Get The App

રૂપિયા સામે પાઉન્ડમાં તેજીના પગલે રૂ.110ને પાર : ડોલરમાં બેતરફી વધઘટ

- યુરો ઉંચકાયો: સરકારી બેન્કો ડોલર વેચી રહ્યાના નિર્દેશો

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
રૂપિયા સામે પાઉન્ડમાં તેજીના પગલે રૂ.110ને પાર  : ડોલરમાં બેતરફી વધઘટ 1 - image


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં બેતરફી વધઘટના અંતે ધીમી આગેકૂચ જોવા મળી હતી. ડોલરના ભાવ રૂ.૮૩.૯૪ વાળા સવારે રૂ.૮૩.૯૩ ખુલી ઉંચામાં ભાવ રૂ.૮૩.૯૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૯૫ રહ્યા હતા. શેરબજારમાં આગેકૂચના નિર્દેશોએ જોકે રૂપિયામાં પીછેહટ આજે મર્યાદિત રહી હતી.

 વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી ફરી વધી આવ્યાના સમાચારની અસર મુંબઈ કરન્સી બજારમાં રૂપિયાના ભાવ પર નેગેટીવ રહી હતી. દરમિયાન, વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૧૦૧.૦૪ વાળો વધી ૧૦૧.૩૦ થઈ ૧૦૧.૨૩ રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં ડોલર સામે મોટાભાગની એશિયન કરન્સીઓ આજે ઘટાડા પર રહી હતી.

મુંબઈ બજારમાં ડોલરમાં આયાતકારોની ખરીદી જોવા મળી હતી. જોકે ડોલરમાં વધ્યા મથાળે અમુક સરકારી બેન્કોની વેચવાલી પણ રહેતાં રૂપિયો વધુ નબળો પડતો અટકળો હતો. અમેરિકામાં જોબગ્રોથના રિવાઈઝ કરવામાં આવેલા આંકડા બહાર પાડયા છે અને આ આંકડા મુજબ ત્યાં જોબગ્રોથ અગાઉની સરખામણીએ ઓછો આવ્યાના સમાચાર હતા.

આના પગલે ત્યાં વ્યાજના દરમાં હવે પછી ઘટાડો થવાની શક્યતા વધુ બળવત્તર બની હતી. ત્યાં ફેડરલ રિઝર્વની છેલ્લી મળેલી મિટિંગની મિનીટસ બહાર પડી છે અને આ મિનીટસમાં પણ હવે પછી ત્યાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા વધી હોવાના નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, ડોલર- રૂપીના પ્રિમિયમો વધ્યાના વાવડ હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વના મધ્યનું નિવેદન શુક્રવારે આવવાનું છે તેના પર હવે ખેલાડીઓ નજર માંડીને બેઠા છે. મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધુ ઉછળી રૂ.૧૧૦ની સપાટી પાર કરી ગયા હતા. પાઉન્ડના ભાવ રૂ.૧૦૯.૩૪ વાળા વધી રૂ.૧૧૦.૨૨ થઈ રૂ.૧૧૦.૧૯ છેલ્લે રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ પણ વધ્યા હતા. યુરોના ભાવ રૂ.૯૩.૩૧વાળા ઉંચામાં રૂ.૯૩.૭૩ થઈ રૂ.૯૩.૫૨ રહ્યા હતા.

જાપાનની કરન્સી જોકે રૂપિયા સામે ૦.૩૩ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૫ ટકા નરમ રહી હતી, એવું કરન્સી બજારના સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં વિશ્વબજારમાં ડોલર સામે બ્રિટીશ પાઉન્ડ ઉછળી ૧૨ મહિનાની ટોચે પહોંચ્યો હતો. બ્રિટનમાં નવી સરકાર દ્વારા આર્થિક પ્રગતીને વેગ મળશે એવી આશાએ પાઉન્ડના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.

forex

Google NewsGoogle News