બ્રિટનમાં 16 વર્ષની ટોચ પરથી વ્યાજના દરમાં ઘટાડો કરાતાં પાઉન્ડમાં કડાકો
- પાઉન્ડના પગલે યુરોપીયન કરન્સી યુરોના ભાવ પણ તૂટયા
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટ વચ્ચે ધીમા ઘટાડા પર રહ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ઝડપી તૂટયા હતા. બ્રિટનની સરકારે વ્યાજના દરમાં ૧૬ વર્ષની ઉંચી સપાટી પરથી પા ટકાનો ઘટાડો કર્યાના સમાચાર હતા.
આના પગલે વિશ્વ બજારમાં ડોલર સામે પાઉન્ડ ઉપરાંત યુરોના ભાવ પણ ઘટતાં મુંબઈ બજારમાં પણ તેની અસર દેખાઈ હતી. રૂપિયા સામે પાઉન્ડના ભાવ રૂ.૧૦૭.૪૫ વાળા આજે ગબડી નીચામાં ૧૦૬.૮૦ થઈ છેલ્લે રૂ.૧૦૬.૮૧ રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૦૭.૬૪ સુધી પહોંચ્યા પછી બ્રિટને વ્યાજ દર ઘટાડયાના નિર્દેશો આવતાં ત્યારબાદ પાઉન્ડના ભાવ ઉંચેથી ઝડપી ગબડયા હતા. દરમિયાન, વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ બ્રિટનમાં હવે પછી નવેમ્બરમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. બ્રિટને છેલ્લે ૨૦૨૦માં વ્યાજના દર ઘટાડયા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે આજે યુરોના ભાવ પણ તૂટયા હતા. યુરોના ભાવ રૂ.૯૦.૬૬ વાળા નીચામાં રૂ.૯૦.૨૩ થઈ છેલ્લે ભાવ રૂ.૯૦.૨૪થી ૯૦.૨૫ રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૭૩ વાળા આજે ઉંચામાં રૂ.૮૩.૭૫થી ૮૩.૭૬ તથા નીચામાં ભાવ રૂ.૮૩.૬૫ થઈ છેલ્લે ભાવ રૂ.૮૩.૭૨ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૩.૮૬ તથા ઉંચામાં ૧૦૪.૩૯ થઈ ૧૦૪.૩૮ રહ્યા હતા.
અમેરિકામાં વ્યાજના દરમાં સપ્ટેમ્બરમાં ઘટાડો થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. મુંબઈ બજારમાં જાપાનની કરન્સી આજે ૦.૧૨થી ૦.૧૩ ટકા ઘટી હતી જયારે ચીનની કરન્સી ૦.૨૪થી ૦.૨૫ ટકા નરમ રહી હતી. મુંબઈ શેરબજારમાં આગેકૂચ ચાલુ રહેતાં તેની અસર મુંબઈ કરન્સી બજારમાં રૂપિયાના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી.