ગરીબને ઘર, યુવાનોને રોજગાર, મહાકુંભની ઘટના પર દુઃખ.... રાષ્ટ્રપતિએ અભિભાષણમાં શું-શું કહ્યું?
Budget Session Live Updates: સંસદમાં આજથી બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના ભાષણમાં સરકારલક્ષી યોજનાઓની સફળતા અને દેશના વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારૂ આર્થિક સર્વેક્ષણ 2024-25 આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનના નેતૃત્વ હેઠળની ટીમે તૈયાર કર્યું છે.
આદિવાસી-દલિતો માટે કલ્યાણલક્ષી પ્રયાસો
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજે દલિત-વંચિતો અને આદિવાસી સમુદાયોને લાભો મળી રહ્યા છે જેમની આઝાદી પછી ઉપેક્ષા કરવામાં આવી હતી. દેશભરમાં 770 થી વધુ એકલવ્ય મોડલ સ્કૂલમાંથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાં 30 નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે, સિકલ સેલ સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વારસાને બચાવવા માટે, આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ઉજવણી કરી હતી. મારી સરકારે નોર્થ ઈસ્ટના લોકોના દિલમાંથી ભેદભાવની લાગણી દૂર કરી છે.
દુષ્કાળગ્રસ્ત પ્રદેશોમાં પાણી અને સિંચાઈ સુવિધા
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને સિંચાઈ ઉપલબ્ધ કરાવવા બે ઐતિહાસિક રિવર લિંકિંગ પરિયોજનાને વેગ આપ્યો છે. 40 હજાર કરોડથી વધુના ખર્ચે પીએમની રિવર લિંક પરિયોજનાથી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ખેડૂતોને લાભ મળશે. રાજસ્થાનમાં પણ સિંચાઈના પાણીની ઉપલબ્ધતા વધશે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યામાં વધારો - રાષ્ટ્રપતિ
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ 13 ભારતીય ભાષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 'દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. માતૃભાષામાં શિક્ષણ વધ્યું છે. આજે ભારત ટેક્નોલોજીના ક્ષેત્રમાં દુનિયાને માર્ગ બતાવી રહ્યો છે. અમે સ્પેસ ડોકિંગના ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરી છે. સરકારે ટેક્સ સિસ્ટમને સરળ બનાવી છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. યુપીઆઈ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધાને કારણે દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. સ્ટ્રીટ વેન્ડર્સને લોનનો લાભ મળ્યો છે. ચિનાબ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ઉધમપુર શ્રીનગર રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ છે.
એવિએશન સેક્ટર ક્ષેત્રે ઉન્નત ગ્રોથ
રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું હતું કે, દેશનું એવિએશન સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે. દેશની વિવિધ એરલાઈન કંપનીઓએ 1700થી વધુ નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે. સરકાર એરપોર્ટનું સતત વિસ્તરણ કરી રહી છે. છેલ્લા દસ વર્ષમાં દેશના એરપોર્ટની સંખ્યા બમણી થઈ છે.
રાષ્ટ્રપતિએ સરકારની વિવિધ સ્કીમની સફળતા જણાવી
આવાસ યોજના, સ્વામિત્વ કાર્ડ, પીએમ કિસાન, આયુષ્માન ભારત, મુદ્રા યોજના, પીએમ વિદ્યા લક્ષ્મી યોજના, ઈ-ગ્રામ સ્વરાજ યોજના, વંદે ભારત, વન નેશન વન ઈલેક્શન, વિકસિત ભારત, પીએમ ઉજ્વલા યોજના, લખપતિ દીદી, સૌભાગ્ય યોજના, રેરા, ઉડાન, 8મું પગાર પંચ, યુપીએસ સહિતની સ્કીમની સફળતા અંગે માહિતી આપી. ડિજિટલ ક્ષેત્રે ભારતનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગ્રોથનો ઉલ્લેખ કર્યો.
અઢી કરોડને ગરીબીમાંથી મુક્ત કર્યા: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ મુર્મૂએ વધુમાં જણાવ્યું હતું કે, યુુવાનોને રોજગારીની તકો આપી છે. છેલ્લા બે વર્ષમાં સરકારમાં બે લાખ સ્થાયી રોજગારી આપી છે. 2.5 કરોડને ગરીબીમાંથી મુક્ત કર્યા છે. દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપ છે. જે ઈનોવેશન સાથે ઉભરી રહ્યા છે. સ્પેસ સેક્ટરમાં 1000 કરોડના ખર્ચે વેન્ચર કેપિટલની શરૂઆત થઈ છે. ભારતને ગ્લોબલ ઈનોવેશન માટે પાવર હાઉસ બનાવવાનો સંકલ્પ પૂર્ણ કરવા પ્રયાસો થઈ રહ્યા છે. 10000 કરોડના ખર્ચે વિજ્ઞાન અને ઈનોવેશન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઈન્ડિયા એઆઈ મિશનની શરૂઆત કરી છે. ભારત ડિજિટલ ઈનોવેશન અને એઆઈ મામલે વિશ્વભરમાં ઉભરી આવતો દેશ છે.
બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ તેમના અભિભાષણમાં કહ્યું કે અમારી સરકાર મધ્યમવર્ગનું પોતાનું ઘર હોવાનું સપનું પૂરું કરવા પ્રતિબદ્ધ છે. મધ્યમવર્ગને હોમ લોનમાં સબસિડી આપી છે.
મહાકુંભની નાસભાગની ઘટના વિશે રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ અભિભાષણમાં મહાકુંભની નાસભાગની ઘટનામાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં મૌની અમાસે ઘાયલ થનારા લોકો જલદી સાજા થાય તેવી કામના કરી હતી.
બજેટમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ શરૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદ ભવન પહોંચ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદ ભવન પહોંચી ગયા છે. હવે તે બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધશે.
PM મોદીએ માં લક્ષ્મીની સ્તુતિ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. તેમણે પત્રકારોને સંબોધિત કરી ધનની દેવી માં લક્ષ્મીનું સ્મરણ કર્યું હતું. તેમજ સમૃદ્ધિની દેવીની સ્તુતિ કરતાં કહ્યું કે, આ સદીઓ જૂની પરંપરા છે. હું માં લક્ષ્મીને પ્રાર્થના કરુ છું કે, તે સૌને સમૃદ્ધિ અને વિવેક આપે. દેશના તમામ ગરીબ અને મધ્યમવર્ગ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે. ગણતંત્રના 75 વર્ષ પૂર્ણ થયા છે. જે દરેક દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.
નારી શક્તિનું ગૌરવ સ્થાપિત કરવું છે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકોએ મને ત્રીજી વખત આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે અને આ ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે. મિશન મોડમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે 'નારી શક્તિનું ગૌરવ સ્થાપિત કરવું છે. આ સત્ર વિકસિત ભારતને નવી ઉર્જા આપશે. ભારતની તાકાત તેને લોકશાહી વિશ્વમાં એક ખાસ સ્થાન આપે છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 2047 માં, જ્યારે દેશ તેની સ્વતંત્રતાના 100માં વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યારે દેશે લીધેલા વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ થશે અને આ બજેટ એક નવો આત્મવિશ્વાસ પેદા કરશે.
નિર્મલા સીતારમણ આઠમું બજેટ રજૂ કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે. છેલ્લા અઢી થી ત્રણ દાયકામાં આ પહેલી વાર બનશે જ્યારે કોઈ નાણામંત્રી સતત આઠમી વખત બજેટ રજૂ કરશે. નિર્મલા પહેલા અરુણ જેટલી પાંચ વર્ષ સુધી નાણામંત્રી હતા, પરંતુ તેઓ પણ તબીયત સારી ન હોવાના કારણે એક વખત બજેટ રજૂ કરી શક્યા ન હતા.