ફાઈનાન્શિયલ ગોલ પૂરાં કરવા રોકાણ કરવાનું વિચારતાં હોવ તો આ બાબતો સમજી લેજો, થશે ફાયદો
Goal Based Investment: દરેક વ્યક્તિ પોતાની ભાવિ જરૂરિયાતો અને લક્ષ્યો પૂરા કરવા રોકાણ કરતાં હોય છે. પરંતુ વર્તમાન ખર્ચાઓ અને અચાનક આવી પડતી મુશ્કેલીમાં તેમના રોકાણ પોર્ટફોલિયોની નાવડી હાલક-ડોલક થવા લાગે છે. પરિણામે તે લક્ષ્યો પૂરા કરી શકતા નથી. આવુ ન થાય તે માટે દરેક રોકાણકારે લક્ષ્યો આધારિત રોકાણ કરવુ જોઈએ.
લક્ષ્ય માટે યોગ્ય રોકાણની રીત અપનાવોઃ દરેક લક્ષ્ય માટે જુદી-જુદી રીતે રોકાણ કરવુ લાભદાયી છે. લક્ષ્યોની સમય મર્યાદાના આધારે રોકાણ કરવાથી લક્ષ્ય પણ પૂરા થશે અને સરળતાથી મૂડી સર્જન કરી શકશો. જો તમે ઓછુ જોખમ ધરાવતા સાધનોમાં રોકાણ કરવા માગો છો, તો તમે એફડી, બોન્ડ, લિક્વિડ ફંડ વગેરેમાં રોકાણ કરી શકો છો. જોખમની ક્ષમતા વધુ હોય તો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઈટીએફમાં રોકાણ કરી શકો છો.
રોકાણ પોર્ટફોલિયો નિયમિત ચેક કરોઃ તમારા રોકાણનો પોર્ટફોલિયો સમયાંતરે ચેક કરતાં રહો અને તમારા નિર્ધારિત લક્ષ્યના આધારે રિટર્ન મળી રહ્યુ છે કે નહીં, તેનું મૂલ્યાંકન કરો. તમારા લક્ષ્યો અને જોખમ ઉઠાવવાની ક્ષમતા અનુસાર, રોકાણ પોર્ટફોલિયો રિબેલેન્સ કરો.
ઓટોમેટિક ઈન્વેસ્ટમેન્ટઃ તમારા પગારમાંથી રોકાણની મૂડી સીધી ટ્રાન્સફર થાય તેવી સુવિધા અપનાવો. જેથી તમારે વારંવાર રોકાણ માટે મૂડી જમા કરાવવા દોડાદોડ કરવી પડશે નહીં.
રોકાણ પ્રત્યે શિસ્તતા જાળવોઃ જો તમે રોકાણનું આયોજન કરો છો, તો તેના પ્રત્યે શિસ્તનું પાલન કરો. અર્થાત રોકાણ શરૂ કર્યા બાદ નિયમિત રોકાણ કરો. આર્થિક કટોકટીમાં નાણાં ભીડ ન થાય તેના માટે અલગથી મૂડી ફાળવો. જેથી રોકાણની શિસ્તબદ્ધતા તૂટે નહીં.
રોકાણ પર નજર રાખોઃ રોકાણ કરતી વખતે સતત સતર્ક રહો. જુદા-જુદા લક્ષ્યોને ધ્યાનમાં રાખી તમે રોકાણનું મૂલ્યાંકન કરો. તમારૂ રોકાણ કેવુ પર્ફોર્મન્સ આપી રહ્યા છે, તેની ખાતરી કરો.
નિષ્ણાતની સલાહ લોઃ રોકાણ આયોજન કરતી વખતે બને ત્યાં સુધી ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહના આધારે રોકાણ કરવુ જોઈએ. કારણકે, રોકાણના ઘણા માધ્યમો વિશે આપણે બધું જ જાણતા હોઈએ, તે શક્ય નથી. આથી તમારા લક્ષ્યો અને જોખમની ક્ષમતા નક્કી કરી તમે નિષ્ણાતની મુલાકાત લઈ રોકાણ આયોજન કરી શકો છો.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.