સપ્તાહમાં પબ્લિક ઇસ્યુ માટે અધધધ રૂ. 2.6 લાખ કરોડની અરજીઓ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
સપ્તાહમાં પબ્લિક ઇસ્યુ માટે અધધધ રૂ. 2.6 લાખ કરોડની અરજીઓ 1 - image


- પબ્લિક ઇસ્યુ માટે દલાલ સ્ટ્રીટમાં નાણાનો વરસાદ

- રૂ.5,521 કરોડના ભંડોળના આયોજન કરતા 50 ગણી વધારે અરજીઓ આવી  ફાળવેલા શેર કરતા 12 ગણી વધારે ડિમાન્ડ સાથે રિટેલ ઇન્વેસ્ટર પણ ઉભરાયા 

અમદાવાદ : ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે એક નવો વિક્રમ જોવા મળ્યો છે. આ સપ્તાહ દરમિયાન મૂડી ઉભી કરવા આવેલા પાંચ પબ્લિક ઇસ્યુમાં રોકાણકારોએ રૂ.૨,૫૯,૯૭૪ કરોડની બોલીઓ લગાવી છે જે દેશના મૂડીબજારના ઈતિહાસમાં એક જ સપ્તાહમાં ઉભી થયેલી સૌથી મોટી રકમ છે. આ પાંચ કંપનીઓએ એન્કર    ઇન્વેસ્ટરને ફાળવવાના શેરના હિસ્સા સિવાય કુલ રૂ.૫,૨૫૧ કરોડની ઉભા કરવા આયોજન કર્યું હતું પણ તેની સામે ૫૦ ગણી બોલીઓ લાગી છે જે રોકાણકારોનો ભારતીય શેરબજારમાં વિશ્વાસ વધી રહ્યો હોવાનું દર્શાવે છે એમ બજાર વિશ્લેષકોએ જણાવ્યું હતું. રિટેલ રોકાણકારોએ પણ આ પાંચ ઇસ્યુમાં ૧૨ ગણી બોલી લગાવી છે.

આ આંકડો કેટલો મોટો છે એ સમજવા માટે જાણીએ કે છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર એક જ વખત દેશની પ્રાઈમરી માર્કેટ (એટલે કે પબ્લિક ઇસ્યુ થકી નાણા ઉભા થતા હોય તેમાં) રૂપિયા એક લાખ કરોડ કરતા વધારે રકમ સમગ્ર વર્ષમાં એકત્ર થઇ છે. વર્ષ ૨૦૨૦-૨૧માં વિવિધ કંપનીઓએ પબ્લિક ઇસ્યુ થકી રૂ.૧,૧૫,૭૪૬ કરોડ એકત્ર કર્યા છે જે આજ સુધીનો વિક્રમ છે. 

ભારતમાં સેકન્ડરી માર્કેટ (બજાર જેમાં શેરનું ખરીદ વેચાણ થાય છે) તેમાં ઉજ્જવળ ભવિષ્યની આશા છે, વધુને વધુ રોકાણકાર આવે એવી શક્યતા હોવાથી પ્રાઈમરી માર્કેટનું આકર્ષણ વધી રહ્યું છે. કોરોનામાં લોકડાઉન પછી ભારતીય શેરબજારમાં રોકાણકારોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મ્યુચયુઅલ ફંડ થકી સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)નું રોકાણ ઓક્ટોબરના અંતે ઐતિહાસિક ઉંચી સપાટી રૂ.૧૬,૯૨૮ કરોડ હતું જેમાં કુલ ૭.૩૦ કરોડ એસઆઈપી એકાઉન્ટ જોડાયેલા છે. શેરબજારમાં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ જરૂરી છે. સેન્ટ્રલ ડીપોઝીટરી સર્વિસે બુધવારે જ ડિમેટ એકાઉન્ટની સંખ્યા ૧૦ કરોડને પાર થઇ ગઈ હોવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર મહિનાના અંતે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર લીસ્ટેડ કંપનીઓમાં વિદેશી સંસ્થાઓનું રોકાણ ૧૦ વર્ર્ષની નીચી સપાટીએ જોવા મળ્યું છે પણ સામે સ્થાનિક રોકાણકારોનું પ્રમાણ કે કુલ શેરહોલ્ડીંગમાં હિસ્સો સૌથી ઉંચી ૭.૬૨ ટકા રહ્યો હતો. આંકડાઓ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં રિટેલ રોકાણકારોનું હોલ્ડીંગ પાંચ ગણું વધ્યું હતું. 

દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ ટાટા જૂથ તરફથી છેલ્લા બે દાયકામાં (ટીસીએસનો પબ્લિક ઇસ્યુ ૨૦૦૪માં આવેલો હતો) પછી પ્રથમ વખત પોતાની કોઈ કંપની માટે જાહેર જનતા માટે પબ્લિક ઇસ્યુ કરવામાં આવ્યો હતો. ટાટા મોટર્સની સબસિયરી ટાટા ટેકનોલોજીનો ઇસ્યુ આજે પૂરો થયો છે. રૂ.૪૭૫-૫૦૦ના ભાવના આ ૪.૫૦ કરોડના ભરણામાં કંપનીને કુલ ૩૧૩ કરોડ શેરની અરજીઓ આવી છે. રૂ.૨૨૫૧.૪ કરોડના ફંડ રેઈઝ સામે ૬૯ ગણા એટલે કે રૂ.૧,૫૬,૩૨૪ કરોડના રોકાણની દરખાસ્ત મળી છે. 

આ સિવાય સરકારી કંપની ઈરેડા એનર્જીનો રૂ.૧૫૦૬ કરોડનો પબ્લિક ઇસ્યુ ૩૮ ગણો ભરાયો છે. ગાંધાર એનર્જી નામની કંપનીને રૂ.૩૫૦ કરોડ સામે રૂ.૨૩,૦૦૧ કરોડની કે ૬૬ ગણી અરજીઓ મળી છે. આવી જ રીતે ફેડબેંક ફાઈનાન્સિયલને ત્રણ ગણી અને ફ્લેર રાઈટીંગને ૪૯ ગણી અરજીઓ મળી છે. 

જોકે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે) કંપનીઓએ બહાર પાડેલા પબ્લિક ઇસ્યુ થકી ઉભા કરવામાં આવેલા નાણાના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે ૩૧ કંપનીઓએ સપ્ટેમ્બર સુધીમાં રૂ.૨૬,૩૦૦ કરોડની રકમ ઉભી કરી છે જે ગત વર્ષે રૂ.૩૫,૪૫૬ કરોડ હતી જે ૨૬ ટકાનો ઘટાડો દર્શાવે છેે. 

આ વર્ષે આવેલા અન્ય ઈસ્યુઓમાં ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક કે આઈડિયા ફોર્જના ઇસ્યુ ૧૦૦ ગણા જેટલા ભરાયા હતા. જોકે, આ કંપનીઓના ભંડોળ એકત્ર કરવાની યોજના ટાટા ટેકનોલોજીસ કરતા પાંચમાં ભાગની હતી. આ વર્ષે આવેલા મોટા ઈસ્યુઓમાં જેએસડબ્લ્યુ અને ઇન્ડીયન રીન્યુએબલ એનર્જીના શેરમાં ટાટા જેવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સપ્તાહમાં આવેલા પબ્લિક ઇસ્યુ

કંપનીનું નામ

કેટલું ભંડોળ

કેટલી અરજી મળી

કેટલા ગણો ભરાયો

રિટેલ કેટલા ગણો ભરાયો

-

રૂ. કરોડ

રૂ. કરોડ

ગણો

ગણો

ટાટા ટેકનોલોજી

૨૨૫૧.૪૬

,૫૬,૩૨૫

૬૯.૪

૧૬.૫

ગાંધાર એનજીર્મ

૩૫૦.૪૮

૨૩,૦૦૨

૬૫.૬

૨૮.૯

ઈરેડા

૧૫૦૬.૯૪

૫૮,૪૭૨

૩૮.૮૦

૭.૭૨

ફ્લેર રાઈટીંગ

૪૧૫.૧

૨૦૪૫૪

૪૯.૩

૧૩

ફેડબેંક ફાઈ.

૭૨૭.૨૬

૧૭૨૨

૨.૩૬

૧.૮૨

કુલ

૫૨૫૧.૩

,૫૯,૯૭૪

૪૯.૫૦

૧૨.૧૧


Google NewsGoogle News