પાન-આધાર લિંક નહીં કર્યું હોય, તો પણ વધુ ટેક્સ નહીં ભરવો પડેઃ CBDTનો સર્ક્યુલર
PAN-Aadhar Linking : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા પરિપત્ર જાહેર કરીને 31 મે, 2024 પહેલા PAN અને આધાર કાર્ડ લિંક કર્યા પહેલા ડિડક્ટી અને કલેક્ટીના મૃત્યુ થવાના કિસ્સામાં TDS અને TCSની જોગવાઈઓમાં મોટી રાહત આપી છે.
નાણા મંત્રાલયે શું કહ્યું?
નાણા મંત્રાલયે કહ્યું હતું કે, 'ટેક્સ ભરનારા લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા 5 ઓગસ્ટ, 2024ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સરકારે આવકવેરા અધિનિયમ 1961 હેઠળ ડિડક્ટી અને કલેક્ટીનું PAN અને આધાર કાર્ડને લિંક કર્યા પહેલા મૃત્યુ થાય ત્યારે તેમને TDS અને TCSની જોગવાઈઓમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, કરદાતાઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને 31 મે, 2024 પહેલા PAN અને આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ પૂરો થતા પહેલા ડિડક્ટી અને કલેક્ટીનું મોત નીપજ્યું હોય તેવા કિસ્સામાં પરિપત્રમાં જણાવ્યાં પ્રમાણે 31 માર્ચ, 2024 સુધી કોઈપણ વ્યવહાર કરવામાં આવ્યા હોય તેમાં ડિડક્ટી અને કલેક્ટી પર ઈન્કમટેક્ષ એક્ટ 206AA/206CC હેઠળ ટેક્સ ડિડક્ટી કરવાની કોઈ જવાબદારી રહેશે નહીં.'
TDS-TCSની જોગવાઈમાં મોટી રાહત
નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 23 એપ્રિલ, 2024ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા 31 માર્ચ, 2024 સુધી કરવામાં આવેલા વ્યવહારો પર ઈન્કમટેક્ષ એક્ટ પ્રમાણે TDS અને TCSની રાહત આપવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં PAN અને આધાર કાર્ડ લિંક કરવા માટે સમય લંબાવવામાં આવ્યો છે.
કરદાતાઓની CBDTમાં અનેક ફરિયાદો
CBDTને કરદાતાઓ તરફથી એવી ફરિયાદો મળી રહી હતી કે, PAN-આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ, 31 મે 2024 પહેલાં ડિડક્ટી અને કલેક્ટીનું મૃત્યુ થયુ હોવાથી તેઓ PAN-આધાર કાર્ડને લિંક કરી શક્યા ન હતા. આવી સ્થિતિમાં ટેક્સ ડિમાન્ડની અરજી પેન્ડિંગ છે. નિયમો પ્રમાણે, જો કરદાતા PAN-આધાર કાર્ડને લિંક કરવામાં નિષ્ફળ જાય છે, તો 20 ટકા TDS અને 5 ટકા TCS કાપવાનો નિયમ છે. જ્યારે ઉચ્ચ TDS-TCSને ટાળવા માટે સરકારે PAN-આધાર કાર્ડ લિંક કરવાની તારીખ 31 મે, 2024 સુધી લંબાવી હતી.