Get The App

ઓપેકના ક્રૂડ ઉત્પાદન ઘટાડવાના નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે

Updated: Oct 6th, 2022


Google NewsGoogle News
ઓપેકના ક્રૂડ ઉત્પાદન ઘટાડવાના નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે 1 - image


- ઓઇલના ઉત્પાદનમાં દૈનિક 20 લાખ બેરલનો ઘટાડો કરાશે

- મંદીનો સામનો કરી રહેલા વૈશ્વિક અર્થતંત્રને વધુ એક ફટકો  વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે ઉત્પાદન ઘટાડાયું : ઓપેક

મુંબઈ : વિશ્વના પ્રમુખ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને અન્ય સાથી દેશો દ્વારા ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં દૈનિક ૨૦ લાખ બેરલનો કાપ મૂકવાનો નિર્ણય કરાયો છે. મોડી સાંજે આ ઓપેક પેનલની ભલામણ બાદ મીનિસ્ટરો દ્વારા આ ભલામણને સ્વીકારવામાં આવતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઉકળીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ઊંચામાં ૯૩.૨૦ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૮૭.૭૦ ડોલર બોલાઈ ગયા બાદ ફરી ઝડપી ઘટી આવ્યા હતા. મોડી સાંજે ભાવ ક્રુડના બ્રેન્ટ ૯૧.૪૮ ડોલર અને નાયમેક્ષ ૮૫.૯૮ ડોલર બોલાતા હતા.

વિશ્વ અત્યારે અસાધારણ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે અને અમેરિકા સહિતના દેશોએ ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારો કરવામાં આવતાં ઉદ્યોગોની માંગમાં ઘટાડાના પરિણામે ઓપેક દ્વારા ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાની ફરજ પડી છે. અલબત ઓપેક દેશોની આ અનપેક્ષિત મોટા ઉત્પાદન કાપની  ભલામણને સાથી દેશો કઈ રીતે અનુસરે છે એના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર મંડાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ઓપેકને ઉત્પાદનમાં મોટો ઘટાડો નહીં કરવાની અપીલ કરી હતી. જેને  અવગણીને ઓપેક દેશો દ્વારા આજે ૧૦ લાખ બેરલની અપેક્ષાથી પણ બમણો ૨૦ લાખ બેરલ દૈનિક ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેતાં વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ સર્જાવાની શકયતા બતાવાઈ રહી છે. આ સાથે વૈશ્વિક મોંઘવારી-ફુગાવો ભડકે બળવાની સંભાવના પણ નિષ્ણાંતો બતાવી રહ્યા છે.


Google NewsGoogle News