Savings: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે 1.11 લાખ સુધીની કમાણી કરો, બેન્ક એફડી કરતાં વધુ વ્યાજ
Personal Finance: ઈક્વિટી બજારોની વોલેટિલિટી તેમજ મૂડીરોકાણ પર સુરક્ષિત વળતર મેળવવા ઈચ્છુકો સામાન્ય રીતે બેન્ક એફડી, પોસ્ટ ઓફિસ સહિતના ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરતાં હોય છે. પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમમાં રોકાણકાર દરમહિને કમાણી કરી શકે છે. જેમાં હાલ બેન્ક એફડી કરતાં વધુ 7.40 ટકા વ્યાજ મળે છે.
પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ્સ સ્કીમ
આ સ્કીમ ગેરેન્ટેડ રિટર્નની ખાતરી આપે છે. જેમાં સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટની સુવિધા હેઠળ રોકાણ કરી શકો છો. સિંગલ એકાઉન્ટમાં મહત્તમ રૂ. 9 લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં મહત્તમ રૂ. 15 લાખનું રોકાણ કરી શકો છો. જેમાં દરમહિને નિશ્ચિત રિટર્ન મળે છે. જોઈન્ટ એકાઉન્ટની મર્યાદા મુજબ દરમહિને કુલ રૂ. 9250ની કમાણી કરી શકો છો. લોકઈન પિરિયડ પાંચ વર્ષનો છે.
પાંચ વર્ષના રોકાણ પર 37 ટકાથી વધુ રિટર્ન
પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ્સ સ્કીમમાં પતિ-પત્નિ સાથે મળી કુલ રૂ. 15 લાખનું રોકાણ કરે છે, તો તેમને વાર્ષિક 7.4 ટકાના દરે 1.11 લાખની કમાણી દર વર્ષે થશે. જેમાં પાંચ વર્ષના અંતે કુલ રૂ. 5.55 લાખ સુધીની આવક મેળવી શકે છે. ખાતામાં દરમહિને કુલ રૂ. 9250 વ્યાજ જમા થાય છે. જે પાંચ વર્ષના લોકઈન પિરિયડ બાદ રૂ. 15 લાખ પર અંદાજિત 37 ટકા રિટર્ન દર્શાવે છે. જો સિંગલ એકાઉન્ટ હેઠળ રૂ. 9 લાખનું રોકાણ કર્યુ હોય તો માસિક રૂ. 5550, વાર્ષિક 66600 રૂપિયા વ્યાજ મળવાપાત્ર છે. જે પાંચ વર્ષમાં રૂ. 333000નું રિટર્ન આપે છે.
કોણ આ સ્કીમનો લાભ લઈ શકે
આ સ્કીમનો લાભ પ્રત્યેક ભારતીય નાગરિક લઈ શકે છે. એનઆરઆઈ માટે આ સ્કીમ ઉપલબ્ધ નથી. જેમાં 18 વર્ષથી વધુ વયના કોઈપણ વ્યક્તિ ખાતુ ખોલાવી શકે છે. તેમજ 10 વર્ષના સગીર બાળકોના નામે આ સ્કીમ શરૂ કરી શકો છો, પરંતુ તેમાં મેચ્યોરિટી પિરિયડ બાળક 18 વર્ષનુ થાય ત્યારબાદ રકમ મળવા પાત્ર છે.
મેચ્યોરિટી પહેલા ઉપાડ પર પેનલ્ટી
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમમાં એક વર્ષ પહેલાં ઉપાડ પર વ્યાજનો કોઈ લાભ મળતો નથી. 1થી 3 વર્ષની મુદ્દતમાં સમગ્ર ડિપોઝીટ પાછી ખેંચવા બદલ 2 ટકાના દરે પેનલ્ટી ચૂકવવી પડે છે. જ્યારે 3થી 5 વર્ષના સમયગાળામાં ડિપોઝીટ ઉપાડવા બદલ 1 ટકા પેનલ્ટી લાગૂ થાય છે.