તહેવાર ટાણે મોંઘવારીનો ડામ! બે અઠવાડિયામાં ખાદ્યતેલોમાં 345 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો
Edible Oil Price Increased News | કેન્દ્ર સરકારે 13 દિવસ પહેલા આયાતી ખાદ્યતેલો પર કસ્ટમ ડયુટીમાં 20 ટકા વધારો કર્યા બાદ ખાદ્યતેલોમાં બેલગામ, બેફામ ભાવવધારાનો દોર શરુ કરી દેવાયો છે. તેલના ભાવ નહીં વધારવાની અપીલોને ઠુકરાવી દેવાઈ છે અને તંત્રની નિષ્ક્રીયતાનો અને મીઠી નજરનો લાભ ઉઠાવીને તેલ લોબી નફાખોરી પર ઉતરી ગઈ છે.
સરકારનું કોઈ નિયંત્રણ જ ન હોય તે રીતે માત્ર પામતેલ કે સોયાબીન તેલ જ નહીં પરંતુ, મગફળી સિવાયના તમામ ખાદ્યતેલોના 15 કિલોના ડબા પર બે સપ્તાહથી પણ ઓછા સમયમાં રૂ.210થી રૂ.345 સુધીનો એટલે કે એક કિલોએ રૂ.14થી રૂ.20નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે અને હજુ પણ ભાવવધારાનો ડામ જારી છે.
તા.14 સપ્ટેમ્બરથી આયાત ડ્યુડી વધારાનો અમલ થવાની સાથે જ ખેડૂતોને તેમના પાકને વધુ ભાવ મળે કે નહીં પણ ગ્રાહકોને તાત્કાલિક ધોરણે મોંઘવારીનો ડામ આપવાનું શરુ કરી દેવાયું છે. ગત તા. 13ની સાપેક્ષે તા. 26 સપ્ટેમ્બરે પ્રતિ 15 કિલો ડબ્બાના, પામતેલમાં રૂ. 345, નારિયેળ તેલમાં રૂ.300, કપાસિયા તેલમાં રૂ.280, સૂર્યમુખી તેલમાં રૂ.270 અને એરંંડિયામાં રૂ.210નો વધારો કરાયો છે.
માત્ર ગત બે દિવસમાં જ નારિયેળ તેલમાં રૂ.100નો વધારો કરાયો છે. શ્રીફળના ભાવમાં પચાસ ટકા જેવા તોતિંગ વધારાના પગલે ગત ચાર દિવસમાં કોકોનટ ઓઈલમાં તો પ્રતિ 15 કિલોએ રૂ.250નો વધારો કરાયો છે. ઘરેલું રસોઈ તથા કંદોઈની દુકાને વ્યાપક વપરાતા કપાસિયા તેલમાં પણ આયાત ડ્યુટી નથી વધી પરંતુ પાકમાં આંશિક ઘટાડાના અંદાજથી રૂ. 50નો વધારો થયો છે.
જ્યારે પામતેલ મંગળવારે 1980-1985ના ભાવે વેચાતું તેમાં 45નો વધારો ઝીંકી દેવાયો છે. પામતેલ આયાત પર 20 ટકા ડ્યુટી વધારાઈ અને તેલલોબીએ સરકારના આ નિર્ણય બાદ આજ સુધીમાં 20.53 ટકા ભાવ વધારી દીધો છે. સૂર્યમુખી તેલમાં પણ ગત 2 દિવસમાં રૂા.40નો વધારો અને સિંગતેલની તો આયાત થતી નથી, નિકાસ થાય છે.
વળી વર્ષે 46 લાખ ટન સામે આ વર્ષે ગુજરાતમાં મગફળીના 58 લાખ ટનના વિક્રમી ઉત્પાદનનો અંદાજ છે છતાં સિંગતેલમાં રૂ.20 વધી ગયા છે. પામતેલથી બનતા વનસ્પતિ ઘીના ભાવમાં સૌથી વધારે રૂ. 430નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. જ્યારે રાઈ, મકાઈ, એરંડિયા જેવા તેલમાં પણ બેફામ વધારો થયો છે. એકંદરે ગરીબ-મધ્યમવર્ગીય માણસ કોઈ પણ તેલમાં રાંધે તો મોંઘવારીના ડામથી બચી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.