બજેટમાં પ્લેટીનમની ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડોઃ 1000 ડોલર થવાની શક્યતા
- જ્વેલરીના ઘટકો (આર્ટીકલ્સ) તથા ઘડવાના સાધનોની ઈમ્પોર્ટ ઔડયુટી ઘટી
- અમદાવાદ સોનું રૂ.૮૫૦૦૦ પાર કરી ગયું
મુંબઈ : કેન્દ્રના નાણાંપ્રધાને આજે રજૂ કરેલા બજેટમાં કિંમતી ધાતુઓ વિષયક વિવિધ દરખાસ્તો રજૂ કર્યાના નિર્દેશો મળ્યા હતા. પ્લેટીનમ ફાઈન્ડીગ (નાના ટુકડાઓ) પરની ઈમ્પોર્ટ ડયુટી ૨૫ ટકાથી ઘટાડી નાણાંપ્રધાને ૬.૪૦ ટકા કર્યાના સમાચાર આવ્યા હતા. આ ઉપરાંત જવેલરીના આર્ટીકલ્સ તથા પાર્ટસ તથા દાગીના ઘડવાના સાધનોની ઈમ્પોર્ટ ડયુટી ૨૫થી ઘટી ૨૦ ટકા કરાઈ છે.
દરમિયાન, જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ પ્લેટીનમની ડયુટી ઘટતાં વપરાશકારોને નવા એફોર્ડેબલ જ્વેલરીના વિકલ્પો ઉપલબ્ધ બનશે. દરમિયાન, નાણાંપ્રધાને ચેપ્ટર ૭૧ હેઠળ નવી ટેરીફ આઈટમોમાં બદલાવ કરવાના સંકેતો આપ્યા છે. સેકશન ૭૧૦૬, ૭૧૦૮ તથા ૭૧૧૦ હેઠળ વિવિધ કિંમતી ધાતુઓમાં ૯૯.૯૦ તથા ૯૯.૫૦ની શુધ્ધતા ધરાવતી ધાતૂઓની ટેરીફના માળખાઓ શુધ્ધતા મુજબ ફેરફારો ૧લી મેથી કરાશે એવા નિર્દેશો મળ્યા હતા.
જોકે આ વિશે હજી બજારના જાણકારો વધુ વિગતની રાહ જોઈ રહ્યા હતા. સરકાર તરફથી આ પ્રશ્ને સ્પષ્ટતા શું આવે છે તેના પર નજર રહી છે. મે મહિનાથી શુધ્ધ સોનાની ડયુટી ઉંચી જવાની શક્યતા જાણકારો બતાવતા હતા. જોકે આ પ્રશ્ને પણ સ્પષ્ટતા ટૂંકમાં થઈ જવાની શક્યતા બજારના જાણકારો બતાવતા હતા.
દરમિયાન, તાજેતરમાં દેશમાં સોનાની આયાતના આંકડા સરકારે વધુ પડતા બહાર પાડયા હતા પરંતુ ત્યારબાદ એવું બહાર આવ્યું હતું કે હકીકતમાં આવી આયાત ઓછી થઈ હતી. આના પગલે હવે નાણાંપ્રધાને ટેરીફ સેકશન ૭૧૧૩માં ફેરફારો હાથ ધરતાં ભવિષ્યમાં આવી ભુલ ના થાય એવી તકેદારી રાખવામાં આવી છે.
એકંદરે દેશના ઝવેરીબજારમાં બજેટ પછી ગુંચવાડો પ્રવર્તતો જોવા મળ્યો હતો તચથા વધુ સ્પષ્ટ ચિત્રની રાહ જોવાઈ રહી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૪૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૫૧૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૨૫૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૮૦૬થી ૨૮૦૭ વાળા ઉંચામાં ૨૮૧૭થી ૨૮૧૮ થયા પછી તૂટી નીચામાં ૨૭૯૧થી ૨૭૯૨ થઈ છેલ્લે ભાવ ૨૭૯૮થી ૨૭૯૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૩૧.૬૭ થી ૩૧.૬૮ વાળા ૩૧.૭૧થી ૩૧.૭૨ થયા પછી ઘટી નીચામાં ૩૧.૧૪થી ૩૧.૧૫ થઈ છેલ્લે ભાવ ૩૧.૩૦થી ૩૧.૩૧ ડોલર રહ્યા હતા.
વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ વધી ૧૦૮.૫૭ થઈ ૧૦૮.૫૦ થતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી નિકળી હતી. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૮૬.૬૧થી વધી રૂ.૮૬.૭૨થી ૮૬.૭૩ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૮૧૭૫૭ વાળા રૂ.૮૧૯૦૦ બોલાતા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૮૨૨૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવજીએસટી વગર રૂ.૯૩૫૫૩ વાળા રૂ.૯૨૭૦૦ રહ્યા હતા.
મુંબઈ બજારમાં સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાંપ્લેટીનમના ભાવ ૯૭૮થી ૯૭૯ વાળા ૯૮૨થી ૯૮૩ ડોલર રહ્યા હતા તથા ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં હવે વિશ્વબજારમાં ભાવ વધી ૧૦૦૦ ડોલર ઉપર જવાની શક્યતા જાણકારો બતાવતા હતા.