આ સરકારી સ્કીમ હેઠળ ઓછા વ્યાજે બિઝનેસ કરવા હવે મળશે રૂ. 20 લાખની લોન, આ રીતે કરો અરજી
Image: I FreePik |
PM Mudra Yojana Online Application: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. જેમાં પીએમ મુદ્રા લોન યોજના અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ગેરેંટી વિના જ મળતી લોનની મર્યાદા રૂ. 10 લાખથી વધારી રૂ. 20 લાખ કરવામાં આવી છે. આવો જાણીએ કેવી રીતે અરજી કરી આ યોજનાનો લાભ મેળવી શકાશે...
પ્રધાનમંત્રી મુદ્રા યોજના મારફત શરૂ કરો બિઝનેસ
સરકારે 2015માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) શરૂ કરી હતી. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ નાણાકીય પડકારોને કારણે પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી. આ યોજના હેઠળ લોકોને લોન આપી સરકાર દેશમાં રોજગારની તકોને પ્રોત્સાહન આપવા માંગે છે. ભારતમાં દરેક વ્યક્તિ આ લોનનો લાભ લઈ શકે છે, પરંતુ તેના માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
રૂ. 20 લાખની લોન મળશે
પીએમ મુદ્રા યોજના હેઠળ લોનની ત્રણ કેટેગરી છે, શિશુ, કિશોર અને તરુણ. શિશુ લોન હેઠળ રૂ. 50 હજાર સુધીની લોન આપવામાં આવે છે. કિશોર લોન હેઠળ રૂ. 50 હજારથી રૂ. 5 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી અને તરુણ લોન હેઠળ રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી, જે હવે વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મહિલાઓના ફાયદાની સ્કીમ, બેન્ક-પોસ્ટ ઓફિસમાં ફટાફટ ખોલાવો આ ખાતું, મળશે 7.5% વ્યાજ
લાયકાત
અરજદારની વય 18 વર્ષથી વધુ હોવી જોઈએ. કોઈપણ બેન્ક કે નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટ ન કર્યું હોય તેમજ ક્રેડિટ ટ્રેક રેકોર્ડ સારો હોવો જોઈએ. સૂચિત પ્રવૃત્તિ હાથ ધરવા માટે અરજદાર પાસે જરૂરી કૌશલ્ય/અનુભવ/જ્ઞાન હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાત સૂચિત પ્રવૃત્તિના આધારે અને તેની જરૂરિયાત પર આધારિત હોવી જોઈએ. આ લોનનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે જ થવો જોઈએ.
આ રીતે ઓનલાઈન અરજી કરો
પીએમ મુદ્રા લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે, નીચે આપેલા પગલાં અનુસરો.
1. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઈટ www.mudra.org.in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર તમને શિશુ, તરુણ અને કિશોરના ત્રણ વિકલ્પો મળશે. તમારી જરૂરિયાત મુજબ કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
3. બાદમાં સંબંધિત એપ્લિકેશન લોનની લિંક પર ક્લિક કરો.
4. અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને તેનું પ્રિન્ટઆઉટ લો.
5. ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતી સાવચેતીપૂર્વક ભરો.
6. અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોની નકલો જોડો.
7. સંપૂર્ણ ફોર્મ ભર્યા પછી, આ એપ્લિકેશન ફોર્મ તમારી બેન્કમાં સબમિટ કરો.
8. બેન્ક મંજૂરી આપે તો તમને મુદ્રા લોનનો લાભ આપવામાં આવશે.
પીએમ મુદ્રા લોનના વ્યાજ દરો
પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોન પરના વ્યાજ દરો દરેક બેન્કમાં અલગ-અલગ હોઈ શકે છે. વ્યાજ દર લોન લેનારના બિઝનેસ અને તેની સાથે સંકળાયેલા જોખમ પર પણ આધાર રાખે છે. સામાન્ય રીતે પીએમ મુદ્રા યોજનાના વ્યાજદર 8થી 12 ટકાની રેન્જમાં હોય છે. કેટેગરીના આધારે વ્યાજદરમાં ફેરફાર થાય છે.