‘પેટીએમ ફાસ્ટેગ’નું 29 ફેબ્રુઆરી બાદ શું થશે? જાણો RBIના નિર્ણય સામે કંપનીની તૈયારી...

RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિ.ની કેટલીક સેવા ગઈકાલે બંધ કરવાનો નિર્ણય કર્યા બાદ આજે કંપનીના શેરમાં 20% ગાબડું

કંપનીએ સેવિંગ એકાઉન્ટ, વૉલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ પર RBIની અસર અંગે સ્ટૉક એક્સચેન્જને આજે માહિતી આપી

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
‘પેટીએમ ફાસ્ટેગ’નું 29 ફેબ્રુઆરી બાદ શું થશે? જાણો RBIના નિર્ણય સામે કંપનીની તૈયારી... 1 - image


Paytm Payments Bank Limited : ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ સામે કડક કાર્યવાહી કરી પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડની કેટલીક સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં પેટીએમ ફાસ્ટેગ પણ સામેલ છે. ફાસ્ટેગ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. જો ફાસ્ટેગ ન હોય તો બમણો ટોલ ટેક્સ સુધીનો ચાર્જ ચુકવવો પડી શકે છે, ત્યારે એવો સવાલ થઈ રહ્યો છે કે, ‘પેટીએમ ફાસ્ટેગ’નું 29 ફેબ્રુઆરી બાદ શું થશે?

RBIએ શું નિર્ણય કર્યો?

ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવતી દિગ્ગજ કંપની પેટીએમની બેન્કિંગ બ્રાન્ચ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિ.ને નવા કસ્ટરમ જોડવા પર RBIએ બુધવારે પ્રતિબંધ લાદ્યો છે. એટલે કે હવે PPBLની સાથે કોઈ નવા ગ્રાહક નહીં જોડાઈ શકે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવી રહ્યો છે. 29 ફેબ્રુઆરી 2024 બાદ કોઈપણ ગ્રાહક એકાઉન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકાર નહીં કરવામાં આવે.

પેટીએમ બંધ નહીં થાય, RBIના નિર્ણયને સમજો

આરબીઆઈ દ્વારા પેટીએમની પીપીબીએલ બ્રાન્ચની સર્વિસ પર કાર્યવાહી કરાઈ છે. ત્યારબાદ વર્તમાન યુઝર્સો એક માર્ચ અથવા પછીથી પેટીએમ વોલેટમાં નાણાં જમા નહીં કરી શકે. આવી સ્થિતિમાં તમે પેટીએમ ફાસ્ટેગ (Paytm FASTag)નો પણ ઉપયોગ પણ નહીં કરી શકો, કારણ કે પેટીએમ વોલેટમાં જમા રૂપિયાથી જ પેટીએમ ફાસ્ટેગનું પેમેન્ટ થાય છે. તમે પેટીએમ પાસેથી લોન વગેરે પણ નહીં લઈ શકો. જોકે આ દરમિયાન UPI પેમેન્ટ અને અન્ય પેમેન્ટ થતી રહેશે.

‘પેટીએમ ફાસ્ટેગ’નું 29 ફેબ્રુઆરી બાદ શું થશે?

પેટીએમ સામે કાર્યવાહી બાદ એવો સવાલ થાય છે કે, શું 29 જાન્યુઆરી બાદ પેટીએમ ફાસ્ટેગ બંધ થઈ જશે? આરબીઆઈના નિર્ણય સ્પષ્ટ જણાવાયું છે કે, પેટીએમ ફાસ્ટેગને રિચાર્જ અથવા ટૉપઅપ કરી શકાશે નહીં.

પેટીએમ ફાસ્ટેગ યુઝર્સ માટે રાહતની વાત...

પેટીએમની પેરેન્ટ્સ ફર્મ ઓન97 કોમ્યુનિકેશન લિમિટેડ (One97 Communications Limited)એ સ્ટૉક એક્સચેન્જ (Stock Exchange)ને રિલિઝ જારી કરી સ્ટેટમેન્ટ આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે, સેવિંગ એકાઉન્ટ, વૉલેટ, ફાસ્ટેગ અને NCMC કાર્ડ પર આરબીઆઈના નિર્ણયની કોઈ અસર નહીં પડે. જોકે કંપનીનું ફાસ્ટેગ કેવી રીતે કામ કરશે? તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

RBIએ શા માટે લીધા પેટીએમ પર એક્શન?

રિઝર્વ બેંક તરફથી Paytm Payment Bank પર લેવાયેલા આ એક્શનના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે, એક ઓડિટ રિપોર્ટ અને બહારના ઓડિટર્સના રિપોર્ટ બાદ પેટીએમની બેન્કિંગ સર્વિસમાં ગેર પાલન અને મટિરિયલ સુપરવાઈઝરી ચિંતાઓ ઉજાગર થઈ છે. આ બધા વચ્ચે આ નિર્ણય લેવાયો છે અને આદેશ હેઠળ નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધની સાથે આગામી 29 ફેબ્રુઆરી 2024 બાદથી હાલના ગ્રાહકોના એકાઉન્ટ્સમાં પણ ટ્રાન્જેક્શન પર રોક લગાવી દેવાઈ છે.

પેટીએમના સ્ટોકમાં મોટું ગાબડું

રિઝર્વ બેંકના નિર્ણય બાદ પેટીએમના સ્ટોકમાં 20 ટકાનું ગાબડું પડ્યું છે. આજે બજેટના દિવસે કંપનો શેર રૂ.152.20 ઘટી રૂ.608 પર બંધ થયો છે. ગઈકાલે કંપનીનો શેર રૂ.761 પર બંધ થયો હતો. કંપનીનો શેર 52 અઠવાડિયામાં રૂ.516 નીચે, જ્યારે રૂ.998.30 ઉપર સુધી ટ્રેડ થયેલો છે.


Google NewsGoogle News