નાણાંની તાત્કાલિક જરૂરિયાતમાં પર્સનલ લોન સિવાય આ વિકલ્પ ઉપયોગી સાબિત થશે, તદ્દન સરળ અને અનુકૂળ પ્રક્રિયા
Image: FreePik |
Personal Finance Overdraft Facility: નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મોટાભાગના લોકો પર્સનલ લોનનો માર્ગ અપનાવતા હોય છે. જે સરળ અને ઝડપી લોન પ્રક્રિયા છે. જો કે, તેના વ્યાજદર ઉંચા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, નાણાંની તાત્કાલિક કે ટૂંકાગાળા માટે જરૂરિયાત હોય તો તમે પર્સનલ લોન સિવાય અન્ય એક ઓવરડ્રાફ્ટનો વિકલ્પ અપનાવી શકો છો. આવો જાણીએ ઓવરડ્રાફ્ટની સુવિધા શું છે...
ઓવરડ્રાફ્ટ સુવિધા
બેન્કો તેના ખાતેદારોને ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. જેમાં ખાતેદારના એકાઉન્ટના ટ્રાન્જેક્શનના આધારે બેન્ક ખાતેદારને ચોક્કસ રકમ ઉધાર આપે છે. જેને ઓવરડ્રાફ્ટ કહે છે. જેના વ્યાજદરો ફિક્સ્ડ હોય છે. બેન્ક સાથેના સંબંધોને આધારે ખાતેદારના ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તેને ઓવરડ્રાફ્ટની સુવિધા પ્રદાન કરવામાં આવે છે. નિશ્ચિત લિમિટમાં મળતી રકમ એકસામટી કે ટુકડે-ટુકડે ઉપાડી શકાય.
કેવી રીતે લાભ લઈ શકાય?
ઓવરડ્રાફ્ટ ફેસિલિટીનો લાભ ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ મેળવી શકો છો. તમારી બેન્ક સાથેની શાખ અને સંબંધ ઉપરાંત તમારા ખાતાના ટ્રાન્જેક્શનના આધારે બેન્ક ચોક્કસ મર્યાદા નિર્ધારિત કરે છે. આ મર્યાદા હેઠળ તમને એક ક્રેડિટ લાઈન ઓફર કરે છે. ક્રેડિટ લિમિટ તમે બેન્કના નિશ્ચિત વ્યાજદર પર મેળવી શકો છો. વ્યાજદર પર્સનલ લોન કરતાં ઉંચા હોય છે. પરંતુ સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટમાં નીચા દરે ઉધાર લઈ શકો છો. જેમ કે, બેન્કે તમને રૂ. 5 લાખની મર્યાદા ધરાવતી ઓવરડ્રાફ્ટ સુવિધા આપી છે. તો તમે તે મર્યાદામાં ચોક્કસ રકમ કે એકસામટી રકમનો ઓવરડ્રાફ્ટ લઈ શકો છો.
પર્સનલ લોન કરતાં આકર્ષિત
પર્સનલ લોનમાં વિવિધ દસ્તાવેજો રજૂ કરવા પડે છે. જ્યારે ઓવરડ્રાફ્ટની સુવિધા એક ફોર્મ ભરી અરજી કરી મેળવી શકો છો. પર્સનલ લોનમાં દરમહિને નિશ્ચિત ઈએમઆઈ ચૂકવવો પડે છે. જ્યારે ઓવરડ્રાફ્ટની સુવિધા લીધા બાદ તમે તમારી મરજી મુજબ કોઈપણ સમયે રકમ એકસામટી કે તમારી ક્ષમતા અનુસાર જમા કરાવી શકો છો. ચૂકવણી માટે કોઈ નિશ્ચિત મુદ્દત હોતી નથી. ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ જેમ-જેમ અને જેટલી રકમ ઉપાડો તે રકમ પર જ વ્યાજ લાગૂ થાય છે. જેથી વ્યાજનો બોજો હળવો રહે છે.
ઉદાહરણ તરીકે, ઓવરડ્રાફ્ટની સુવિધા હેઠળ રૂ. 5 લાખમાંથી રૂ. 1 લાખ પહેલાં ઉપાડ્યા હોય બાદમાં 3 મહિના બાદ 50000 અને 5 માસ બાદ 3.50 લાખનો ઉપાડ કરવામાં આવ્યો હોય તો પ્રથમ 3 માસ સુધી રૂ. 1 લાખ પર વ્યાજની ગણતરી થશે, બાદમાં 1.50 લાખ પર વ્યાજ ગણવામાં આવશે. અને પાંચ માસ બાદ પાંચ લાખ પર વ્યાજ ગણાશે.