સસ્તા ભાવને પરિણામે મેમાં પામ ઓઈલની આયાત ચાર મહિનાની ટોચે

- પૂરવઠો ખોરવાતા સનફલાવર ઓઈલના ભાવ ઊંચા

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
સસ્તા ભાવને પરિણામે મેમાં પામ ઓઈલની આયાત ચાર મહિનાની ટોચે 1 - image


મુંબઈ : અન્ય ખાધ્ય તેલોની સરખામણીએ સસ્તામાં ઉપલબ્ધતા બની રહ્યું હોવાથી દેશમાં પામ ઓઈલની આયાત મેમાં ચાર મહિનાની ટોચે રહી હતી અને એપ્રિલની સરખામણીએ તેમાં ૧૧.૬૦ ટકા વધારો થયો હતો એમ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ' એસોસિએશન (સી)ના આંકડા જણાવે છે. વાર્ષિક ધોરણે આયાતમાં  ૭૪ ટકા ઉછાળો નોંધાયો છે. 

મેમાં દેશની પામ ઓઈલની આયાત ૭,૬૩,૩૦૦ ટન રહી હતી જે વર્તમાન વર્ષના જાન્યુઆરી બાદ સૌથી ઊંચી છે. 

અન્ય ખાધ્ય તેલોની સરખામણીએ વિશ્વ બજારમાં પામ તેલ સસ્તું મળી રહ્યું હોવાથી ભારતના આયાતકારો દ્વારા તેની આયાતમાં વધારો થયો છે.

વિશ્વમાં ભારત વનસ્પતિ તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારતની આયાતમાં વધારાને કારણે મલેશિયન પામ ઓઈલ ફ્યુચર્સને ટેકો મળી રહ્યો છે. બીજી બાજુ સોયા ઓઈલની આયાતમાં ૧૬ ટકા ઘટાડો નોંધાયો છે જ્યારે સનફલાવર ઓઈલની આયાત ૭૫ ટકા ઊંચી રહી છે.

વનસ્પતિ તેલની એકંદર આયાત ૧૬ ટકા વધી ૧૫ લાખ ટન રહ્યાનું પણ સીના આંકડા જણાવે છે. આર્જેન્ટિના તથા બ્રાઝિલ ખાતે પૂરવઠા ખલેલને કારણે સોયાઓઈલના ભાવમાં તાજેતરમાં ઉછાળો આવ્યો હતો. 

રાતા સમુદ્ર મારફત પૂરવઠો ખોરવાતા સનફલાવર ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું. 

ક્રુડ પામ ઓઈલ પ્રતિ ટન ૯૫૦ ડોલર આસપાસ મળી રહ્યું છે જ્યારે સોયા ઓઈલ અને સનફલાવર અનુક્રમે  પ્રતિ ટન ૧૦૦૦ ડોલર અને ૯૮૫ ડોલર બોલાઈ રહ્યું છે. 

પામ ઓઈલ સસ્તુ મળી રહ્યું હોવાથી જૂનમાં પણ તેની આયાત ઊંચી રહેવાની સ્થાનિક ટ્રેડરે ધારણાં મૂકી છે. જ્યારે સોયાઓઈલની ખરીદીમાં ઘટાડો જોવા મળવા સંભવ છે. ભારત પામ ઓઈલની ખરીદી મુખ્યત્વે ઈન્ડોનેશિયા, મલેશિયા તથા થાઈલેન્ડ ખાતેથી કરે છે. 

oilseed

Google NewsGoogle News