2024 પૂર્ણ થવાના આરે ગણતરીના દિવસો બાકી, 31 ડિસેમ્બર પહેલાં આ કામ પૂરા કરી લેજો નહીં તો...
Financial Planning For 2025: કેલેન્ડર વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષમાં નવા નિયમો અને સંકલ્પો સાથે શુભ શરુઆત કરવા ઇચ્છુકોએ આર્થિક રીતે સદ્ધર બનવા નાણાકીય આયોજનો અને સંકલ્પો પણ લેવા જોઈએ. જેથી ભવિષ્યમાં આર્થિક ભીડ વિના સરળતાથી જીવન જીવી શકાય. વર્ષ પૂર્ણ થાય તે પહેલાં તમે તમારી નાણાકીય યોજના, ટેક્સ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની સમીક્ષા કરી લો. જેથી નવા વર્ષમાં અમુક ફેરફારો સાથે શ્રેષ્ઠ રોકાણ કરી રિટર્ન મેળવી શકો છો.
1. પોર્ટફોલિયોનું પુનઃસંતુલન
વિવિધ રોકાણ માધ્યમોમાં રોકાણ કરતાં લોકોએ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તો પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની સમીક્ષા કરવી જરૂરી છે. ઘણા લોકો કામના બોજા અને આળસમાં આ મુદ્દા પર ધ્યાન આપતાં નથી. તેમણે વર્ષના અંતમાં આ કામ પૂર્ણ કરી લેવું. જેની મદદથી પોર્ટફોલિયો રિબેલેન્સ કરવામાં મદદ મળી શકે છે. આ કામ માટે તમે ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લઈ શકો છો.
2. ટેક્સ પ્લાનિંગ
જો તમે ઇન્કમ ટેક્સની જૂની કર વ્યવસ્થાનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે ટેક્સ ડિડક્શન ક્લેમ કરવા માટે જરૂરી રોકાણ કર્યું છે કે નહીં તે ચકાસો અને તેના માટે તમારી પાસે માર્ચ સુધીનો સમય છે. ઇન્કમ ટેક્સની કલમ 80 (સી) અને 80 (ડી) હેઠળ ડિડક્શન ક્લેમ કરવા માટે તમારે 31 માર્ચ પહેલાં રોકાણ કરવું પડશે. જેથી અત્યારે આ મુદ્દે સમીક્ષા કરવાથી તમે બે મહિનામાં ટેક્સમાં બચત માટે પગલું લઈ શકો છો.
3. બિલેટેડ રિટર્ન ફાઇલિંગ
જો તમે કોઈ કારણોસર 31 જુલાઈ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ભૂલી ગયા હોવ તો તમે 31 ડિસેમ્બર સુધીમાં વિલંબિત અર્થાત્ બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકો છો. FY24 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન પેનલ્ટી સાથે 31 ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકાય છે. જો કે, વિલંબિત રિટર્ન ભરવામાં, કરદાતાએ કરની રકમ પર વ્યાજ પણ ચૂકવવું પડે છે. આ બાબતે તમે તમારા ટેક્સ નિષ્ણાતની સલાહ લઈ શકો છો.
આ પણ વાંચોઃ સોનું ઉછળી રૂ.80,000 નજીક પહોંચ્યું જ્યારે ચાંદી વધી રૂ.92,000 બોલાઈ
4. વીમાનું આયોજન
જો તમે ટર્મ ઇન્સ્યોરન્સ ન લીધો હોય અથવા ઓછા કવરવાળી પોલિસી લીધી હોય, તો તેની સમીક્ષા કરવાનો આ યોગ્ય સમય છે. તમારી જીવન વીમા પોલિસીનું કવર તમારી જરૂરિયાતો માટે પૂરતું હોવું જોઈએ. તમારી હેલ્થ પોલિસીનું કવર પણ પૂરતું હોવું જોઈએ. વર્ષના અંતે તેની સમીક્ષા કરીને, તમે નવા વર્ષમાં કવર વધારવાની યોજના બનાવી શકો છો.
5. 2025 માટે રોકાણ યોજના
ભવિષ્યમાં ફુગાવાના દરને ધ્યાનમાં રાખતાં દરવર્ષે રોકાણમાં વધારો કરવો જરૂરી છે. જેથી લાંબા ગાળે મળતું રિટર્ન અને સંપત્તિ સર્જન ઓછું ન પડે. જો તમે પણ આવતા વર્ષથી એટલે કે જાન્યુઆરીથી રોકાણ વધારવાનું આયોજન કર્યું છે, તો તમારે તેના માટે અત્યારથી જ તૈયારી કરવી પડશે. તમારી નાણાકીય સ્થિતિ જોઈને તમે નક્કી કરી શકો છો કે તમે જાન્યુઆરીથી કેટલું વધારાનું રોકાણ કરી શકો છો. જો તમે ઇચ્છો તો જાન્યુઆરીથી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ વધારી શકો છો.