RBI ના પ્રતિબંધ લાગુ થતાં Paytm ની આ સેવાઓ બંધ, યુઝર્સને શું અસર થશે જોઈ લો ફટાફટ
હવે તમે Paytm Wallet અથવા Paytm FASTagમાં પૈસા જમા કરી શકશો નહીં
Paytm Wallet And Paytm Fastag : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા Paytm પેમેન્ટ બેંક પર લાદવામાં આવેલ પ્રતિબંધ 16 માર્ચથી લાગુ થઈ ગયા છે. આ કારણે, હવે તમે Paytm Wallet અથવા Paytm FASTagમાં પૈસા જમા કરી શકશો નહીં. આવી સ્થિતિમાં, તમારે Paytmને બદલે અન્ય કોઈ બેંક અથવા NBFCનું ફાસ્ટેગ લેવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જો તમારી પાસે હજુ પણ તમારા Paytm વોલેટમાં પૈસા છે, તો તેનો ઉપયોગ ટોલ પેમેન્ટ માટે કરી શકાશે.
ફાસ્ટેગ બંધ કરવા માટે ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરો
તમે Paytm ફાસ્ટેગના ટોલ ફ્રી નંબર પર કૉલ કરીને તમારા ફાસ્ટેગને બંધ કરાવી શકશો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ તાજેતરમાં એક એડવાઈઝરી બહાર પાડી હતી કે ગ્રાહકોએ Paytm ફાસ્ટેગને બદલે અન્ય કોઈ બેંક અથવા NBFCના ફાસ્ટેગનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે NHAI એ 39 બેંકો અને NBFCની યાદી પણ બહાર પાડી હતી.
UPI અને સાઉન્ડબોક્સ પર કોઈ અસર નહીં
આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર જો ગ્રાહક ઈચ્છે તો આ પૈસાથી કોઈપણ પેમેન્ટ કરી શકે છે અને તેને પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર પણ કરી શકે છે. જોકે RBIના આ પગલાની Paytm UPI પર કોઈ અસર નહીં થાય. તમે કોઈપણ ચિંતા વગર UPI સેવાનો ઉપયોગ કરી શકો છો. RBIની આ કાર્યવાહીથી Paytmનું સાઉન્ડબોક્સ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આ ઉપરાંત ટિકિટ બુકિંગ, રિચાર્જ અને બિલ પેમેન્ટ સેવાઓ પર કોઈ અસર પડશે નહીં.
ગ્રાહકો હવે શું કરી શકશે અને શું નહીં
Paytm પેમેન્ટ્સ બેંકનો ઉપયોગ કરતા લોકો હવે કોઈપણ પ્રકારની ડિપોઝિટ અથવા ટોપ અપ કરી શકશે નહીં. પગાર ક્રેડિટ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને સબસિડી પણ પેમેન્ટ બેંક ખાતામાં જમા કરવામાં નહીં આવે. જો કે સ્વીપ ઈન પાર્ટનર બેંકની મદદથી પેમેન્ટ બેન્કમાં રિફંડ, કેશબેક જમા થઈ શકશે. વોલેટ ગ્રાહકો હવે પૈસા ટ્રાન્સફર અથવા ટોપ અપ કરી શકશે નહીં. Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલા NCMC કાર્ડ પણ હવે રિચાર્જ કરી શકાશે નહીં.