આ સરકારી સ્કીમમાં કરોડપતિ બનવાની તક, મેચ્યોરિટી પર બમણું રિટર્ન કમાઈ શકો છો
Personal Finance: રોકાણ કરતી મોટાભાગની વ્યક્તિ ઈચ્છે છે કે, શોર્ટ ટર્મમાં તેનું રોકાણ ડબલ થઈ જાય છે. પરંતુ તેના માટે લાંબો સમય અને ધીરજની જરૂર પડે છે. જો તમે સુરક્ષિત રોકાણ વિકલ્પમાં તમારૂ મૂડી ડબલ કરવા માગતા હોવ તો તમે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં દરવર્ષે 7.5 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. જેમાં 115 મહિનામાં અર્થાત સાડા નવ વર્ષમાં તમારી મૂડી ડબલ થાય છે.
શું છે કિસાન વિકાસ પત્ર?
ઈન્ડિયા પોસ્ટ દ્વારા જારી કિસાન વિકાસ પત્ર એ 1988માં શરૂ થયેલી નાની બચત યોજના છે. જેનો ઉદ્દેશ શિસ્તબદ્ધ રોકાણ કરતાં રોકાણકારોને લાંબાગાળે આકર્ષક રિટર્ન આપવાનો છે. જેમાં તમે ઓછામાં ઓછું રૂ. 1000નું રોકાણ કરી શકો છો. એકસામટુ રોકાણ કર્યુ હોય તો તે સાડા નવ વર્ષમાં ડબલ થાય છે. જેના માટે તમે ખેડૂત હોવ તે જરૂરી નથી. કોઈપણ વ્યક્તિ આ યોજનામાં ભાગ લઈ શકે છે.
કોણ રોકાણ કરી શકે છે?
કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા માટે ભારતનો નાગરિક હોવો જોઈએ. 18 વર્ષથી વધુ વયની કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. હિન્દુ અનડિવાઈડેડ ફેમિલી (HUF) કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRI) આ સ્કીમમાં રોકાણ કરી શકતા નથી.
કિસાન વિકાસ પત્રના લાભ
ગેરેંટેડ રિટર્નઃ માર્કેટની અસ્થિરતામાં પણ તમને ગેરેંટેડ રિટર્ન આપવાની ખાતરી આફે છે. જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ લાગૂ થતુ હોવાથી મૂડી લગભગ ડબલ થાય છે.
મૂડીની સુરક્ષાઃ સરકારી નાની બચત યોજના હોવાથી તે 100 ટકા સુરક્ષિત છે. જેમાં એકવાર રોકાણ કર્યા બાદ નિશ્ચિત મેચ્યોરિટી પર તમને રિટર્ન 100 ટકા મળે છે.
ફુગાવા આધારિત વ્યાજદરઃ કેન્દ્ર સરકાર કિસાન વિકાસ પત્રના વ્યાજદરોમાં દર 3 મહિને ફેરફાર કરે છે. જેમાં ફુગાવાને આધારે વ્યાજદર નિર્ધારિત થાય છે. હાલ, 2024-25ના પ્રથમ ત્રિમાસિક માટે વ્યાજદર 7.5 ટકા છે.
ટેક્સેશનઃ કિસાન વિકાસ પત્ર આવકવેરા અધિનિયમ 80 (સી) હેઠળ કપાત પાત્ર નથી. જેથી વ્યાજ પર થતી આવક સંપૂર્ણપણે ટેક્સેબલ છે. જેમાં વ્યાજ ક્રેડિટ થયા બાદ દરવર્ષે 10 ટકા ટીડીએસ કપાય છે. લોક ઈન પિરિયડ 30 માસ (અઢી વર્ષ)નો છે.