સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, ટૂંક સમયમાં ખાતામાં હજારો રૂપિયા જમા થશે, જાણો કેમ
Government Employees Dearness Allowances: દેશના લાખો સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. સરકાર હવે લોકડાઉન દરમિયાન રિલિઝ ન કરવામાં આવેલું મોંઘવારી ભથ્થું (DA) રિલિઝ કરી શકે છે. કોરોના મહામારીના કારણે, સરકારે 2020થી 2021 દરમિયાન 18 મહિના માટે મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓના ખાતામાં જમા કર્યુ ન હતું. કર્મચારી સંગઠનોએ આ અંગે ઘણી વખત માંગણી કરી છે, પરંતુ આ વખતે આશા છે કે સરકાર તેના કર્મચારીઓને ભેટ આપી શકે છે. કારણ કે આ વખતે કર્મચારી સંગઠનોએ નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે પીએમ મોદી સમક્ષ ભલામણો રજૂ કરી છે.
આ વખતે, 18 મહિનાના બાકી DA માટે, કેન્દ્રીય કર્મચારીઓની સંયુક્ત સલાહકાર મશીનરી, રાષ્ટ્રીય પરિષદ (કર્મચારી પક્ષ)ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અપીલ કરી છે કે સરકારી કર્મચારીઓએ કોરોના મહામારી દરમિયાન તેમની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. હવે તેમનું બાકી મોંઘવારી ભથ્થુ સરકારે ચૂકવવુ જોઈએ.
કેટલું મોંઘવારી ભથ્થું બાકી છે?
સરકાર દરવર્ષે જાન્યુઆરી અને જુલાઈ બે વખત મોંઘવારી ભથ્થુ વધારે છે. 2020માં કોરોના મહામારીના કારણે આર્થિક પડકારો વચ્ચે ત્રણ વખત મોંઘવારી ભથ્થાની રકમ ફ્રીજ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ મોકલેલા પત્રમાં કર્મચારી સંગઠનોએ 14 માગ ઉઠાવી હતી. જેમાં 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થુ સામેલ છે.
નાણા મંત્રીએ પ્રસ્તાવ મોકલ્યો
જાન્યુઆરીમાં મજૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે નાણા મંત્રી નિર્મલા સિતારમણને પત્ર લખી જાન્યુઆરી, 2020થી જૂન, 2021 દરમિયાન ફ્રીજ કરવામાં આવેલ 18 મહિનાનું મોંઘવારી ભથ્થુ જારી કરવા આગ્રહ કર્યો હતો. ગયા વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં કહ્યું હતું કે રોગચાળા દરમિયાન કર્મચારીઓના DAને રોકવાનો નિર્ણય દેશ પરનો આર્થિક બોજ ઘટાડવા માટે લેવામાં આવ્યો હતો. દેશની રાજકોષીય ખાધ હજુ પણ ડબલ ડિજિટમાં છે. તેથી કર્મચારીઓ માટે અટકાવવામાં આવેલું મોંઘવારી ભથ્થુ રિલિઝ કરવું શક્ય નથી.