“શું તમારૂ માફીનામું તમારી જાહેરાતોની સાઈઝ જેટલું જ મોટુ હતું”: સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની ઝાટકણી કરી
Baba Ramdev Patanjali Misleading case: બાબા રામદેવની માલિકીની પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને શિષ્ય બાલક્રિષ્ના પર ભ્રામક જાહેરાતોના આરોપો બદલ કોર્ટનો તિરસ્કાર કરવાના કેસ મામલે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલ ક્રિષ્નાની આકરી ઝાટકણી કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, શું તમારૂ માફીનામું તમારી મોટી-મોટી ફૂલપેજની ભ્રામક જાહેરાતોની સાઈઝ જેટલું જ મોટું હતું.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પતંજલિ આયુર્વેદને ફરી મોટી સાઈઝમાં માફીનામું અખબારોમાં છપાવવા આદેશ કર્યો છે. તેમજ રામદેવ અને બાલ ક્રિષ્નાને 30 એપ્રિલે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કરી ઝાટકણી
રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, અમે માફીનામુ રજૂ કરી ચૂક્યા છીએ. જેના પર જસ્ટિસ હિમા કોહલીએ પૂછ્યું કે, કાલે કેમ રજૂ કર્યું, હાલ અમે રજૂ કરેલા બંડલો જોઈ શકીશું નહિં. તમારે પહેલેથી જ રજૂ કરવુ હતું. જ્યારે જસ્ટિસ અમાનુલ્લાના માફીનામું ક્યા પ્રકાશિત થયું છે, તેના જવાબમાં રોહતગીએ જણાવ્યું હતું કે, 67 અખબારોમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેના પર રૂ. 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. બાદમાં કોહલીએ પૂછ્યું કે, તમારી ભ્રામક જાહેરાતોની સાઈઝમાં જ માફીનામુ પ્રકાશિત કર્યું હતું, તો તેનો જવાબ રોહતગીએ ના આપ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયને પણ આડે હાથ લીધું
સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે નિયમોમાં સુધારા-વધારા કરવા બદલ સ્વાસ્થ્ય મંત્રાલયને બાનમાં લેતાં કહ્યુ હતું કે, તમે હવે નિયમ 170 પરત લેવા માગો છો. જો તમારો આ નિર્ણય હોય તો તમે તેના પર શું કામગીરી થઈ છે. આ નિયમ રાજ્ય લાયસન્સિંગ પ્રાધિકરણની મંજૂરી વિના આયુર્વેદિક, યુનાની દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે. સુપ્રીમ કોર્ટે મંત્રાલયને સવાલ કર્યો હતો કે, શું તેમની પાસે વર્તમાન નિયમોનું પાલન ન કરવાની અપીલ કરવાની તાકાત છે, શું તેઓ પ્રકાશિત થતી જાહેરાતો કરતાં ટેક્સ મામલે વધુ ચિંતિત છે?