કંગાળ પાકિસ્તાનના શેરબજારમાં અધધધ ઉછાળો, એક વર્ષમાં જ ડબલ, ભારતની તુલનાએ પાંચ ગણી તેજી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
pakistan Stock Exchange

Image: IANS



Pakistan Stock Market Boom: દેવાના બોજા હેઠળ દબાયેલા અને આર્થિક પાયમાલીનો સામનો કરતાં પાકિસ્તાન એક બાજુ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, જ્યારે બીજી બાજુ તેનું શેરબજાર આસમાને પહોંચ્યું છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનનું શેરબજાર 100 ટકા ઉછળ્યું છે. આ ઉછાળો ભારતીય સ્ટોક એક્સચેન્જીસમાં નોંધાયેલા ઉછાળા કરતાં પાંચ ગણુ વધુ છે.

ભારતીય શેરબજાર છેલ્લા એક વર્ષમાં 20થી 25 ટકા સુધી વધ્યું છે. નિફ્ટી એક વર્ષમાં 25 ટકા, જ્યારે સેન્સેક્સ 21 ટકા ઉછળ્યો છે. જ્યારે પાકિસ્તાનનું કરાંચી સ્ટોક એક્સચેન્જ 100 ટકા ઉછળ્યો છે. પાકિસ્તાનનો ટોચનો ઈન્ડેક્સ FTSE Pakistan એ પણ 100 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જો કે, માર્કેટ કેપની દ્રષ્ટિએ પાકિસ્તાનનું શેરબજાર ભારતની તુલનાએ ક્યાંય આવતુ નથી.

પાકિસ્તાન ટોપ-100 એક્સચેન્જમાં પણ નહીં

માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતીય સ્ટોક એક્સચેન્જ વિશ્વના ટોપ-5 શેરબજારમાં સામેલ છે. હાલ તેની માર્કેટ કેપ રૂ. 435 લાખ કરોડથી વધુ છે. જ્યારે પાકિસ્તાનનું સ્ટોક એક્સચેન્જ ટોપ-100માં પણ સ્થાન ધરાવતા નથી. માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચના સ્ટોક એક્સચેન્જીસમાં અમેરિકાનુ ન્યૂયોર્ક સ્ટોક એક્સેન્જ પ્રથમ, ટોક્યો સ્ટોક એક્સચેન્જ બીજા, લંડન સ્ટોક એક્સચેન્જ ત્રીજા, નેશનલ સ્ટોક એક્સચેન્જ ચોથા અને પાંચમા સ્થાને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ સામેલ છે.

પાકિસ્તાનના શેરબજારમાં અંધાધૂધ તેજી

પાકિસ્તાનના શેરબજાર છેલ્લા એક સપ્તાહથી આકર્ષક ઉછાળો નોંધાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કરાંચી 100 ઈન્ડેક્સ 40000ના સ્તરે હતો. જે હવે વધી 80 હજારની સપાટી ક્રોસ કરી ગયો છે. FTSE Pakistan ઈન્ડેક્સ 100 ટકા ઉછળા સાથે 1100 પોઈન્ટનું લેવલ વટાવી ગયો છે. આ આકર્ષક તેજીના લીધે પાકિસ્તાન શેરબજારમાં રોકાણકારોની સંખ્યા અને આકર્ષણ સતત વધી રહ્યું છે. નિષ્ણાતોએ પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેતના પગલે આ તેજી નોંધાઈ રહી હોવાનું જણાવ્યું છે.

પાકિસ્તાન શેરબજારમાં તેજી પાછળના કારણો

તાજેતરમાં જ પાકિસ્તાનમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે બજેટની સાઈઝ લગભગ પાકિસ્તાની રૂ. 18.88 લાખ કરોડ હતું, જે ગયા વર્ષ કરતાં 30.56 ટકા વધુ છે. બજેટ રજૂ થયાના બીજા દિવસથી પાકિસ્તાની શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર સરકારી સાહસોને ખાનગી હાથમાં સોંપવાની તૈયારી કરી રહી છે.

પાકિસ્તાનની સરકાર દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે આવતા વર્ષે ખાનગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઉપરાંત, બજેટમાં લેવામાં આવેલા પગલાઓથી એવું લાગે છે કે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પાસેથી લોન મેળવવી સરળ બનશે. જેના કારણે શેરબજારનો વિશ્વાસ વધ્યો છે અને રોકાણકારો આશા સાથે રોકાણ કરી રહ્યા છે.

પાકિસ્તાન પર IMF પાસેથી લોન મેળવવા માટે શરતોનું દબાણ છે. પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબ પર ટેક્સ વધારવા અને રેવન્યુ કલેક્શન વધારવાનું દબાણ હતું. IMF પાસેથી બેલઆઉટ પેકેજ મેળવવા માટે, પાકિસ્તાન સરકારે આગામી નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ દરનો લક્ષ્યાંક 3.6 ટકા રાખ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો વિકાસ દર 2.38 ટકા હતો.



Google NewsGoogle News