મોદી 3.0નું બજેટ 1 જુલાઈએ નહીં, જાણો ક્યારે રજૂ કરશે નાણા મંત્રી?, આગામી સપ્તાહથી કામનો ધમધમાટ
Modi 3.0 Budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં એનડીએ સરકારની રચના થઈ છે અને મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી છે. આ વખતે પણ નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની જવાબદારી મળી છે. હવે સૌ કોઈની નજર નાણા મંત્રી દ્વારા જારી થનારા બજેટ પર છે. મોદી 3.0નું પ્રથમ સંપૂર્ણ બજેટ આ વખતે 1 જુલાઈએ રજૂ થવાની અપેક્ષા નથી, તે જુલાઈ 2024ના મધ્યમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.
આગામી સપ્તાહથી બજેટ પર કામ શરૂ થશે
નાણા મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જુલાઈના મધ્ય સુધીમાં નાણાકીય વર્ષ 2024-2025 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. આ માટે આગામી સપ્તાહથી મેરેથોન બેઠકોનો રાઉન્ડ શરૂ થશે. કેન્દ્ર સરકાર સંભવિત પોતાના ડેવલપમેન્ટ એજન્ડાને જારી રાખશે. તેમજ વધુ પડતાં ખર્ચની તકો શોધી શકે છે. રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલય 17 જૂન સુધીમાં વિવિધ મંત્રાલયો અને સ્ટેક હોલ્ડર્સ સાથે પ્રી-બજેટ મીટિંગ શરૂ કરી શકે છે. કેન્દ્ર સરકાર કદાચ તેના વિકાસના એજન્ડાને ચાલુ રાખશે અને વધારાના ખર્ચ માટે અન્ય તકો શોધી શકે છે.
સંસદીય બાબતોના મંત્રી કિરન રિજુજુ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટ પણ સૂચવે છે કે બજેટ જુલાઈના મધ્યમાં રજૂ થઈ શકે છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું છે કે, લોકસભાના બીજા સત્રમાં બજેટ રજૂ થઈ શકે છે. આર્થિક સર્વેની રજૂઆત સાથે નાણાકીય વર્ષ 25નું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. જો કે, કેન્દ્ર સરકારે હજુ સુધી આગામી બજેટ વિશે કોઈ માહિતી રજૂ કરી નથી. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું.
સીતારમણ ઈતિહાસ રચવા તૈયાર
નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. વાસ્તવમાં, નાણામંત્રી તરીકે સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે અને તેમાં છ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ સામેલ છે. તે મુજબ તે નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે. તેમણે 1959-1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.