અમિત શાહ બાદ હવે વડાપ્રધાન મોદીએ પણ શેરબજાર વિશે કરી આગાહી, 4 જૂન પછી...
PM Modi: થોડા દિવસ પહેલાં અમિત શાહે શેરબજારમાં રોકાણ કરવાની અપીલ કરતાં ચોથી જૂનથી તેજી આવવાના એંધાણ આપ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શેરબજાર વિશે આગાહી કરી છે.
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 4 જૂન બાદ માર્કેટ એટલી ઝડપે દોડશે કે, તેને સંભાળવુ મુશ્કેલ થશે. માર્ચ સુધી તેજીમાં રહેલુ ભારતીય શેરબજાર એપ્રિલના બીજા હાફથી હાંફી ગયુ છે. જેની પાછળનું મોટુ કારણ વિદેશી રોકાણકારો દ્વારા મે મહિનામાં જ રૂ. 28242 કરોડની વેચવાલી છે.
જો કે, ગત સપ્તાહે અમિત શાહે 4થી જૂન બાદ શેરબજારમાં તેજી આવવાની વકી દર્શાવતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વોલેટિલિટી ઘટી હતી. તેમાંય હવે વડાપ્રધાન મોદીએ આ વખતે ઐતિહાસિક જીતનો દાવો કરતાં કહ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સેન્સેક્સ 25થી 75 હજારનો જોરદાર ઉછાળો નોંધાવ્યો છે. અને આગળ પણ આ તેજી જારી રહેશે.
4 જૂન બાદ પ્રોગ્રામર્સ થાકી જશે
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારે ઘણા બધા આર્થિક અને પ્રો-આંત્રપ્રિન્યોરશીપ સુધારાઓ કર્યા છે. અમે પક્ષમાં આવ્યા ત્યારે સેન્સેક્સ 25 હજાર હતો. જે હવે 75000નું લેવલ ક્રોસ કરી ચૂક્યો છે. જેટલા લોકો શેરબજાર સાથે જોડાશે, તેટલુ ઈકોનોમીને બળ મળશે. હું ઈચ્છુ છુ કે, દરેક નાગરિકમાં જોખમ લેવાની ક્ષમતા વધે. 4 જૂને ચૂંટણીના પરિણામો રજૂ થાય ત્યારબાદ એક જ સપ્તાહમાં શેરબજાર ક્યાંથી ક્યાં પહોંચી જશે. તેના પ્રોગ્રામર્સ થાકી જશે.
પીએસયુમાં રોકાણ કરવા આપી સલાહ
વડાપ્રધાને સરકારી કંપનીઓમાં રોકાણ કરવા સલાહ આપી છે. ઘણી બધી સરકારી કંપનીઓના શેર છેલ્લા બે વર્ષમાં 10 ગણા વધ્યા છે. PSUsની નીતિઓમાં સુધારાના પગલે સ્ટોક માર્કેટમાં તેની વેલ્યૂ અનેકગણી વધી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સનો શેર જ જોઈ લો.
રાજકોષિય ખાધ જળવાઈ રહેશે
મોદીએ સ્પષ્ટતા કરી કે, તેમની ગેરેંટીઓનો અર્થ એ નથી કે, દેશની રાજકોષિય ખાધ વધશે. સરકાર પોતાના પ્રત્યેક કામ આવક મુજબ કરશે. તે પોતે નાણાકીય શિસ્તબદ્ધતાના સમર્થક છે. તેના વિના કોઈપણ દેશ ચાલી શકે નહીં.