સાનુકૂળ સ્થિતિને પરિણામે એકંદર રવી વાવેતર છ ટકા જેટલું ઊંચુ રહ્યું
- ઘઉંં, સરસવ સહિતના રવી પાકની વાવણી માટે સ્થિતિ સાનુકૂળ
મુંબઈ : દેશમાં ઓકટોબરથી શરૂ થયેલી રવી વાવણીની કામગીરીમાં અત્યારસુધી ૪૫૦.૬૧ લાખ હેકટર વિસ્તાર પર વાવેતર પૂરું થયું છે, જે ગયા વર્ષના આ ગાળામાં ૪૨૩.૫૨ લાખ હેકટર રહ્યું હતું. આમ વર્તમાન વર્ષનું રવી વાવેતર બીજી ડિસેમ્બર સુધીમાં ૬.૪૦ ટકા વધુ જોવા મળી રહ્યું હોવાનું કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે. સામાન્ય રીતે રવી વાવણી ૬૦૦ લાખ હેકટર વિસ્તાર પર થતી હોય છે.
મુખ્ય રવી પાક ઘઉંના ઊંચા વાવેતરને પરિણામે એકંદર વાવણી ઊંચી જોવા મળી રહી છે. ઘઉંનું વાવેતર ૫.૩૬ ટકા વધી ૨૧૧.૬૨ લાખ હેકટર રહ્યાનું પણ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
ઘઉંની વાવણી ઓકટોબરમાં શરૂ થાય છે અને તેની લણણીની કામગીરી માર્ચ-એપ્રિલમાં થાય છે. આ ઉપરાંત ચણા, અડદ, સરસવ તથા મગફળીની વાવણીમાં પણ સંતોષકારક પ્રગતિ જોવા મળી રહી છે.
પાછોતરા વરસાદને કારણે જમીનમાં ભેજના ઊંચા પ્રમાણથી રવી વાવેતર માટે સ્થિતિ હાલમાં સાનુકૂળ બની રહી છે.
કઠોળનું એકંદર વાવેતર ૧૧૨.૬૭ લાખ હેકટર વિસ્તાર રહ્યું છે, જે ગયા વર્ષના બીજી ડિસેમ્બર સુધીમાં ૧૦૮.૫૭ લાખ હેકટર વિસ્તાર થયું હતું.
તેલીબિયાંમાં સરસવની વાવણી નોંધપાત્ર વધુ જોવા મળી રહી છે. ગયા વર્ષના બીજી ડિસેમ્બર સુધીમાં ૬૯.૩૨ લાખ હેકટર સામે સરસવનું વાવેતર ૭૬.૬૯ લાખ હેકટર પર સમાપ્ત થયાનું પણ કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે.