નાણાકીય વર્ષ 2024માં PE રોકાણમાં ઘટાડો, 6 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું
- નાણા વર્ષ ૨૦૨૩ની તુલનામાં પીઈ ડીલ્સ દ્વારા થતા રોકાણમાં ૪૭ ટકાનો ઘટાડો થયો
અમદાવાદ : ભારતમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ માર્ચ ૨૦૨૪માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ૨૪.૨ બિલિયન ડોલરની છ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૩ની તુલનામાં પીઈ ડીલ્સ દ્વારા રોકાણમાં ૪૭ ટકાનો ઘટાડો થયો છે કારણ કે તે સમયે ૪૫.૮ બિલિયન ડોલરના ખાનગી ઇક્વિટી સોદા કરવામાં આવ્યા હતા.
બ્લૂમબર્ગના ડેટા અનુસાર, પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓએ માર્ચ ૨૦૨૨માં પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન રેકોર્ડ ૮૦ બિલિયન ડોલરના સોદા કર્યા હતા. મુખ્યત્વે આ રોકાણો માર્ચ ૨૦૨૨ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલમાં વિવિધ ખાનગી ઇક્વિટી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૪ માં, ઁઈએ ૯૬૦ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩માં, તેમના દ્વારા ૧,૩૩૪ સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારોમાં તરલતાનો અભાવ, વ્યાજદરમાં વધારો, બજારની અસ્થિરતા, ભંડોળની તંગી, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ અને ખાનગી ઇક્વિટી સહિતના અનેક વલણોએ આમાં ફાળો આપ્યો છે. પક્ષકારોના મૂલ્યાંકનમાં પણ એકરૂપતા નથી અને વેચાણકર્તાઓએ રાહ જોવાનું શ્રેષ્ઠ માન્યું હતું.
છેલ્લા નાણાકીય વર્ષમાં મંદી હોવા છતાં, ખાનગી ઇક્વિટી કંપનીઓ અને બેન્કરો ભવિષ્ય વિશે આશાવાદી છે. અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી જાયન્ટ કંપનીએ જણાવ્યું છે કે તે તેના નવા ૬.૪ બિલિયન ડોલર એશિયા-કેન્દ્રિત ફંડનો નોંધપાત્ર હિસ્સો ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાં રોડ, હાઈવે અને રિન્યુએબલ એનર્જીનો સમાવેશ થાય છે.
તેણે દેશમાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. અન્ય યુએસ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોન આગામી પાંચ વર્ષમાં ૨૫ અબજ ડોલરની ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી એસેટનો પોર્ટફોલિયો ઉમેરવાની યોજના ધરાવે છે.
સિંગાપોરની ટેમાસેકે ભારતમાં અત્યાર સુધીમાં ૧૭ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે અને આગામી ત્રણ વર્ષમાં હેલ્થકેર, આઈટી અને ફીનટેક સેક્ટરમાં ૯ થી ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કેનેડાનું બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ પણ ભારતના ટેલિકોમ ટાવર ઇન્ફ્રા, રિયલ્ટી અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ૨૫ બિલિયન ડોલરના હિસ્સા સાથેનું મુખ્ય રોકાણકાર છે.