તમારા કામનું: શું ફરી સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ, કેન્દ્ર સરકારે આપ્યા સંકેત
Petrol-Diesel Price May Fall In Upcoming Days: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડાની અસર ભારતીય બજારમાં ટૂંક સમયમાં જોવા મળી શકે છે. ઓઈલ સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે જો લાંબા સમય સુધી સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમત નીચી રહેશે, તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચાર કરી શકે છે. ઉલ્લેખનીય છે, સરકાર ક્રૂડ ઓઈલ ઉત્પાદન વધારવા અને રશિયા જેવા સસ્તું ક્રૂડ વેચતા દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો પ્રયાસ વધારી રહી છે.
બે વર્ષ બાદ પ્રજાને રાહત!
લગભગ બે વર્ષ પછી કંપનીઓ દ્વારા કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે દેશના લોકો માટે મોટી રાહત હશે. છેલ્લે એપ્રિલ 2022માં તેલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈને કહ્યું કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલની કિંમત નીચી રહે છે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચારી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવ કેમ ઘટી રહ્યા છે?
છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તરે આવ્યા છે. જેના કારણે ઓઈલ કંપનીઓના નફામાં વધારો થયો છે. ભાવ ઘટવાથી નીચા દરે પેટ્રોલ અને ડીઝલના સપ્લાયનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા, 10 સપ્ટેમ્બરના રોજ, બ્રેન્ટ ક્રૂડ ડિસેમ્બર 2021 પછી પ્રથમ વખત બેરલ દીઠ 70 ડોલરથી ઘટ્યો હતો, ગુરુવારે (12 સપ્ટેમ્બર) બ્રેન્ટ ક્રૂડનો દર બેરલ દીઠ 71.49 ડોલર જોવા મળ્યો હતો. કિંમતોમાં ઘટાડાને કારણે રિટેલર્સ અને સરકારી ઓઈલ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે. સરકારી કંપનીઓ બજારમાં લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે.
શું હતો આજે ક્રૂડનો ભાવ?
ગુરૂવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઇલ રૂ. 51 વધી રૂ. 5,709 પ્રતિ બેરલ થયું હતું. મજબૂત સ્પોટ ડિમાન્ડને પગલે સહભાગીઓએ તેમની સ્થિતિ વધારી છે. MCX પર, ઑક્ટોબર ડિલિવરી માટે ક્રૂડ ઓઇલ 11,306 લોટમાં રૂ. 51 વધીને રૂ. 5,709 પ્રતિ બેરલ પર ટ્રેડ થયું હતું. વૈશ્વિક સ્તરે, ન્યુ યોર્કમાં, ક્રૂડ ઓઇલ 1.26 ટકા વધીને US $ 68.16 પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ 1.32 ટકા વધીને US $ 71.54 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.