લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો રૂ. એક લાખ કરોડ ખર્ચશે
- ખર્ચને કારણે ઉપભોગ માગ વધવાથી આર્થિક વિકાસ દરમાં વધારો થવા અપેક્ષા
મુંબઈ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં રૂપિયા ૬૦,૦૦૦ કરોડના અંદાજિત ખર્ચ સામે વર્તમાન વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા રૂપિયા એક લાખ કરોડ જેટલો જંગી ખર્ચ થવાની શકયતા છે. ચૂંટણી ખર્ચને પરિણામે ઉપભોગમાં વધારો થશે અને વર્તમાન નાણાં વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં દેશના આર્થિક વિકાસ દરમાં ૦.૩ ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે, એમ વિશ્લેષકો માની રહ્યા છે.
વિવિધ રાજકીય પક્ષોના સૂચિત ઉમેદવારો પોતાના ચૂંટણી પ્રચાર અર્થે વર્તમાન ત્રિમાસિક ગાળા એટલે કે નાણાં વર્ષ ૨૦૨૪ના અંતિમ ત્રિમાસિકમાં પ્રચાર માટે પ્રવાસ પાછળ ખર્ચ કરશે એટલું જ નહીં પ્રચાર સામગ્રી ઉપરાંત અન્ય ચૂંટણી લક્ષી પ્રવૃત્તિઓ પાછળ જંગી માત્રામાં ખર્ચ થવાની અપેક્ષા હોવાનું એક આર્થિક વિશ્લેષકે જણાવ્યું હતું.
આ ખર્ચને કારણે લોકોના હાથમાં નાણાં પ્રવાહ વધશે જે ઉપભોગ ખર્ચમાં વધારો કરાવશે. આ અગાઉ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વેળા વિવિધ રાજકીય પક્ષો દ્વારા રૂપિયા ૬૦,૦૦૦ કરોડનો ખર્ચ કરાયાનો અંદાજ મુકાયો હતો. ફુગાવાને ધ્યાનમાં રાખતા ૨૦૨૪ની ચૂંટણીમાં આ આંક વધીને રૂપિયા એક લાખ કરોડ પહોંચવાની અપેક્ષા છે.
આમાંનો મોટાભાગનો ખર્ચ રોકડમાં થશે અને તેનો કોઈ હિસાબ નહીં હોય એમ અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ઉપભોગ ખર્ચમાં સૌથી વધુ વધારો ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળશે. ખાસ કરીને નીચી આવકવાળા પરિવારો દ્વારા ઉપભોગમાં વધારો થશે.
તાજેતરમાં જ યોજાઈ ગયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને કારણે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઉપભોગ ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો. માગમાં વધારાને કારણે અંતિમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૦.૩૦ ટકા સુધીનો વધારો જોવા મળવા અપેક્ષા છે.
વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા અને ચોથા ત્રિમાસિકમાં ૬ ટકા રહેવાની રિઝર્વ બેન્કે ધારણાં મૂકી છે.
ફુગાવાને કારણે ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી)ની માગ પર જે અસર જોવા મળી રહી છે, તે ચૂંટણીને કારણે ભરપાઈ થઈ શકશે. બુધવારે જાહેર થયેલા દેશના ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૦ની ઉપર રહેવા પામ્યો છે, જે ઉત્પાદકો માટે સાનુકૂળ સ્થિતિના સંકેત આપે છે.
ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે જંગી નાણાંકીય ખર્ચ કરતા હોય છે. સામાન્ય રીતે ઉમેદવારે પોતાના ખર્ચનો હિસાબ ચૂંટણી પંચને આપવાનો રહેતો હોવાથી ચોપડા પર ખર્ચ ખાસ જોવા મળતો નથી હોતો, એમ પણ વિશ્લેષકે ઉમેર્યું હતું.