ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર, સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
farmers


PM Kishan Maandhan Yojana News : ભારત કૃષિપ્રધાન દેશ છે. ગામડાઓમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને લઈને કેટલીક યોજના ચલાવવામાં આવી રહી છે, પરંતુ ઘણી એવી યોજનાની ખેડૂતોને જાણકારી હોતી નથી. એવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ એક પેન્શન યોજના છે. જેમાં 60 વર્ષ પૂરા થયા પછી ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો : સોના-ચાંદીના રોકાણકારો ફાવ્યા, સાપ્તાહિક ધોરણે ગોલ્ડમાં રૂ. 2700 સિલ્વરમાં રૂ. 4000 રિટર્ન મળ્યું

મહિને રૂ.3000નું પેન્શન મળશે

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) 12 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના 5 વર્ષ પૂર્ણ થયા છે. વૃદ્ધાવસ્થા દરમિયાન આ યોજના ખેડૂતોને ઘણી ઉપયોગી સાબિત થશે. જેમાં ખેડૂતોએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના હોય છે. આ પછી, દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લાના કૃષિ અધિકારીએ શું કહ્યું?

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કૃષિ અધિકારીનું કહેવું છે કે, 'આ યોજના હેઠળ દર મહિને રોકાણ કરવાથી પેન્શનના હકદાર થઈ શકાય છે. જેમાં ખેડૂતો પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે તેવા ખેડૂતો આ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.'

આ પણ વાંચો : દર મહિને બચત કરીને PF ખાતામાં જમા કરી શકો છો ત્રણથી પાંચ કરોડ, સમજો ગણતરી

મહિને 55 થી 200 રૂપિયા સુધીની રકમ રોકાણ થઈ શકશે

સામાન્ય રીતે, 18 થી 40 વર્ષની વયના ખેડૂતો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમાં તેમની ઉંમર અનુસાર દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે. આ પછી, 60 વર્ષની ઉંમર પૂરી થતા દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. આ દરમિયાન જો લાભાર્થીનું મૃત્યુ થાય છે, તો તેની પત્ની આ યોજનામાં યોગદાન આપીને પેન્શન મેળવી શકે છે. તેમજ જો લાભાર્થીની પત્ની યોજના ચાલુ રાખવા માંગતી ન હોય તો, તેને વ્યાજ સહિત પૈસા પરત કરવામાં આવશે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે?

- આધાર કાર્ડ

- ઓળખ કાર્ડ

- બેંક ખાતાની પાસબુક

- પત્ર વ્યવહારનું સરનામું

- મોબાઇલ નંબર

- પાસપોર્ટ સાઇઝનો ફોટો


Google NewsGoogle News