ઈથેનોલ ઉત્પાદન માટે ખાંડના વપરાશ બંધ કરવા આદેશ
- દેશમાં ખાડનો સ્ટોક વધારવા લેવાયેલા નિર્ણયો
- દેશમાં ઈથેનોલની ઉત્પાદન ક્ષમતા વધારવા સુગર કંપનીઓનું જંગી માત્રામાં ઈન્વેસ્ટમેન્ટ
મુંબઈ: દેશમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા સરકારે ખાંડ મિલો તથા ડિસ્ટીલરીસ દ્વારા ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડના વપરાશ પર તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકારના આ નિર્ણયથી દેશની ખાંડ મિલો પર લોન્સ ભરપાઈ કરવાનું દબાણ આવી શકે છે.
ઈથેનોલ સપ્લાય યર ૨૦૨૩-૨૪માં શેરડીના રસ અથવા શેરડીના સિરપને ઈથેનોલના ઉત્પાદનમાં ઉપયોગમાં નહીં લેવા દરેક ખાંડ મિલો તથા ડિસ્ટીલરીસને ગ્રાહક બાબતોના મંત્રાલયે આદેશ આપ્યો છે જે તાત્કાલિક રીતે અમલમાં આવશે.
બી-હેવી મોલાસિસ મારફતના ઈથેનોલનો પૂરવઠો ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વર્તમાન ઓફરો હેઠળ ચાલુ રહેશે, એમ ઓર્ડરમાં જણાવાયું છે.
દેશમાં ક્રુડ તેલની આયાત ઘટાડવાના ભાગરૂપ ફ્યુઅલમાં ઈથેનોલને મિકસ કરવાના સરકારના કાર્યક્રમને જાળવી રાખવા પૂરતી માત્રામાં ઈથેનોલ ઉપલબ્ધ રહેશે કે કેમ તે અંગે ઉદ્યોગમાં શંકા ઊભી થઈ છે.
ફ્યુઅલ રિટેલરો ગેસોલિનમાં મિકસ કરવા ખાડં મિલો પાસેથી ઈથેનોલ મેળવે છે. શેરડીના રસ તથા બી-હેવી મોલાસિસમાંથી ઉત્પાદિત થતાં ઈથેનોલ માટે ઊંચી કિંમત ચૂકવવી પડે છે.
૨૦૧૮માં બાયોફ્યુઅલ પોલિસી સ્વીકારાયા બાદ, દેશમાં ઈથેનોલની ઉત્પાદન ક્ષમતા વધારવા કંપનીઓએ જંગી માત્રામાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. બેન્કો પાસેથી મોટી માત્રામાં લોન્સ લઈને આ રોકાણ કરવામાં આવ્યું છે. સરકારના આજના નિર્ણયથી લોન્સ ભરપાઈ કરવાનું મુશકેલ બની રહેશે એમ મહારાષ્ટ્રના એક ખાંડ મિલ સંચાલકે જણાવ્યું હતું.
૨૦૨૩-૨૪ની ખાંડ મોસમના પ્રથમ બે મહિનામાં દેશનું સાકર ઉત્પાદન ૧૦.૬૫ ટકા જેટલું ઘટી ૪૩.૨૦ લાખ ટન રહ્યું હતું. ખાંડ મોસમ ઓકટોબરથી સપ્ટેમ્બર સુધીની હોય છે.
નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરીઝ લિ. ના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં ઉત્પાદન નીચું રહેતા ખાંડનું એકંદર ઉત્પાદન ઘટયું છે. ગયા વર્ષના ઓકટોબર-નવેમ્બરમાં ૫.૭૦ કરોડ ટનની સામે વર્તમાન વર્ષના આ ગાળામાં કુલ ૫.૧૦ કરોડ ટન શેરડીનું પીલાણ થયું હતું.
નવી મોસમમાં દેશનું ખાંડ ઉત્પાદન ૨.૯૧ કરોડ ટન રહેવા અપેક્ષા છે જે ગઈ મોસમમાં ૩.૩૦ કરોડ ટન રહ્યું હતું એમ પણ ફેડરેશનના આંકડા જણાવે છે.