નબળી માગ તથા માલભરાવાને કારણે દેશની કોટન યાર્ન મિલ્સ પર દબાણ
- ઉત્પાદન ઘટાડી નાખવા અથવા તો તે સંપૂર્ણ અટકાવી દેવાની મિલો દ્વારા તૈયારી
મુંબઈ : રૂના ભાવમાં વધારો, એપરલ ઉદ્યોગ દ્વારા ઉત્પાદનમાં કાપને કારણે યાર્નની નબળી માગ તથા માલભરાવાને કારણે કોટન યાર્ન મિલ્સ પર દબાણ આવી ગયું છે જેને કારણે દેશભરની મિલો યા તો ઉત્પાદન ઘટાડી નાખવા અથવા તો તે સંપૂર્ણ અટકાવી દેવાની તૈયારીમાં છે.ગયા વર્ષની સરખામણીએ રૂના ભાવમાં ૬૦ ટકા વધારો થયો છે અને રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે એપરલની નિકાસ ઘટી ગઈ છે જેને પગલે દેશના એપરલ ઉદ્યોગને ફટકો પડયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તામિલનાડૂ સ્પિનિંગ મિલ્સ એસોસિએશને તેના સભ્યોને નવું ઉત્પાદન અટકાવી દઈ સ્ટોકસ ખાલી કરવા અનુરોધ કર્યો છે. તામિલનાડૂ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, આન્ધ્ર પ્રદેશ તથા ગુજરાતની મિલો પણ યાર્નનું ઉપ્તાદન ઘટાડવા વિચારી રહી હોવાનું આ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.
એક તરફ યાર્નની નીચી માગ અને બીજી બાજુ રૂના ઊંચા ભાવને કારણે મિલોએ સહન કરવાનું આવી રહ્યું છે. કપાસની અછતને કારણે સ્પિનિંગ મિલો તેમની ક્ષમતાના પચાસ ટકાએ કામ કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ગયા વર્ષની સરખામણીએે રૂની ઉપલબ્ધતા હાલમાં ૨૮થી ૩૦ ટકા જેટલી નીચી છે. રૂના ભાવમાં વધારાની સામે યાર્નના ભાવમાં છેલ્લા બે-અઢી મહિનામાં ૧૫ ટકા જેટલો ઘટાડો થયો છે. મે ૨૦૨૨માં ભાવ પ્રતિ કિલો વધીને રૂપિયા ૪૫૦ની ટોચે જોવા મળ્યા હતા.
સ્પિનિંગ કોટન યાર્નના ઉત્પાદનમાં ચીન બાદ વિશ્વમાં ભારતનો ક્રમ આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે રૂના જોવા મળેલા ઊંચા ભાવને પરિણામે વર્તમાન વર્ષમાં કપાસની વાવણીમાં ખેડૂતોનું આકર્ષણ વધ્યું હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.ગયા સપ્તાહના અંત સુધીમાં કપાસના વાવેતરમાં ૬ ટકા જેટલો વધારો રહ્યો હતો.