શું પાન કાર્ડ પણ એક્સ્પાયર થાય, કેટલા વર્ષ હોય છે વેલીડીટી? જાણો બધી મૂંઝવણોના જવાબ
વ્યક્તિ પાસે એક જ PAN કાર્ડ હોઈ શકે છે
PAN નંબર ક્યારેય બદલી શકાતો નથી
PAN કાર્ડ એ એક એવું ડોક્યુમેન્ટ છે, જેની તમને અત્યારે સૌથી વધુ જરૂર રહે છે. હવે તેના વિના નાણાકીય કામ થઈ શકે તેમ નથી. તેમજ PAN કાર્ડ આપણી ઓળખનું એક મહત્વનું ડોક્યુમેન્ટ પણ બની ગયુ છે. પાન કાર્ડ વિના, તમે ન તો આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો અને ન તો બેંક ખાતું અને ડીમેટ ખાતું ખોલી શકો છો. એક મોટો પ્રશ્ન એ છે કે શું પાન કાર્ડ પણ એક્સ્પાયર થઈ જાય છે? શું તે સમય સમય પર રીન્યુ કરાવવું પડે છે? મોટાભાગના લોકો એ નથી જાણતા કે પાન કાર્ડની વેલીડીટી શું છે.
પાન કાર્ડ રિન્યૂ કરવાનું કહેવામાં આવે તો સાવચેત રહેવું
જો તમને પણ પાન કાર્ડની એક્સપાયરીને લઈને કોઈ મૂંઝવણ છે, તો આજે જ તેને દૂર કરો. પાન કાર્ડ એ એક ડોક્યુમેન્ટ છે જે એકવાર બની જાય તો આજીવન માન્ય રહે છે. પાન કાર્ડ રિન્યુ કરાવવાની જરૂર નથી. વ્યક્તિના મૃત્યુ પછી જ પાન કાર્ડ રદ કરી શકાય છે. સોશિયલ મીડિયા પર પાન કાર્ડની વેલીડીટીને લઈને મૂંઝવણ વ્યાપકપણે ફેલાયેલી છે. સ્કેમર્સ તેને ગેરમાર્ગે દોરવાના હેતુથી ફેલાવે છે. તેમનો ઉદ્દેશ્ય લોકોના બેંક એકાઉન્ટમાં ગોલમાલ કરવાનો છે. તેથી, જો હવે તમને કોઈ કોલ અથવા મેસેજ કરીને પાન કાર્ડ રિન્યૂ કરવાનું કહેવામાં આવે તો તેની જાળમાં ન ફસાવું.
માહિતી અપડેટ થઇ શકે
પાન કાર્ડમાં 10 આંકડાનો આલ્ફાન્યૂમેરિક નંબર હોય છે. આલ્ફાન્યુમેરિક નંબરો ઇંગલીશ આલ્ફાબેટથી શરૂ થાય છે. જે કાર્ડ પર મોટા અક્ષરોમાં જોવા મળે છે. આ સિવાય યુઝરની સહી, ફોટો અને સરનામું પણ પાન કાર્ડમાં લખેલું હોય છે. પાન કાર્ડ નંબર બદલી શકાતો નથી. PAN કાર્ડ ધારક PAN કાર્ડમાં લખેલી અન્ય માહિતીને અપડેટ કરી શકે છે.
એક જ PAN કાર્ડ રાખી શકાય
આવકવેરા અધિનિયમ 1961ની કલમ 139A અનુસાર, વ્યક્તિ માત્ર એક જ PAN કાર્ડ રાખી શકે છે. કલમ 139A ની સાતમી જોગવાઈ અનુસાર, જે વ્યક્તિના નામે PAN કાર્ડ ફાળવવામાં આવ્યું છે તે નવા PAN કાર્ડ માટે અરજી કરી શકશે નહીં. આમ કરવું કલમ 139Aનું ઉલ્લંઘન છે અને તેના માટે સક્ષમ અધિકારી દ્વારા 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.