સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, આ મહિને લાગુ થઈ શકે છે આઠમું પગાર પંચ, જાણો શું લાભ મળશે?
Image: Freepik |
8th Pay Commission: નવી કેન્દ્ર સરકારની રચના થયા બાદ હવે મોટાભાગના સરકારી કર્મચારીઓ પગાર પંચમાં ફેરફાર થવાની આશાઓ સેવી રહ્યા છે. મોદી સરકાર જુલાઈમાં બજેટ જારી કર્યા બાદ આઠમું પગાર પંચ લાગૂ કરી શકે તેવી શક્યતાઓ જોવા મળી છે. નવી સરકારે હાલમાં જ પીએમ કિસાન યોજના હેઠલ રૂ. 2000નો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. હવે સરકારી કર્મચારીઓની માંગ ઝડપથી પૂર્ણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સરકારી કર્મચારીઓને ઘણા સમયથી આશા હતી કે સરકાર 8માં પગાર પંચ પર વિચાર કરશે. જો કે, મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં સ્પષ્ટ કરી દીધું હતું કે કેન્દ્ર સરકાર 8મું પગાર પંચ લાવવાનું વિચારી રહી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારને ત્રીજી વખત સરકાર બનાવવાની તક મળી છે ત્યારે કર્મચારીઓ ફરી એકવાર સરકાર પાસે 8મું પગાર પંચ લાવવાની માંગણી પર વિચાર કરે તેવી માંગ કરી રહ્યા છે.
54 લાખથી વધુ સરકારી કર્મચારીઓને નારાજ કર્યા
ગત વર્ષે મોદી સરકારના નાણા સચિવ ટીવી સોમનાથને મહત્ત્વપૂર્ણ નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારની આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ માટે કોઈ આઠમું પગાર પંચ બનાવવાની કોઈ યોજના નથી. જો કે હવે ચૂંટણી થઈ ચૂકી છે. જેમાં મોદી સરકારને સંપૂર્ણ બહુમત ન મળવા પાછળનું એક કારણ 54 લાખથી વધુ સરકારી કર્મચારીઓની નારાજગી પણ છે. જો કે, એનડીએને ત્રીજી વખત સત્તા પર આવવાનો મોકો મળતાં હવે તે આ કર્મચારીઓને ખુશ કરી શકે છે.
સરકારી કર્મચારીઓના પગાર વધશે
કેન્દ્રીય કર્મચારીઓ બજેટમાં 8માં પગાર પંચ અંગેની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. જો સરકાર આની જાહેરાત કરશે તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. નીચલા સ્તરથી લઈને ટોચના સ્તર સુધીના સરકારી અધિકારીઓના પગારમાં વધારો થશે. કર્મચારીઓના પગાર, પગાર ધોરણ અને ભથ્થાં પગાર પંચના આધારે નક્કી કરવામાં આવે છે.
હાલ સાતમું પગાર પંચ લાગુ
હાલમાં દેશમાં સાતમું પગાર પંચ ચાલી રહ્યું છે અને તેના આધારે પગાર આપવામાં આવી રહ્યો છે. જો સરકાર 8મું પગાર પંચ લાવે તો સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. કર્મચારીઓ માટે દર દસ વર્ષ પછી નવુ પગાર પંચ લાગુ કરવામાં આવે છે. અત્યાર સુધી આ જ પેટર્ન 5માં, 6માં અને 7માં પગાર પંચના અમલ થયા છે. સાતમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓનો પગાર 14.29 ટકા વધ્યો હતો, જેમાં ઓછામાં ઓછો પગાર 18 હજાર કરાયો હતો.