મોદી સરકારનો મોટો નિર્ણય, ઈવીને પ્રોત્સાહન આપવા નવી યોજના જાહેર, સબસિડી સાથે શું થશે ફાયદો?

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
મોદી સરકારનો મોટો નિર્ણય, ઈવીને પ્રોત્સાહન આપવા નવી યોજના જાહેર, સબસિડી સાથે શું થશે ફાયદો? 1 - image


E Vehicle Scheme: વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. જેના માટે કેન્દ્ર સરકારે પીએમ-ઈ ડ્રાઇવ નામની એક નવી યોજનાની જાહેરાત કરી છે. જેમાં ઇલેક્ટ્રિક ટ્રક, ટેમ્પો અને ટુવ્હીલર વાહનોની ખરીદી પર ફેમ-1 અને ફેમ-2ની જેમ સબસિડી પણ મળશે. આ સાથે જ આ યોજના હેઠળ દેશભરમાં 88,500 જગ્યાએ નવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાશે.

કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

પીએમ-ઈ ડ્રાઇવ યોજનાની સાથે કેબિનેટે ગ્રામીણ વિસ્તારોમાં 62,500 કિમી લાંબા નવા રસ્તા બનાવવાની પણ મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે આયોજિત કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જે મોટા નિર્ણયો લેવાયા, તેમાં પીએમ-ઈ-ડ્રાઇવ અને ગ્રામીણ સડક યોજનાના નવા તબક્કાનો સમાવેશ કરાયો છે. ગ્રામીણ સડક યોજનામાં આશરે 70 હજાર કરોડનો ખર્ચ થશે.

આ પણ વાંચોઃ 70 કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવાશે

અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી આપતાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પીએમ-ઈ ડ્રાઇવ હેઠળ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથે ઇલેક્ટ્રિક વાહનોને નવા સુધારા સાથે રસ્તા પર ઉતારવામાં આવશે. જેમાં બેટરીને પહેલાંની સરખામણીએ વધુ સારી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર યોજના પર આવનાર બે વર્ષોમાં 10,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.


Google NewsGoogle News