ખાનગી સેક્ટરનો ગ્રોથ મંદ પડ્યો, જાન્યુઆરીમાં PMI ઘટી 14 માસના તળિયે નોંધાયો
HSBC Composite PMI: નવા કેલેન્ડર વર્ષ 2025માં દેશના ખાનગી સેક્ટરની શરુઆત મંદ રહી છે. ખાનગી સેક્ટર માટેનો FLASH કમ્પોઝિટ PMI જાન્યુઆરીમાં 57.9 રહેવા સાથે 14 માસના તળિયે પહોંચ્યો છે. જે ડિસેમ્બરમાં ચાર માસની ટોચે 59.2 હતો. એચએસબીસી ઇન્ડિયા કોમ્પોઝિટ પીએમઆઇ ફ્લેશ રીડિંગ અનુસાર, જાન્યુઆરીમાં ભારતીય ખાનગી સેક્ટરની કામગીરી નવેમ્બર, 2023 બાદ 14 માસના તળિયે પહોંચી છે.
મેન્યુફેક્ચરિંગ ગ્રોથ છ માસની ટોચે
જાન્યુઆરી માસ દરમિયાન એકંદરે ખાનગી સેક્ટરની ગતિવિધિઓ નબળી રહી છે. જો કે, મેન્યુફેક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં છ માસની ટોચે 58 પહોંચ્યો છે. જે ગતમહિને 56.4 હતો. મેન્યુફેક્ચરીંગ સેક્ટરે નવા વર્ષ 2025ની મજબૂત શરુઆત કરી છે. નવા નિકાસ ઓર્ડરના કારણે ઉત્પાદનો વધ્યા છે. જે ફુગાવામાં ઘટાડો કરે તેવી સંભાવનાઓ અર્થશાસ્ત્રીએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓએ ધડાધડ પાર્ટ ટાઈમ કામ છોડી રહ્યા છે! જાણો શું છે ડર
સર્વિસ સેક્ટરનો ગ્રોથ નબળો પડ્યો
વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓના કારણે સર્વિસ સેક્ટરનો ગ્રોથ નબળો પડ્યો છે. સ્થાનિક સ્તરે નવા ઑર્ડરમાં સુસ્તી નોંધાતા સર્વિસ સેક્ટરની ગતિવિધિઓ શુષ્ક રહી હતી. બીજી તરફ આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.4 ટકાના દરે વધવાનો અંદાજ આપ્યો છે. આ દરે જીડીપી ગ્રોથ જાળવી રાખવા માટે બીજા છ માસમાં 6.8 ટકાના દરે ગ્રોથ નોંધાવો જરૂરી હોવાનું અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે. પ્રથમ છ માસમાં જીડીપી ગ્રોથ 6 ટકાના દરે વધ્યો હતો. પરંતુ ખાનગી સેક્ટરની કંપનીઓની મંદ શરુઆત જીડીપી ગ્રોથને નબળો પાડે તેવી ભીતિ સર્જાઈ છે.