વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં નરમાઈ: ક્રુડ તેલમાં ઘટાડા તરફી વલણ
- ડોલર ઈન્ડેકસ ઊંચકાતા બંધ બજારે રૂપિયો વધુ નબળો પડયો
મુંબઈ : શનિવાર નિમિત્તે મુંબઈ સોનાચાંદી બજાર સત્તાવાર બંધ રહ્યું હતું પરંતુ સપ્તાહ અંતે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ઊંચે જતા વૈશ્વિક સોનાચાંદીમાં ઘટાડો જોવાયો હતો. વિશ્વ બજાર પાછળ સ્થાનિક મુંબઈ બજારમાં કિંમતી ધાતુમાં ખાનગીમાં પીછેહઠ જોવા મળી હતી. અમદાવાદમાં ચાંદી ઘટી હતી જ્યારે સોનામાં સ્થિરતા રહી હતી.
ડોલર ઈન્ડેકસ ઊંચે જતા અહીં ખાનગીમાં ડોલર સામે રૂપિયો વધુ નબળો પડયો હતો.સ્થાનિક મુંબઈ ઝવેરી બજાર શનિવાર નિમિત્તે સત્તાવાર બંધ રહ્યું હતું પરંતુ વિશ્વ બજારમાં નરમાઈને પરિણામે મુંબઈમાં ખાનગીમાં સોનાના ૯૯.૯૦ દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૭૭૩૦૦ બોલાતા હતા જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૭૭૦૦૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી પણ ઘટી એક કિલોના જીએસટી વગરના રૂપિયા ૯૧૦૦૦ બોલાતા હતા.
અમદાવાદ સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૮૦,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૭૯૮૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૯૧૫૦૦ કવોટ કરાતા હતા. શુક્રવારની સરખામણીએ ભાવ નરમ બોલાતા હતા.
સપ્તાહ અંતે વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ૨૬૮૪ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૧.૩૦ ડોલર મુકાતી હતી.
ડોલર ઈન્ડેકસ ઊંચે જતા અહીં ખાનગીમાં રૂપિયો વધુ નબળો પડયો હતો અને ડોલરમા ંમજબૂતાઈ રહી હતી અને ૮૪.૪૩ રૂપિયા કવોટ કરાતો હતો. ડોલર ઈન્ડેકસ ૧૦૪.૫૧થી વધી ૧૦૪.૯૫ રહ્યો હતો.
નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલનો બેરલ દીઠ ભાવ ૭૦.૩૮ ડોલર મુકાતો હતો. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૩.૮૭ડોલર બોલાતુ હતું. ચીનમાં માગ ઘટી રહ્યાના અહેવાલો તથા અમેરિકામાં ક્રુડ તેલનો પૂરવઠો વધતા ભાવ પર દબાણ આવ્યું છે.