્મક સંકેત છે.

ખાનગી ક્ષેત્રની કંપનીઓનો ચાર ગણો નફો

કોરોના મહામારી બાદ માંગ અને વપરાશમાં આકર્ષક ઉછાળાના પગલે ખાનગી ક્ષેત્રની કંપનીઓની નફાકારકતામાં પણ વધારો થયો છે. ભારતીય કોર્પોરેટ ક્ષેત્રના નફો છેલ્લા ચાર વર્ષમાં ચાર ગણો વધ્યો છે. જો કે, તેનો લાભ છેક નિમ્ન સ્તર સુધી પહોંચ્યો નથી. આર્થિક સલાહકારોએ આ મુદ્દે અસામાનતામાં વૃદ્ધિ થઈ રહી હોવાની ભીતિ વ્યક્ત કરી છે. 

પ્રાઈવેટ સેક્ટરમાં જોરદાર નફો છતાં કર્મચારીઓનો પગાર કેમ નથી વધતો? સરકાર પણ ચિંતિત 2 - image


Google NewsGoogle News