પીપીએફ ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, પહેલી ઓક્ટોબરથી લાગુ થશે આ ત્રણ મોટા ફેરફાર
Public Provident Fund: ઉજ્જવળ ભવિષ્ય માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) સારૂ રોકાણ માધ્યમ છે. જેમાં રોકાણ કરી રિટાયરમેન્ટ માટે ફંડ ભેગુ કરી શકાય છે, જે નિવૃત્તિ સમયે આનંદદાયી અને આરામદાયક સમય પસાર કરવાનું સપનું પૂરું કરે છે. પીપીએફ એકાઉન્ટમાં હાલમાં જ અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન્સમાં સગીરોના નામ પર એકાઉન્ટ ખોલવા ઉપરાંત પીપીએફ એકાઉન્ટ અને નાની બચત યોજનાઓ હેઠળ પોસ્ટ ઓફિસના માધ્યમથી એનઆરઆઈ માટે પીપીએફ એકાઉન્ટમાં વિસ્તરણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ત્રણ નિયમોમાં ફેરફાર
નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સે પીપીએફ એકાઉન્ટ સંબંધિત 3 નિયમોમાં ફેરફાર કર્યા છે. આ સંદર્ભે 21 ઓગસ્ટ, 2024ના સર્ક્યુલર જાહેર કર્યો હતો. નવા નિયમ 1 ઓક્ટોબર, 2024ના રોજ લાગુ થવાના છે. જે અનુસાર, અનિયમિત નાની બચત યોજનાઓને નિયમિત કરવાની સત્તા નાણા મંત્રાલય પાસે છે. જેથી તેની સાથે જોડાયેલી તમામ બાબતો નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ હવે નાના એરક્રાફ્ટ અને ખાનગી ઓપરેટરો માટે નિયમો સરળ કરાયા, DGCA દ્વારા જાહેરાત
સગીરને આટલું વ્યાજ મળશે
આ સર્ક્યુલર મુજબ, આવા અનિયમિત ખાતાઓ માટે, સગીર 18 વર્ષનો થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ જેટલું વ્યાજ ચૂકવવામાં આવશે. ત્યારબાદ તેને સંપૂર્ણ વ્યાજ દર ચૂકવવામાં આવશે. આવા ખાતાની પાકતી મુદત જ્યારે સગીર 18 વર્ષનો થાય ત્યારથી ગણવામાં આવશે.
NRIને 30 સપ્ટેમ્બર પછી કોઈ વ્યાજ મળશે નહીં
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો એકથી વધુ પીપીએફ ખાતા હોય તો યોજનાના વ્યાજ દર પ્રમાણે પ્રાથમિક ખાતામાં પૈસા આવતા રહેશે. બીજા ખાતામાં જમા રકમ પ્રાથમિક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સિવાય અન્ય કોઈ ખાતા પર વ્યાજ મળશે નહીં. એનઆરઆઈને પણ પીપીએફ ખાતામાં 30 સપ્ટેમ્બર સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ જેટલું વ્યાજ આપવામાં આવશે. ત્યારબાદ તેમને કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.