ભાજપની આ ઉમેદવાર અબજોપતિ, દુબઈ, લંડન સહિત વિદેશોમાં પણ અઢળક સંપત્તિનો ખજાનો
Lok Sabha Election 2024: ભાજપે દક્ષિણ ગોવા લોકસભા બેઠક માટે પ્રથમ વખત મહિલા ઉમેદવારનું નામ જાહેર કરી ચોંકાવી દીધા છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ગોવા બેઠક પર ઉમેદવાર તરીકે પલ્લવી ડેમ્પોનું નામ જાહેર કર્યું છે. જે અબજોપતિ છે. અગાઉ પણ ભાજપે કંગના રાનૌતને ટિકિટ આપતા સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.
કોણ છે પલ્લવી ડેમ્પો
અબજો સંપત્તિની માલિક પલ્લવી ડેમ્પો રાજકારણમાં નવા છે. તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પો ગ્રુપના ચેરમેન છે. જે ફૂટબોલથી માંડી રિયલ એસ્ટેટ અને શિપ બિલ્ડિંગ સુધીના બિઝનેસમાં કાર્યરત છે. તેમનો બિઝનેસ શિક્ષણ અને ખાણકામમાં પણ રોકાયેલા છે.
પલ્લવી ડેમ્પો ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેમજ શિક્ષણવિદ્ તરીકે ઓળખાય છે. પલ્લવી (ઉ. 49)એ રસાયણશાસ્ત્રમાં સ્નાતકની સાથે MIT પુણેમાંથી MBAની ડિગ્રી મેળવી છે. પલ્લવી ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝમાં મીડિયા અને રિયલ એસ્ટેટનો બિઝનેસ સંભાળે છે. દક્ષિણ ગોવાની બેઠક જ્યાંથી તેમને ટિકિટ આપવામાં આવી છે તેનું પ્રતિનિધિત્વ હાલમાં કોંગ્રેસના નેતા ફ્રાન્સિસ્કો સરદિન્હા કરી રહ્યા છે.
પલ્લવી ડેમ્પો રૂ. 1400 કરોડની માલિક
પલ્લવી ડેમ્પો દ્વારા જારી કરવામાં આવેલી 119 પેજની એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે, તેમના પતિ સહિત તેમની પાસે કુલ રૂ. 1400 કરોડની સંપત્તિ છે. શ્રીનિવાસ શિક્ષણ અને માઈનિંગના બિઝનેસમાં પણ છે. પલ્લવી ડેમ્પો પાસે રૂ. 255.4 કરોડની જંગમ સંપત્તિ છે, જ્યારે શ્રીનિવાસ પાસે 994.8 કરોડની સંપત્તિ છે. પલ્લવી રૂ. 28.2 કરોડની સ્થાવર સંપત્તિ ધરાવે છે.
દેશ-વિદેશમાં સંપત્તિ
શ્રીનિવાસની પાસે રૂ. 83.2 કરોડની સ્થાવર સંપત્તિ છે. ગોવા સહિત દેશના અનેક હિસ્સા ઉપરાંત દુબઈ અને લંડનમાં પણ સંપત્તિ ધરાવે છે. ડેમ્પો દંપત્તિ દુબઈના સાવન્નામાં રૂ. 2.5 કરોડનો ફ્લેટ ધરાવે છે. જ્યારે લંડનમાં રૂ. 10 કરોડનું એપાર્ટમેન્ટ છે.
સોનામાં 5.7 કરોડનું રોકાણ
પલ્લવી ડેમ્પો સોનામાં મોટાપાયે રોકાણ કરે છે. હાલ રૂ. 5.7 કરોડનું રોકાણ ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 10 કરોડનો ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યો હતો. જ્યારે શ્રીનિવાસે રૂ. 11 કરોડનો ટેક્સ ભર્યોછે.
ભાજપે 450થી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે અત્યારસુધી 450થી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એનડીએ પક્ષે 400 પારનું સૂત્ર આપ્યું છે. ભાજપે વિશ્વાસ દર્શાવ્યો છે કે, તે પોતાના દમ પર 360થી વધુ બેઠકો પર વિજય હાંસલ કરશે.